અંજારના રાપર (ખોખરા) નજીક કાર પલટી મારી જતા યુવાનનું મોત

ખાલી સાઈડમાં બેઠેલા રાજસ્થાની યુવાનનું મોત નીપજતા અંજાર પોલીસ મથકે નોંધાયો ગુનો

અંજાર : તાલુકાના રાપર (ખોખરા)થી ચાંદ્રાણી જતા રોડ પર કાર પલટી મારી જતા યુવાનનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે અંજાર પોલીસ મથકે કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાતા તપાસ હાથ ધરાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી થાનારામ ગોરધનદાસ જાટ (ઉ.વ. ૩૦) (રહે. રંગવાલી સાતા, જિ. બાડમેર, રાજસ્થાન)એ જીજે૧ર-સીડી-૩૬૯૧ નંબરના કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આરોપી કાર ચાલકે બેદરકારી પૂર્વક ગફલતભરી રીતે પૂરપાટ વેગે વાહન હંકારી સ્ટીયરીંગ પર કાબૂ ગૂમાવતા ગાડી પલટી ખાઈ ગઈ હતી. જેમાં ખાલી સાઈડમાં બેઠેલા ફરિયાદીના ભાઈ રમેશકુમાર ગોરધનરામ જાટને શરીરે છોલછામ સહિત માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ થતા મોત નીપજ્યું હતું. બનાવને પગલે અંજાર પોલીસ મથકે ગુનો નોંધાતા પીએસઆઈ એમ.એમ. જોષીએ આગળની તપાસ હાથ ધરી છે.