કચ્છની માર્કેટ પર ‘વ્હાઈટ કોલર રિયલ એસ્ટેટ માફિયાઓ’નો કબજો : બેનંબરી સોદાઓ ફુલસ્વીંગમાં

જમીન – મકાનના સોદાઓમાં માત્ર ૧૦ થી ૧પ ટકા જ વ્હાઈટની રકમની ચૂકવણી..!

સામાન્ય માણસો સામે કાર્યવાહીનો ધોકો પછાડતું ઈન્કમ ટેક્સ વિભાગ આવા મગરમચ્છો સામે કેમ પડી રહ્યું છે વામણું ? : ભુજ શહેરની ચારો બાજુ જેમાં મુન્દ્રા રીલોકેશની લાઈન શનિ મંદીર, રતિયા સીમ, નાગોર રોડ, ગળપાદર, શિણાય, ભુજ – માધાપર હાઈવે મઢુલી વિસ્તાર, મુંદરા રોડ પર હાલે દાળિયા-મમરાની ખરીદી જેમ કરોડો – અબજોના સોદાઓ પડી રહ્યા છે પાર : આગળ – પાછળ જાણે કોઈ પુછનારું જ ન હોય તેમ દિન દો ગુની અને રાત ચોગુનીની જેમ કાળુંધન મોટા પ્રમાણમાં ફરી રહ્યું છે માર્કેટમાં : નોટબંધી, જીએસટી અને કોરોનાના કહેરને પગલે સામાન્ય તેમજ પ્રમાણીક વેપારીઓની હાલત કફોડી બની છે ત્યારે આવા ‘વ્હાઈટ કોલર રિયલ એસ્ટેટ માફિયાઓ’ને જલ્સા હી જલ્સા

ભુજના “મનીષ” મહેતાનો સાથે મળ્યો ત્યારે રાજુ અને નિલેશના સહકારથી રર-૩૪ની જેમ રતિયા સરકાર કર્મચારીઓને લલચાવા કર્યા અખતરા….હાલ રતિયામાં અમુક જણે જે ભાવે લીધી તે ભાવની રાહ જેવી પડશે તેવી ચર્ચા….

ભુજ જમીન માર્કેટ સાથે સંકળાયેલા બીલ્ડર જ્યારે પણ જેવો તો કાંઈક “નવીન” કરવાના માહીર છે અને પૈસા… પૈસા…. આઈયા… આઈયા કરતા રહે…. : ખેડુતના નામે એન.એ. (બિનખેતી) થાય અને તેના નામે પ્લોટ વેચાઈ જાય અને પોતે બહાર… બહાર…. : આઈટી સહિત એજન્સી જે જમીન એન.એ. થઈ છે તે ખેડુતની ઉલટ તપાસ કરે તો બધુ બહાર આવી જાય કાળુ નાણું…. : ખેડુતના નામે એન.એ. થાય તેની તેના વેચાણ સહિતના કાગળોની તપાસ કરવામાં આવે તો વ્હાઈટ કોલર ટેકસ ચોરોની લીસ્ટ બહાર આવે

