દિલ્હી હાઈકમાન્ડ ભુજ સહિતની બેઠકોના મુરતીયાઓ બીજા તબક્કામાં જાહેર કરશે?

0
69

કેન્દ્રીય પાર્લામેન્ટરીમાં નામો બધા જ નકકી થઈ જશે, પણ  અસંમંજસ વાળી દેખાતી બેઠકોના નામો બીજા તબક્કે થઈ શકે છે જાહેર

ગાંધીધામ : ગુજરાતમાં ચૂંટણીની ચોપાટ મંડાઈ જવા પામી છે. રાજકીય પક્ષો સાબદાં બની ગયા છે. આ વખતે ભાજપ-કોંગ્રેસની સાથે આમઆદમી પાર્ટી પણ અહી ઝંપલાવી રહી છે. ભાજપ દ્વારા મુરતીયાઓની પસંદગી પ્રક્રીયા નિર્ણાયક તબક્કે પહોચી ચૂકી છે ત્યારે રાજકીય બેડામાંથી બહાર આવતી વિગતો અનુસાર જે રીતે ગુજરાતમાં ચૂંટણી બે તબક્કામાં જાહેર થઈ છે તેવી જ રીતે ભાજપના ઉમેદવારીની યાદી પણ બે તબક્કામાં જ જાહેર થશે.

કચ્છ સહિત પ્રથમ તબક્કામાં જે ૮૯ બેઠકો પર ચૂંટણી લડાશે તેના માટે આમ તો આજથી બે દીવસ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે પરંતુ જાણકારો કહી રહ્યા છે કે, કચ્છમાં ભુજ સહિતની રાજયની કેટલીક બેઠકો કદાચ આ જ કડીના ભાગરૂપે બીજા તબક્કામાં જાહેરાત કરવામાં આવી શકે છે અથવા તો પછી નિર્ણાયક સમયે પણ આ બેઠકોના નામો સીધા જાહેર કરાય તેમ મનાઈ રહ્યુ છે. ભાજપના મુરતીયાઓની પ્રથમ યાદી ૧૦મીએ મોડી રાતે અથવા ૧૧મી વહેલી સવારે જાહેર થઈ શકે છે જયારે પ્રથમ તબક્કા માટેની જ બીજી યાદી તે બાદ જાહેર થવાની ગણતરીઓ મંડાઈ રહી છે.

રાજકીય તજજ્ઞોની વાત માનીએ તો આજથી શરૂ થતી બે દિવસીય રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારો બધા જ ફાઈનલ કરી લેવાશે, પરંતુ અસંતોષ-જુથવાદ કે જુનાજાેગીઓને લઈને પક્ષને કોઈ પડકાર ન જીલવા પડે તે માટે ઉમેદવારી પત્ર ભરવાના દિવસે જ સક્ષમ સહિતનાઓએ ફોર્મ ભરવાના સ્થળે પહોચી જવાના જ સીધા નિર્દેશ અપાય તેવી પણ શકયતાઓ જાેવાઈ રહી છે.  જાે નામ વહેલુ જાહેર થાય અને કયાંક વિરોધ ફાટે તો દિવસો ઓછા હોવાથી મનામણા-રીસમાણાંમાં ખેલ બગડી શકે તેવા સમીકરણોને જાેતા કચ્છ સહિત રાજયની કેટલીક બેઠેકોમાં ફોર્મ ભરવા માટે પહોચી જવા સ્થાનિક આગેવાનોને-કાર્યકર્તાઓને જાણ કરી દેવાય અને તે વખતે જ ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત કરી અને ફોર્મ ભરવાની એકને સુચના અપાય તેવી ગોઠવણીઓ પણ થઈ હોવાનુ ચર્ચાય છે. જાે કે, આ તો નરેન્દ્રભાઈ-અમિતશાહનુ ભાજપ છે, એટલે જાે અને તોની વાતો વચ્ચે તેઓ કંઈ પણ કરી શકે તેમ છે.

કચ્છના અમુક ઉમેદવારોનુ ચિત્ર કાલ સાંજ સુધીમાં થઈ શકે છે સ્પષ્ટ

ભાજપ આજે-કાલ સાંજ સુધીમાં ૮૯ઉમેદવારોની કરી શકે છે જાહેરાત : ૧ર-૧૩ રજાઓ આવતી હોવાથી ઉમેદવારોને ફોર્મ ભરવા સમય મળી રહે તે માટે વિચારણા

ગાંધીધામ : પ્રથમ તબક્કાની ૮૯ બેઠકોના ઉમેદવારોના નામોની ફાઈનલ જાહેરાત કાલ સાંજ સુધીમાં થવા પામી શકે તેમ મનાય છે. આજે સાંજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આ યાદીના નામોને ક્લીયર કરવામાં આવશે તથા તા. ૧૧ના રોજ ભાજપના ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે. પ્રથમ તબક્કાની ૮૯ બેઠકમાં તા. ૧૪ સુધી ઉમેદવારી નોંધાવી શકાય છે પરંતુ તા. ૧૨ અને ૧૩ એ બંને જાહેર રજા હોવાથી એ દિવસમાં ઉમેદવારી થઇ શકશે નહીં અને તેથી જ આવતીકાલ ગુરુ અને શુક્રવાર તેમજ તા. ૧૪ને સોમવાર ત્રણ દિવસમાં રાજ્યમાં રાજકીય પક્ષો અને અપક્ષો દ્વારા ઉમેદવારી અંગે દોટ લગાવાશે તે નિશ્ચિત છે.