અંજારની વાડીમાં દારૂના કટીંગ વખતે પોલીસ ત્રાટકી, ૪૦ લાખનો શરાબ જપ્ત

ટ્રેઈલર, ડમ્પર મળી કુલ છ વાહનો સહિત ૯૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો : પડાણાના બૂટલેગરની ૧પ દિવસમાં બીજી ખેપ ઝડપાઈ : બૂટલેગરના ડાબા હાથ સહિત ચાર શખ્સોની ધરપકડ : માલ મોકલનાર પુના, રામા સહિત પાંચ આરોપીઓ હાજર ન મળી આવતા ગુનો દાખલ

(ક્રાઈમ પ્રતિનિધિ દ્વારા)ગાંધીધામ : અંજાર પોલીસે પખવાડિયાના સમયગાળા દરમિયાન ઈંગ્લિશ દારૂનો બીજો ગણના પાત્ર કેસ કર્યો છે. ભુજ – અંજાર હાઈવે પર આવેલી વાડીમાં ગત રાત્રે ઈંગ્લિશ દારૂનું કટીંગ કરાતું હતું, તે દરમિયાન સ્થળ પર પહોંચી આવેલી અંજાર પોલીસની ટીમે દારૂ – બીયરનો ૪૦ લાખનો મુદ્દામાલ મળી કુલ ૯૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સ્થળ પરથી ચાર આરોપીઓ મળી આવ્યા હતા. પાંચ આરોપીઓ હાજર ન મળી આવતા ગુનો દાખલ કરાયો છે. પખવાડિયા પૂર્વે અંજાર પોલીસે મનુભાનો દારૂ ઝડપ્યો હતો. જે બાદ ફરી આ બૂટલેગરનો દારૂ પકડાયો છે. રેન્જ આઈજી જે.આર. મોથલિયા અને એસપી મયૂર પાટીલ તેમજ ડીવાયએસપી ડી.એસ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ અંજાર પીઆઈ મહેન્દ્રસિંહ રાણાને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ઈંગ્લિશ દારૂની કટીંગનો સફળ કેસ કરાયો હતો. પડાણાના મનુભા વિઠુભા વાઘેલાને સુજીત શંકર તિવારીએ પૂના ભાણા ભરવાડ અને રામા વજા ભરવાડ પાસેથી વિદેશી દારૂનું કન્ટેનર ટ્રેઈલર મંગાવ્યું હતું. અંજારથી ભુજ જતા હાઈવે પર આવેલી ગણેશબાગ વાડી સામે રાજુભાઈ અરજણભાઈ આહિરની વાડીમાં દારૂનું કટીંગ કરવામાં આવતું હતું. કન્ટેનરમાંથી અન્ય વાહનોમાં મુદ્દામાલ ભરી જિલ્લામાં અન્ય જગ્યાઓએ દારૂ પહોંચાડવાની પેરવી હતી. તે પૂર્વે જ રેડ પરતાં મનસુબા પર પાણી ફરી ગયું હતું. સ્થળ પરથી જુદી – જુદી બ્રાન્ડની દારૂની ૭પ૦ એમએલની કંપની સીલબંધ બોટલો ૯,૧૮૦ કિ.રૂા. ૩પ,૧૪,પ૦૦ તેમજ ટુ-બર્ગ બિયરના પ૦૦ એમએલના ૪,૩ર૦ ટીન કિ.રૂા. ૪,૩ર,૦૦૦નો પ્રોહીબીશન મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આ ઉપરાંત ર૦,પ૦૦ની કિંમતના પ મોબાઈલ, આર.જે. ૦૯ જીસી ૮૦૯૦ નંબરનું ૧પ લાખની કિંમતનું કન્ટેનર ટ્રેઈલર, જી.જે. ૧ર ઝેડ ૦૩૦૩ નંબરનું ૧૦ લાખનું ડમ્પર, જી.જે. ૧ર બીવી ૪૯૯૭ નંબરની પાંચ લાખની ટાટા જેનિયો યોદ્ધા તેમજ જી.જે. ૧ર ડીજી ૬૭પ૭ નંબરની અલ્ટો કાર, જી.જે. ૧ર ઈડી ૬૬૦૩ નંંબરની એચએફ ડિલક્ષ તથા જી.જે. ૧ર એ.એમ. ર૦પ૮ નંબરની સીડી ડીલક્ષ સ્થળ પરથી મળી આવી હતી. દારૂ સહિત કુલ ૯૧ લાખનો મુદ્દામાલ અંજાર પોલીસે કબ્જે કરી મુદ્દામાલ પોલીસ સ્ટેશનમાં રાખ્યો હતો. મોડી રાત્રે ૩ વાગ્યા સુધી આ કામગીરી ચાલી હતી. સ્થળ પરથી અંજાર – જરૂ રોડ પર મનુભાની વાડીમાં રહેતા અને મૂળ બિહારના સુજીત શંકર તિવારી, જીતેન્દ્રદાસ જોગેશ્વરદાસ, લવ- કુશકુમાર, લલનદાસ અને વરલીના રાજુભાઈ અરજણભાઈ આહિરની ધરપકડ કરાઈ હતી. તેમજ પાંચ આરોપીઓ હાજર ન મળી આવતાં ગુનો દાખલ કરાયો હતો, જેમાં પૂના ભાણા ભરવાડ, રામા વજા ભરવાડ, મનુભા વિઠુભા વાઘેલા, અરવિંદ માદેવા દેસાઈ અને યુનિસ ઉર્ફે યુસુબ ફકીરમામદ મીરનો સમાવેશ થાય છે. આ કામગીરીમાં અંજાર પીઆઈ એમ.એન. રાણા અને સ્ટાફ જોડાયો હતો.

વાડીમાં માલ ઉતારવા એક પેટીનું ૧૦૦ રૂપિયા ભાડું નક્કી કરાયું

ગાંધીધામ : ભુજ – અંજાર હાઈવે પર રાજુભાઈ આહિરની વાડીમાં દારૂના કટીંગ માટે વાડી માલિકને રૂપિયા ચુકવવાના હતા, જેમાં બૂટલેગર મનુભાએ વાડી ભાડે રાખી હતી, જેમાં કટીંગ માટે એક પેટીના રૂપિયા ૧૦૦ ભાડું રાજુભાઈ આહિરને ચુકવવાનું નક્કી કરાયું હતું.

બૂટલેગરનો મુખ્ય માણસ ગીરફતમાં આવતા મનુભા સામે ગાળીયો કસાયો

ગાંધીધામ : પડાણાના બૂટલેગર મનુભા વાઘેલાએ દારૂનો જથ્થો મંગાવ્યો હતો. જેમાં તેના મુખ્ય સાથીદાર તરીકે સુજીત શંકર તિવારીની સંડોવણી હતી. અંજારના પીઆઈ મહેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે, ૧પ દિવસ પૂર્વે આ બૂટલેગરનો દારૂ જપ્ત કર્યો ત્યારે સુજીત તિવારી હાજર મળી આવ્યો ન હતો. આજના દરોડામાં સુજીત પકડાઈ જતાં બૂટલેગર સામે ગાળીયો કસાયો છે. બૂટલેગર સામે પખવાડિયા દરમિયાન પ્રોહીબીશનના બે મોટા ગુના દાખલ થયા છે. જેની ધરપકડ માટે પણ તપાસ હાલ ચાલી રહી છે.