અંજારની નગરપાલિકા કોલોનીમાં ધોળા દિવસે ર.૪૦ લાખની તસ્કરી

અજાણ્યા તસ્કરોએ તબીબના ઘરનું ઓપરેશન કરીને રોકડ રકમ તેમજ દાગીના તફડાવ્યા

(ક્રાઈમ પ્રતિનિધિ)અંજાર : શહેરની નગરપાલિકા કોલોનીમાં રહેતા અને પ્રાઈવેટ પ્રેક્ટિસ કરતા તબીબના ઘરને નિશાન બનાવીને અજાણ્યા તસ્કરોરે ર.૪૦ લાખના દર – દાગીના તેમજ રોકડ રકમ ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. દિનદહાડે માત્ર એકાદ કલાક જ ઘર બંધ રહેતા અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવીને હાથ સફાયો કર્યો હતો. અંજાર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ૩૭ વર્ષિય ડો. ધીરેન કે. ઓઝાએ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી, તેમના પત્નિ અને તેમના ભાઈ ત્રણેય જણા સોડા પીવા માટે અંજાર બસ સ્ટેશન નજીક ગયા હતા. ગત બપોરે જમીને માત્ર સોડા પીવા ગયા તે દરમ્યાન કોઈ અજાણ્યા ઈસમોએ વીન્ડો એસી ખેચીને તેને દુર ખસેડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરની અંદર રહેલ કબાટ અને તિજોરી તોડીને તેમાં રહેલા સોના – ચાંદીના દાગીનામાં મંગળસુત્ર, બંગળી, ચેઈન, વીટી, કાનની બુટી, નાકની સરી, ચાંદીના સાંકળા, કંદોરો, તુલસી કયારો મળીને કુલ્લ બે લાખના સોના – ચાંદીના દાગીના તેમજ રોકડ રૂા. ૪૦ હજાર મળીને કુલ્લ ર,૪૦,૦૦૦નો હાથ સફાયો કર્યો હતો. બનાવને પગલે અંજાર પોલીસે ગુનો નોંધતા પીઆઈ એમ. એન. રાણાએ આગળની તપાસ હાથ ધરી છે.