અંજારના વરસાણામાં ટ્રક ચાલકને છરી મારી લૂંટ ચલાવનાર ત્રિપુટી ઝડપાઈ

બાઈક પર આવેલા ત્રણ ઈસમો વિરૂદ્ધ અંજાર પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં દબોચ્યા : ટ્રક બંધ થઈ જતા કામ કરતા ચાલક પાસેથી રોકડ રૂપિયા ૪ હજારની ચલાવાઈ હતી લૂંટ

અંજાર : તાલુકાના વરસાણા ગામના પુલીયા પાસે હાઈવે રોડ પર બંધ પડી ગયેલી ટ્રકમાં કામ કરતા ચાલકને છરી ઝીંકીને લૂંટ ચલાવાઈ હતી. બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા ઈસમોએ ઘટનાને અંજામ આપ્યો હતો. બનાવને પગલે અંજાર પોલીસે વિધિવત ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.  અને ગણતરીના કલાકોમાં ગાંધીધામના કાર્ગોની બાજુમાં આવેલા જીઆઈડીસી ઝુપડામાં રહેતા ત્રણ શખ્સોને દબોચી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મુળ રાજસ્થાનના અને મીઠીરોહરમાં રહેતા દયાલસિંગ કિશોરસિંગ રાઠોેડે અંજાર પોલીસ મથકે ત્રણ અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદી છેલ્લા દસેક દિવસથી શીવાય લોજીસ્ટીક નામની ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઈવીંગ કરવા માટે રાજસ્થાનથી કચ્છ આવ્યા હતા. તેઓ મુંદરાથી સામાન ભરીને મોરબી જતા હતા, તે દરમ્યાન વરસાણા નજીક પુલીયા પાસે ટોયોટા શો રૂમની સામે હાઈવે પર તેમની ટ્રક એર લઈ જતા બંધ પડી ગઈ હતી. ફરિયાદી ટ્રકનું કામ કરતા હતા, તે દરમ્યાન બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા ઈસમોએ ફરિયાદી સાથે જપાજપી કરી હતી. એક ઈસમે પોતાની પાસે રહેલી છરી કાઢીને માર મારવા જતા ફરિયાદી દયાલસિંગે હાથ આડો રાખતા અંગુઠામાં છરીનો ઘા લાગ્યો હતો. દરમ્યાન આરોપીએ ફરિયાદીના ખીસ્સામાં રાખેલું પાકીટ લૂંટીને ફરાર થઈ ગયા હતા. પાકિટમાં રોકડા રૂા. ૪ હજાર, આધારકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ સહિત અન્ય દસ્તાવેજોની લૂંટ ચલાવાઈ હતી. બનાવને પગલે અંજાર પોલીસે ગુનો નોંધતા પીઆઈ એમ.એન રાણાના માર્ગદર્શન તળે પીએસઆઈ સી. બી. રાઠોડે તપાસ હાથ ધરી હતી. જેમાં લૂંટ ચલાવનાર આરોપીઓ લાલ કલરના બાઈકમાં ભચાઉથી ગાંધીધામ તરફ જતા હોવાની બાતમીને આધારે અંજાર પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને દબોચી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓમાં ૧૯ વર્ષિય વિષ્ણુભાઈ રાજુભાઈ મોસપરા, ૨૨ વર્ષિય કિસન ચમનભાઈ ઝઝવાડીયા અને જીતુભાઈ ગોવિંદભાઈ ધધાણીયાની ધરપકડ કરાઈ હતી. ત્રણેય આરોપીઓ મૂળ પાટણ જિલ્લાના અને હાલ ગાંધીધામના જીઆઈડીસી ઝુપડા વિસ્તારમાં રહેતા હોવાનું પોલીસે જણાવ્યું હતું. આરોપીઓ હાઈવે પર નિકળીને બંધ હાલતમાં ઉભેલા વાહનોના ચાલકો પાસેથી હથિયાર બતાવીને ઈજાઓ પહોંચાડી લૂંટ ચલાવવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હોવાનું પીઆઈ એમ.એન. રાણાએ ઉમેર્યું હતું. તો ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે કલમ ૩૨૪ મુજબના નોંધાયેલા ગુનાનો પણ ભેદ ઉકેલાયો હતો. આરોપીઓના કબ્જામાંથી રોકડા રૂપિયા ૪ હજાર ૧૧૦ તેમજ ૧૦ હજારના બે નંગ મોબાઈલ અને ૩૫ હજારની એક બાઈક મળીને ૪૯ હજારનો મુુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.