કોંગ્રેસના રાજીનામા પડતા જ પીઢ લઘુમતી અગ્રણીની ઘરવાપસીની અટકળો તેજ બની

0
104

પુર્વ વિપક્ષી નેતાએ રાજીનામુ આપ્યા બાદ નગરસેવક અને કોંગ્રેસના કાર્યકરોએ પક્ષ સાથે છેડો ફાડયો હતો : ડેમેજ કંટ્રોલ કરવા માટે વિરોધી જુથના આગેવાનની રી-એન્ટ્રી

ભુજ : વિધાનસભા ચુંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગઈકાલે કોંગ્રેસ પક્ષના પુર્વ વિપક્ષી નેતાએ રાજીનામું આપ્યા બાદ નગરપાલિકાના વિપક્ષી નેતા, દંડક સહિતના નગરસભ્યો તેમજ કાર્યકરોએ રાજીનામા ધરી દીધા હતા. આ રાજીનામા પડતાની સાથે જ છેલ્લા થોડાક વર્ષોથી કોંગ્રેસથી દુર રહેલા ભુજના લઘુમતી આગેવાનની કોંગ્રેસમાં પાછી ઘરવાપસી થતી હોવાની અટકળો તેજ બની છે. આમ પક્ષના કાર્યકરોના રાજીનામા પડતા ડેમેજ કંટ્રોલ કરવા માટે વિરોધી જુથના આગેવાનની રી-એન્ટ્રી થવાના ભણકારા વાગી રહ્યા છે.

પુર્વ વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા ભુજ વિધાનસભા માટે પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા હતા, દરમિયાન તેમણે પ્રદેશ પ્રમુખને સંબોધીને લખેલા પત્રમાં રાજીનામું આપ્યું છે, બાદમાં તેમના સમર્થક નગરસેવકો અને કાર્યકરોએ પણ રાજીનામા ધરી દીધા હતા. શહેરભરમાં એક ચર્ચા એવી પણ વહેતી થઈ છે કે કોંગ્રેસમાં રાજીનામા પડતા પક્ષમાં થયેલા ડેમેજને કંટ્રોલ કરવા માટે છેલ્લા થોડા સમયથી અમદાવાદ અને હૈદરાબાદ ખાતે સ્થાઈ થયેલા લઘુમતી પીઢ આગેવાન ફરી પાછા કોંગ્રેસમાં ઘરવાપસી કરશે. રાજીનામા પડયા તે તમામ કાર્યકરો અને આગેવાનો વચ્ચે પીઢ અગ્રણીનો જુનો ડખો છે.

બીજીતરફ છેલ્લા થોડાક વર્ષોથી કોંગ્રેસ પક્ષની દુર રહેલા પ્રદેશના એક નેતા સાથે ભુજના આ પીઢ અગ્રણીનો જુનો નાતો છે અને બંને પીઢ અગ્રણીઓ એક સાથે કોંગ્રેસમાં રી-એન્ટ્રી કરી રહ્યા છે. આમ પ્રદેશ અને કચ્છના એક પીઢ અગ્રણી બંનેની સાથે કોંગ્રેસમાં ઘરવાપસી થવાની છે.

અબડાસાની સીટ પર પ્રદેશનેતાના પુત્રએ ટીકિટ માંગી

અબડાસાની સીટ પર ભાજપ પક્ષ દરબાર સમાજને સાચવી લેશે ત્યારે એ જ સમાજના પ્રદેશના નેતાએ કોંગ્રેસ પક્ષમાંથી પોતાના પુત્ર માટે ટીકિટની માંગણી કરી છે. પ્રદેશના નેતાના પુત્રને જીતાડવાની જવાબદારી ભુજના પીઢ અગ્રણીએ લીધી છે જેની સામે ભુજની ટીકિટ તેમના નજીકનાને અપાવવાની વાત નક્કી થઈ છે. આમ, દરબાર અને લઘુમતી સમાજની બે ટીકિટોની અટકળો તેજ બની છે.

કોંગ્રેસના નારાજ આગેવાનની આમ આદમી પાર્ટીના નેતાઓ સંપર્ક સાંધવાનો કર્યાે પ્રયાસ

ભુજ : વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની ઘોષણા થાય તે પૂર્વે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દેનાર આગેવાનોનું  આમ આદમી પાર્ટીના નેતાઓ સંપર્ક સાંધવાનો પ્રયાસ કર્યાે હોવાની ચર્ચા બહાર આવી રહી છે.

આ અંગે મળતી વિગતો મુજબ રવિવારે મોડી સાંજે કોંગ્રેસના નારાજ આગેવાન સાથે આમ આદમી પાર્ટીના પંજાબના કોઈ દિગ્ગજ નેતા અને કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો વચ્ચે ગુપ્ત બેઠક મળી હતી. જાેકે, આ અંગે સતાવાર રીતે કોઈ નિવેદન નારાજ કોંગ્રેસી આગેવાનો કે આમ આદમી પાર્ટી દ્વારા જારી કરાયું નથી.

કચ્છ કોંગ્રેસના પટેલ સમાજના નેતા રાજીનામું આપે તેવી વકી

ભુજ : રવિવારે ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ પાર્ટી હાઈકમાન્ડને રાજીનામું ધરી દીધા બાદ રાજકીય ઘટનાક્રમ તેજ બન્યો છે. વિપક્ષી નેતાના સમર્થનમાં ભુજના અમુક કોંગ્રેસી નગરસેવકો સહિત ૧૮થી વધુ કાર્યકરોએ રાજીનામા આપી દીધા હતા. વિશ્વાસપાત્ર સુત્રોમાંથી મળતી વિગતો મુજબ કચ્છ કોંગ્રેસને વધુ એક આંચકો ટૂંક જ સમયમાં લાગી શકે છે. આ રાજીનામાં બાદ કોંગ્રેસના પટેલ સમાજના અગ્રણી પણ આજ સાંજ સુધીમાં પોતાનું રાજીનામું ધરી દે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. વિધાનસભા ચૂંટણી જાહેર થતા જ કોંગ્રેસ પાર્ટીનો આંતરિક વિખવાદ સપાટીએ આવી ગયો છે.  જાેકે, કોંગ્રેસના આગેવાનોએ આ બાબતનું ખંડન કરવા જણાવ્યું હતું કે, પટેલ સમાજના આગેવાના રાજીનામાની વાતમાં કંઈ સચ્ચાઈ નથી, અફવા માત્ર છે. આ ઉપરાંત ભુજ બેઠક માટે પણ ઉમેદવારની સત્તાવાર કોઈ ઘોષણા કરાઈ નથી.