ભુજ : દેશના અર્થતંત્રને ઉધઈની માફક કોતરી ખાનારા કાળાનાણાના ચક્રવ્યૂહને ભેદવા માટે કેન્દ્રની મોદી સરકારે ર૦૧૬માં નોટબંધી અમલી બનાવી હતી. ત્યાર બાદ સમગ્ર દેશમાં વેપાર ધંધામાં એકસરખું કરમાળખું અમલમાં રહે તે માટે જીએસટીની અમલવારી પણ કરી હતી. જો કે, કેન્દ્ર સરકારના આ બન્ને ઐતિહાસિક નિર્ણયોના પગલે દેશભરમાં મંદીનો ગંભીર દોર શરૂ થયો હતો. જેનાથી સરહદી કચ્છ જિલ્લો પણ બાકાત રહી શક્યો ન હતો. મંદીના દોર વચ્ચે વૈશ્વિક મહામારી કોરોનાની આફત આવી પડતા અર્થતંત્રની તો ગતિને બ્રેક લાગી જતા નાના વેપારીઓ તો શું કદાવર ઔદ્યોગીક જુથોને પણ દિવસે તારા જોવાની સ્થિતિનો સામનો કરવો પડયો હતો. રિયલ એસ્ટેટ ક્ષેત્ર પણ તેનાથી બાકાત ન રહેતા આ ક્ષેત્રને ફરી બુસ્ટર ડોઝ મળે તે હેતુથી સરકાર પાસેથી રાહતની માંગણી પણ કરાઈ હતી. જો કે, કચ્છમાં ઉલટી ગંગા વહી રહી હોય તેમ મંદીના માહોલ વચ્ચે પણ રિયલ એસ્ટેટ ક્ષેત્રે જિલ્લાના કેટલાક ખાસ વિસ્તારોમાં તેજીનો ઘોડો બે લગામ થઈ દોડી રહ્યો છે તે પછવાડે કચ્છની માર્કેટ પર ‘વ્હાઈટ કોલર રિયલ એસ્ટેટ માફિયાઓ’ના કબજાના પગલે બેનંબરી સોદાઓ ફુલસ્વીંગમાં ચાલી રહ્યા છે. અમુક વિસ્તારમાં જમીન ઉપર સટ્ટો રમાડીને નિર્દોષ લોકો લુંટાઈ ગયા છે.આ અંગેની વિગતે વાત કરીએ તો ર૦૦૧માં આવેલ વિનાશકારી ભૂકંપમાં જિલ્લા મથક ભુજ સહિત અન્ય વિસ્તારોમાં જાનમાલની ભારે ખાનાખરાબી સર્જાઈ હતી. આ સરહદી જિલ્લો ફરી બેઠો થાય તે માટે સરકારે જાહેર કરેલ ટેકસ હોલિ-ડે સહિતની રાહતો થકી દેશ – વિદેશના કદાવર ઔદ્યોગીક જુથોએ પોતાના એકમો અહીં સ્થાપતા તેજીનો વાયરો શરૂ થયો હતો. પાણીના ભાવે મળતી જમીનો પણ રાતો રાત સોનાની લગડી સમાન બની ગઈ હતી. ભૂકંપ બાદના એક થી સવા દાયકા સુધી કચ્છની રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજીનો ઘોડો દિવસ – રાત દોડતો નજરે ચડયો હતો. જો કે, નોટબંધી અને તે બાદ આવેલ જીએસટીની અસર દેશના અન્ય વિસ્તારોની સાથોસાથ કચ્છની રિયલ એસ્ટેટ માર્કેટ પર પણ પડતા તેજીનો પરપોટો ફુટી ગયો હતો. કમાવવાની લ્હાયમાં ઉંચી કિંમતે સોદા કરનારાઓને પોતાના રોકાણની મુળ રકમ મેળવવામાં પણ મોઢે ફીણ આવી ગઈ હતી. કચ્છની રિયલ એસ્ટેટ માર્કેટમાં વર્તમાને પણ મંદીનો ઓછાયો છે, જેને આ ક્ષેત્રના જૂના અનુભવીઓ પણ કબૂલી રહ્યા છે, પરંતુ આ ક્ષેત્રમાં પાછલા દોઢ – બે વર્ષથી સટ્ટોડિયાઓ અને વ્હાઈટ કોલર રિયલ એસ્ટેટ માફિયાઓએ કબજો જમાવી લીધો હોઈ તેઓની મન મરજી મુજબ જે તે વિસ્તારની જમીનોના અને તૈયાર મકાનોના ભાવમાં વધ – ઘટ થાય છે. હાલે ચાલી રહેલા સોદાઓમાં માત્ર દસથી પંદર ટકા રકમ જ વ્હાઈટની ચુકવાય છે. બાકીનો વ્યવહાર બ્લેકમાં જ કરવામાં આવે છે. બ્લેકના વ્યવહારો અબજોમાં થઈ રહ્યા છે. સામાન્ય માણસો સામે કાર્યવાહીનો ધોકો પછાડતું ઈન્કમ ટેક્સ વિભાગ સહિત અન્ય એજન્સીઓ આવા મગરમચ્છો સામે કેમ વામણું પુરવાર થઈ રહ્યું છે તેવા સવાલો પણ ખડા થઈ રહ્યા છે.જિલ્લાના જુદા – જુદા વિસ્તારોમાં જમીન અને મકાનો, દુકાનોના ભાવમાં આવેલી આગઝરતી કૃત્રિમ તેજી પર નજર કરીએ તો ભુજ તાલુકાની રતિયા સીમમાં ધાર્મિક સંસ્થાઓ તેમજ કેટલાક કોમર્શિયલ પ્રોજેકટોના બહાને બિલ્ડર લોબીએ સટ્ટોડિયાઓ સાથે સિન્ડીકેટ કરી પાણીના ભાવની જમીનોને મહામુલી બનાવી દીધી છે. વર્ષો પુર્વે નજીવી કિંમતી ખરીદાયેલી આ જમીનોને તેજીના ઘોડે બેસાડી વેચાણ કરી બિલ્ડર લોબીએ અબજો રૂપિયા પોતાના ગજવામાં સેરવી લીધા છે. હાલ આ જમીનના પ્લોટ લેનાર રોવાનો વાળો આવ્યો છે. તો તાલુકાના અન્ય વિસ્તાર એવા નાગોર રોડ, ભુજ – મુંદરા રોડ, ભુજ – માધાપર હાઈવે મઢુલી વિસ્તારમાં પણ આજ પ્રકારની મોડસ ઓપરેડન્સી અપનાવી રોકાણકારોને રીતસરના છેતરવામાં આવી રહ્યા છે. અમુક પોપર્ટીનો તો ટાઈટલ ચોખો ન હોવા છતાં સરકારી કર્મચારીઓને ભ્રષ્ટાચારના જોડે આ સિન્ડેકટ મનમાની કરી રહી છે. તમામ સોદાઓમાં મધ્યમ વર્ગના લોકો કે જેઓ લોન લઈને પ્રોપર્ટી ખરીદી રહ્યા છે. તેઓના રોકાણ પાણીમાં જાય તેવી સ્થિતિ આ ક્ષેત્રના જાણકારો વ્યકત કરી રહ્યા છે. બીજીતરફ બેંનબરી રોકાણકારો પાસેથી પણ આ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ખરીદી કરાવાઈ રહી છે અને આ સોદાઓની લેતી – દેતી પણ બેનંબરના નાણામાં જ કરવામાં આવી રહી છે. પૂર્વ કચ્છની વાત કરીએ તો ગળપાદર, શિણાય સહિતના વિસ્તારોમાં પણ દાળિયા-મમરાની ખરીદી જેમ કરોડો – અબજોના સોદાઓ પાર પડી રહ્યા છે. આગળ – પાછળ જાણે કોઈ પુછનારું જ ન હોય તેમ દિન દો ગુની અને રાત ચોગુનીની જેમ કાળુંધન મોટા પ્રમાણમાં માર્કેટમાં ફરી રહ્યું છે. નોટબંધી, જીએસટી અને કોરોનાના કહેરને પગલે સામાન્ય તેમજ પ્રમાણીક વેપારીઓની હાલત કફોડી બની છે ત્યારે આવા ‘વ્હાઈટ કોલર રિયલ એસ્ટેટ માફિયાઓ’ને જલ્સા હી જલ્સા થઈ ગયા છે.

