ગેડી રોડ પર બાઈક પરથી પટકાતા મહિલાનું મોત

0
38

ગુણાતીતપુરની વાડીમાં દવા પી જતા યુવક મોતને ભેટ્યો

(ક્રાઈમ પ્રતિનિધિ દ્વારા)રાપર : તાલુકાના શક્તિનગરથી ગેડી તરફ જતા રોડ પર બાઈક ચાલકે બ્રેક મારતા પાછળ બેઠેલા મહિલા નીચે પટકાયા હતા, જેમાં ગંભીર ઈજાઓના કારણે તેમનું મોત થયું હતું જ્યારે ભચાઉ તાલુકાના ગુણાતીતપુર ગામે આવેલી વાડીમાં દવા પી જતા ગંભીર અસર તળે સારવાર માટે ખસેડાયેલા યુવાને દમ તોડી દેતા હતભાગીના પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.રાપર પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળેલી માહિતી પ્રમાણે બાઈક નંબર જી.જે.૧ર.ઈ.એલ. ૩રપ૩ માં ચાલક રાજેશભાઈ ગંગારામભાઈ ગામોટની પાછળ બેસીને ફરિયાદી મહેશભાઈ સંગરામભાઈ ગામોટના માતા નવલબેન જતા હતા. દરમ્યાન રસ્તામાં બાઈક ચાલકે પુર ઝડપે ગાડી ચલાવી ગોલાઈમાં અચાનક બાઈકને બ્રેક મારતા બાઈક ફંગોળાઈ હતી, જેમાં પાછળ બેઠેલા નવલબેન નીચે પટકાતા માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ થવાથી તેમનું મોત થયું હતું. જેથી ચાલક સામે ફરિયાદ કરવામાં આવી હતી.
બીજીતરફ ભચાઉ પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળેલી માહિતી પ્રમાણે ગુણાતીતપુર ગામે આવેલી છગનભાઈ પટેલની વાડીએ આ બનાવ બન્યો હતો. અહીં રહેતા અને કામ કરતા મુળ છોટાઉદેપુરના ૩૦ વર્ષિય નાનજી કાળુભાઈ નાઈએ કોઈ અગમ્ય કારણોસર જંતુનાશક દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું, જેથી લાશને પીએમ માટે લઈ જવામાં આવી હતી.