કચ્છમાં સૌપ્રથમ ભુજના માર્ગો પર દોડશે CNG સિટી બસ

0
34

મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધામાં પાટનગર ભુજનો કરાયો સમાવેશ

કુલ્લ રર સીએનજી સિટી બસ વસાવવા માટે સરકારે ૯.૦૩ કરોડની ગ્રાન્ટ ફાળવવા આપી સૈદ્ધાંતિક મંજૂરી

(બ્યુરો દ્વારા)ભુજ : રાજ્યના સૌથી મોટા જિલ્લા કચ્છમાં સાત નગરપાલિકા આવેલી છે, તેમજ નખત્રાણાને હાલમાં નગરપાલિકાની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે, પરંતુ નવાઈની વાત એ છે કે, સાતેય શહેરોમાં હાલમાં પબ્લિક પરિવહન માટે સીટી બસની કોઈ સુવિધા નથી. અવારનવાર માંગણીઓ થાય છે પરંતુ ગ્રાન્ટના પ્રશ્નો અને સંચાલનના અભાવે એકેય શહેરમાં સિટી બસની સુવિધા ટકી નથી. ભુજમાં અગાઉ નવદુર્ગા પરિવહન અને તે બાદ મિતરાજ ટ્રાવેલ્સે સંચાલન કર્યું પરંતુ છેલ્લા ત્રણેક વર્ષોથી આ સેવા બંધ પડી છે. ચૂંટણી આવી રહી છે ત્યારે હરહંમેશ ભુજમાં સિટી બસ શરૂ કરવા મુદ્દો ઉપડતો રહે છે ત્યારે આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને ભુજની પ્રજાને રાજી કરવા સરકારે શહેરમાં સીએનજી સિટી બસો દોડાવવાના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપી રર સીએનજી બસ વસાવવા માટે ૯.૦૩ કરોડની ગ્રાન્ટની ફાળવણીની જાહેરાત કરી છે.રાજ્યના એક મહાનગર અને બે નગરોમાં જાહેર પરિવહન સુવિધા વધુ સુદ્રઢ કરવાના અભિગમથી મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અન્વયે કુલ ૧ર૧ કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આપી છે. જેમાં ભુજ નગરપાલિકાને રર સિટી બસ સેવાના સંચાલન માટે પાંચ વર્ષ માટે કુલ રૂ. ૯ કરોડ ૦૩ લાખ ૩૭ હજારના અનુદાનની ફાળવણી માટે ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. નગરપાલિકા વિસ્તારોમાં વધતી જતી વસ્તી અને વાહનોની સંખ્યાને કારણે ટ્રાફિક સમસ્યા, પાર્કિંગની સમસ્યા તેમજ દિન-પ્રતિદિન વાયુ પ્રદુષણ પણ વધતું જાય છે. રોડ અકસ્માતો અને અસલામત પરિવહનની પણ સમસ્યા વિકટ બની છે, ત્યારે જનસંખ્યાને સરળ, સલામત અને સસ્તી જાહેર પરિવહન સેવા મળી રહેશે. મુખ્યમંત્રી સમક્ષ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન મારફતે ભૂજ નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અન્વયે બસ સેવા શરૂ કરવા દરખાસ્ત કરી હતી, જેને સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપતા આ સ્થળોએ બસોના કોન્ટ્રાક્ટ બેઇઝ સંચાલન માટેનો માર્ગ સરળ બન્યો છે.

ભુજમાં સીએનજીના ચાર પંપો જ હોવાથી અલગથી વ્યવસ્થા કરવી પડશે

છેલ્લા કેટલાક સમયથી કચ્છમાં સીએનજી વાહનોનું ચલણ વધ્યું છે. બહાર ગામથી આવતા મોટા ભાગના પ્રવાસીઓ સીએનજી વાહન લઈને આવતા હોય છે ત્યારે તેઓને એક જ પ્રશ્ન ભુજમાં સતાવે છે કે, સીએનજી ગેસ કયાં પુરાવવો ? કારણ કે વાહનોની તુલનાએ પંપો ઓછા હોવાથી પ્રવાસનની સીઝનમાં લાઈનો લાગતી હોય છે. મિરજાપર હાઈવે, શેખપીર, સ્ટેશન રોડ અને પાટવાડી નાકા પાસે પંપો આવેલા છે, ત્યારે જો ભુજમાં સીએનજી સિટી બસો શરૂ થતી હોય તો નવા પંપો ઉપલબ્ધ કરવા પડશે અથવા તો સીએનજી બસો માટે સુધરાઈએ અલાયદા સીએનજી પંપની વ્યવસ્થા કરવી પડશે. નવાઈની વાત એ છે કે, પૂર્વ કચ્છમાં તો બિલોરી કાચથી સીએનજી પંપ ગોતવા પડે તેમ છે.

જાહેરાત ભલે કરી પણ લાભ ચૂંટણી પૂર્ણ થાય પછી જ મળશે

વિધાનસભા ચૂંટણી પૂર્વે ભુજની જનતાને રાજી કરવા માટે ડબલ એન્જીન સરકારે માસ્ટર સ્ટ્રોક ફેંકી રર સીએનજી બસ શરૂ કરવાના કામને સૈદ્ધાંતિક મંજૂરી તો આપી દીધી છે, પરંતુ મહત્વની વાત એ છે કે, જાહેરાત ભલે કરી હોય પણ લાભ ચૂંટણી પૂરી થાય પછી જ મળવા પામશે. કારણ કે, હજુ સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. બે – ત્રણ દિવસમાં નગરપાલિકાને લેખિતમાં ઓર્ડર મળશે, જેના આધારે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે. તેમાં ૧પ દિવસ નિકળી જશે. બાદમાં ટેન્ડરો આવશે તે બાદ આ કામગીરી શરૂ થશે. તે સમયગાળામાં દિવાળની રજાઓ આવતી હોવાથી આ કામગીરી મંદ ગતિએ આગળ ધપતી રહેશે. ઉપરાંત મહત્વની વાત એ છે કે, હાલમાં જે રીતે ચૂંટણી પંચ અને સરકાર તેમજ રાજકીય પક્ષો કામગીરી કરી રહ્યા છે તે જોતા દિવાળી બાદ તરત જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરી આચારસંહિતા લાગુ કરવામાં આવે તેવો તખ્તો ઘડાઈ રહ્યો છે. આ સુધીમાં આ વહીવટી પ્રક્રિયા થવી અસંભવ છે. જેથી ચૂંટણી પૂર્વે ભુજના મતદારોને માત્ર રાજી કરવા જ સિટી બસની જાહેરાત કરાઈ છે પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ જ તેની કામગીરી આગળ વધી શકશે જે વાસ્વિકતા છે.