કચ્છમાં ગરીબોના પેટમાંથી અનાજ છીનવી અને કાળો કારોબાર કરનારા પર કાર્યવાહી ક્યારે..?

0
68

જિલ્લામાં અગાઉ અનેક વખત અનાજ કૌભાંડ આવી ચુકયા છે પ્રકાશમાં : તમામ પ્રકરણોમાં મોટા માથાઓની સંડોવણી હોઈ કાર્યવાહી પર એકાએક પાડી દેવાય છે પડદો : ભૂતકાળના ચકચારી બનાવોમાં યોગ્ય કાર્યવાહી ન થતા અનાજ ચોર વેપારીઓનું મનોબળ સતત બની રહ્યું છે મજબુત : ક્યાંક – કયાંક સર્વર ડાઉન થવાના કારણે ગ્રાહકોને અનાજ ન મળતું હોવાથી દુકાનદાર ભોગ બનતા હોય છે

સસ્તા અનાજની દુકાનોમાંથી એક રેશનકાર્ડ દીઠ નિયત વજન કરતા ઓછું અનાજ ઓછું અપાઈ રહ્યું હોવાની ઉઠતી બૂમરાડો : ઉપરથી ઓછો જથ્થો ફાળવ્યાના રોંદણા રોઈ કાર્ડધારકોને પહેરાવાત ઉંધા ચશ્મા

ભુજ : ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનો ઉપર ખાંડ, તેલ અને ઘઉં, ચોખા જેવો જથ્થો પૂરતા પ્રમાણમાં ફાળવવામાં આવ્યો છે અને એક વખત તદ્દન મફત અને એક વખત પૈસા ચૂકવી અને આ સસ્તા અનાજની દુકાનોમાં રાહત દરે વસ્તુનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લાની સસ્તા અનાજની દુકાનો ઉપર હવે વેચાણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને સરકાર દ્વારા જે આપવામાં આવેલું જથ્થો છે તે ગરીબ વર્ગના પરિવાર સુધી પહોંચે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તો બીજીતરફ અમુક લાલચુ વેપારીઓ ગરીબોના હક્કના અનાજ પર તરાપ મારી આ જથ્થાને સગેવગે કરી રહ્યા હોવાની બૂમરાડો ઉઠી રહી છે, ત્યારે કચ્છમાં ગરીબોના પેટમાંથી અનાજ છીનવી અને કાળો કારોબાર કરનારા પર કાર્યવાહી ક્યારે કરાશે તેવા સવાલો ઉઠી રહ્યા છે. કચ્છમાં ભુજ અને ગાંધીધામ, રાપર, અંજાર સહિત કેટલાક મોટા ગામડાઓમાં કાર્ડ ધારકો ફરિયાદ કરી રહ્યા છે. સસ્તા અનાજ મેળવવા ત્રણથી ચાર દિવસથી ધક્કા ખાઈ રહયા છે. તો ક્યાંક – ક્યાંક સર્વર ડાઉન થઈ જવાના કારણે અનાજ ન મળતા દુકાનદારને ભોગવાનો વારો આવે છે.

આ અંગેની વિગતો મુજબ હાલમાં મોંઘવારીના મામલો ખૂબ જ કઠિન બની રહ્યો છે કચ્છમાં સસ્તા અનાજની દુકાનોમાં ફાળવાતો જથ્થો બારોબાર જ વેચી મરાતો હોવાના કિસ્સા અનેક વખત પ્રકાશમાં આવી ચુકયા છે. કોડાય ઘઉંકાંડ અને ભુજ ચોખાકાંડ તેનું તાજું ઉદાહરણ છે. આ બન્ને પ્રકરણોમાં રાજકીય મોટા માથાઓ સાથે ધરોબો ધરાવનારાઓ સુધી રેલા પહોંચે તેમ હોઈ તપાસને કયાંકને કયાંક આડે પાટે ચડાવી દેવાઈ હોવાની પણ ચર્ચાઓ ઉઠી રહી છે. આવા મસમોટા પ્રકરણો જિલ્લામાં અવાર નવાર બનતા હોવા છતાં તેના મુળિયા ઉલેચવામાં આવી રહ્યા ન હોઈ આ પ્રકારની પ્રવૃતિ અવિરત પણે ચાલી રહી છે. સસ્તા અનાજની દુકાનોમાંથી નિયમિત ઉપરાંત વધારાના અનાજના જથ્થાનું વિતરણ થઈ રહ્યું છે ત્યારે આમાં પણ કેટલાક વેપારીઓ ગાલમેલ કરી રહ્યા છે. ગરીબોના હક્ક પર તરાપ મારવાની નીતિ રીતિ અપનાવાઈ રહી છે.

અમુક સસ્તા અનાજની દુકાનો ઉપર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો અનાજનો પુરવઠો લેવા જાય ત્યારે દુકાનદાર દ્વારા ફક્ત એક જ જવાબ આપવામાં આવી રહ્યો છે કે ઉપલીકક્ષાએથી પુરતો જથ્થો ફાળવવામાં આવ્યો ન હોઈ એટલે કાર્ડ દીઠ જથ્થો ઓછો આપવામાં આવી રહ્યો છે. જિલ્લાના શહેરી વિસ્તારોની તુલનાએ ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારની પ્રવૃતિ વધુ હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે ત્યારે આ મામલે પુરવઠા અધિકારી સહિતના જવાબદારો દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તો અનેક લોભીયા વેપારીઓના પગ નીચે રેલા આવી શકે તેમ છે.