અંજારની યુવતિનું અપહરણ કરીને ૧૦ કરોડની ખંડણી માંગનાર આરોપીઓ

અંજાર : મકરસક્રાંતિના બીજા દિવસે અંજારની યુવતીનું અપહરણ કરી ખંડણીની માંગણી કરવાના કેસનો ભેદ અંજાર પોલીસે ઉકેલી લીધો છે. ૧૦ કરોડની ખંડણી માંગનાર ચાર શખ્સોની અંજાર પોલીસે બે મહિના બાદ ધરપકડ કરી છે. અંજારની યુવતીનું અપહરણ કરી તેના પિતાને ફોન કરી રૂપિયા ૧૦ કરોડની ખંડણી માગવામાં આવી હતી. ૧૬મી જાન્યુઆરી ર૦ર૧ના ફરિયાદી મલયાનીલ ઉર્ફે મેહુલ કનકશી ઉદવાણીએ અંજાર પોલીસ મથકે તેની પુત્રીનું અપહરણ કરી રૂપિયા ૧૦ કરોડની ખંડણી માંગ્યા સબબનો ગુનો રજીસ્ટર કરાવ્યો હતો. આ ગુનાનો અંતે અંજાર પોલીસે ભેદ ઉકેલીને ચાર આરોપીઓને દબોચી લીધા છે. જેમા અંજારમાં જ રહેતા હિતેશ ઉર્ફે રાજ જંયતિલાલ કાતરિયા, રવજી ઉર્ફે રવિ ખીમજીભાઈ હડીયા, વિકાસ દયારામ કાતરીયા અને હસમુખ બાબુભાઈ માળીની ધરપકડ કરાઈ હતી. જ્યારે ઉપેન્દ્ર વિશ્વકર્મા હજુ હાથ લાગ્યો નથી. પોલીસે આરોપીઓના કબ્જામાંથી બે કાર અને પાંચ મોબાઈલ મળીને ૬ લાખ ૩૫ હજાર ૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.