ગાંધીધામ, ભુજ તેમજ અંજાર શહેર તેમજ આસપાસ બની રહેલા વિશાળ કોમ્પલેક્ષો બન્યા બેનંબરની નાણાનું સંગ્રહ સ્થાન

ભુજ : હાલે ભુજ શહેર, મિરજાપર, માધાપર સહિતના વિસ્તારોમાં વિશાળ કોમ્પલેક્ષો બિલાડીના ટોપની જેમ બની રહ્યા છે. આ કોમ્પલેક્ષોમાં વેચાતી દુકાનો, ઓફીસો ૬૦ – ૭૦ લાખથી એક કરોડને આંબતી હોય છે, અને એક – એક કોમ્પલેક્ષમાં ઓછામાં ઓછી રપ થી ૩૦ દુકાનો તો બનાવવામાં આવે જ છે. અમુક કોમ્પલેક્ષમાં તો પ૦થી વધુ બનાવવામાં આવે છે. દુકાનો – ઓફિસોની અધધ કિંમત હોવા છતાં કોમ્પલેક્ષનું બાંધકામ પૂર્ણ થાય તે પુર્વે જ વેચાણ થઈ જાય છે. સુત્રોનું માનીએ તો આવા કોમ્પ્લેક્ષોમાં થતા મિલકતોના વેચાણમાં કુલ્લ કિંમતના મહત્તમ ર૦ ટકા કિંમતનો જ દસ્તાવેજ બનાવવામાં આવે છે. હાલે ન માત્ર ભુજ તેમજ કચ્છના અન્ય વિસ્તારોના લોકો પણ પોતાના બે નંબરના નાણાને સાચવવા માટે આવા કોમ્પલેક્ષો પર હોંશે હોંશે પસંદગી ઉતારી રહ્યા છે. ભુજ નજીક નાગોર એક મોટો ડેવલોપમેન્ટ ચાલી રહ્યોે છે જેમાં અમુક ખોડુતો હક્ક પણ નથી મળ્યો અને કરોડો રૂપીયા ઈન્કમટેક્ષની ચોરી કરવામાં આવી રહ્યાની પણ તપાસ કરવામાં આવે તો ઘણું બધુ બહાર આવે તેમ છે.

કચ્છનુ આઈટી તંત્ર રિયલ એસ્ટેટ માફિયાઓ પર કયારે કરશે વક્રદ્રષ્ટિ ?

ભુજ : એકતરફ સરકાર દેશના તમામ નાગરિકોને કરવેરાઓ પ્રમાણિકતાથી ભરી દેશની પ્રગતિમાં સહભાગી થવા માટે આહવાન કરી રહી છે. બીજી તરફ કચ્છમાં વ્હાઈટ કોલર રિયલ એસ્ટેટ માફિયાઓ બેફામ બની કાળાધન મારફતે જ સોદાઓ કરી રહ્યા હોઈ ઈન્કમ ટેક્સની પણ ખુબ જ મોટા પ્રમાણમાં ચોરી થઈ રહી છે. હાલે જિલ્લામાં થઈ રહેલા મોટા સોદાઓમાં ૧૦ થી ૧પ ટકા રકમો જ કાયદેસરની ચુકવાઈ રહી છે. જ્યારે બાકીની રકમ અધરતાલ ચુકવી અબજોની ઈન્કમ ટેકસ ચોરી થઈ રહી છે. નવીન કરવામાં માહીર બિલ્ડર ખેડુતના નામે બિન ખેતી કરી પ્લોટ વેચવામાં આવી રહ્યા છે. કચ્છમાં થઈ રહેલા મોટા સોદાઓની સામાન્ય લોકોને પણ જાણ છે ત્યારે તેની ગંધ ઈન્કમ ટેકસ વિભાગ સુધી કેમ પહોંચી રહી નથી તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે તેમજ કચ્છનું આઈટી તંત્ર રિયલ એસ્ટેટ માફિયાઓ પર કયારે વક્રદ્રષ્ટિ કરશે તેવુું પણ ચર્ચાઈ રહ્યું છે.

ભુજના નાગોર રોડ પરની વિવાદીત જમીનમાં બે પૂર્વ નગરસેવકો વચ્ચે થયો ખેલ

ભુજ : શહેરના નાગોર રોડ પર પણ પાછલા થોડા વર્ષોથી તેજી જોવા મળી રહી છે. જો કે અન્ય વિસ્તારોની તુલનાએ અહીં જમીનોની કિંમત નીચી ગણી શકાય તેમ છે. આ વિસ્તારમાં કેટલાક ડેવલોપરો દ્વારા જમીનોની સ્કીમો શરૂ કરાઈ હતી. જેમાંથી મોટા ભાગની સ્કીમો અધવચ્ચે જ સમેટી રોકાણકારોને રાતે પાણીએ નવડાવી દેવામાં આવ્યા હતા. ભુજના એક પૂર્વ નગરસેવકે પણ આ વિસ્તારમાં જમીનની સ્કીમ શરૂ કરી હતી. ર૮ એકર જેટલા વિસ્તારમાં પ્લોટ પાડવાની યોજના હતી. જો કે, આ યોજના પૂર્ણ થાય તે પૂર્વે જ વિવાદ થતા મહેસુલી ગુંચ સર્જાઈ હતી. લાંબા સમયથી વિવાદમાં રહેલી આ જમીનની ગુંચ ભુજના જ અન્ય પૂર્વ નગરસેવકે ઉકેલી આ જમીન ખરીદી લીધી છે.

રતિયા સીમમાં અનેક સરકારી બાબુઓએ કર્યું બેનંબરી નાણાનું રોકાણ

ભુજ : તાલુકાના રતિયા સીમમાં બિલ્ડર લોબી અને સટ્ટોડિયાઓના કારણે રીયલ એસ્ટેટ માર્કેટમાં તેજીની આગ ફાટી નિકળતા આ આગમાં હાથ સેકી લેવાના આશયથી કચ્છના અનેક સરકારી બાબુઓ કે જેઓને ટેબલ નીચેથી આવક લેવામાં સારી આવડત છે તેઓએ પણ પોતાના બેનંબરની નાણાનું મોટા પ્રમાણમાં અહીં રોકાણ કર્યું છે. તેજીના સમયમાં નાણાનું રોકાણ કરાયું હતું, પરંતુ અહીં તેજીનો પરપોટો ફુટી જતા હવે બેનંબરી રોકાણ કરનારા સરકારી બાબુઓને છેતરાઈ જવાનો અહેસાસ થઈ રહ્યો છે. જો કે તેઓએ કરેલ રોકાણ પરસેવાની કમાણીનું ન હોઈ તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપનું સુત્ર અનુસરવામાં જ શાણપણ હોવાનું મુનાસીબ માની રહ્યા છે.