મતદાન મહાદાન : કચ્છના ચૂંટણી તંત્રનો વિસ્થાપિત કામદારો માટે વિશેષ વ્યાયામ

0
29

કોઈ પણ વર્ગ મતદાનથી વંચિત ન રહે તે માટે અધિકારીઓ દ્વારા ચાલી રહી છે કામગીરી : ૧ ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં કચ્છ સહિત ૮૯ બેઠકો પર ચૂંટણી હોઈ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે રજા : હોટેલ એસોસીએશન સાથે ટુંક સમયમાં યોજવામાં આવશે બેઠક

(બ્યુરો દ્વારા)ભુજ : લોકશાહીના મહાપર્વની ઉજવણી માટેનો કાઉન્ટડાઉન શરૂ થઈ ગયો છે. રાજયની ૧૮ર બેઠકો માટે બે તબક્કામાં મતદાન યોજાવાનું હોઈ પ્રથમ તબક્કામાં કચ્છ સહિત ૮૯ બેઠકો પર આગામી ૧ ડિસેમ્બરે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ભારત લોકશાહી ધરાવતો દેશ હોઈ ૧૮ વર્ષથી ઉપરના અને મતદાર યાદીમાં નામ ધરાવતા તમામ લોકો મતદાનથી વંચિત ન રહે તે માટે ચૂંટણી તંત્ર હર હંમેશ તકેદારી રાખતું હોય છે. ગુજરાત રાજયની વિધાનસભા ચૂંટણીમાં પણ સામાન્ય મતદારોની સાથોસાથ વિસ્થાપિત કામદારો પણ લોકશાહીના યજ્ઞમાં મતરૂપી આહુતિ આપી શકે તે માટે કચ્છનું ચૂંટણી તંત્રે વિશેષ વ્યાયામ હાથ ધર્યો છે.આ અંગેની વિગતો મુજબ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં યોજાનારા મતદાન માટે ફોર્મ ચકાસણી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોઈ તે બાદ સમગ્ર ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે. મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોની સાથોસાથ ચૂંટણી તંત્રનો ધમધમાટ પણ તેજ બનતો જઈ રહ્યો છે. એકપણ મતદાર મતદાનથી વંચિત ન રહે તે માટે યુવાઓ ઉપરાંત દિવ્યાંગથી લઈ વૃદ્ધ મતદારો માટે પણ ખાસ તકેદારી લેવાઈ રહી છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જુદી જુદી કામગીરી માટે નોડેલ ઓફિસરોને પણ નિયુક્ત કરવામાં આવ્યા છે, ત્યારે રોજગારી અર્થે અન્ય વિસ્તારમાં સ્થાયી થયેલા કામદારો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.આ બાબતે નોડેલ ઓફિસર તરીકે નિયુક્ત કરાયેલા સરકારી લેબર ઓફિસર એચ. એમ. પટેલે વિગતો આપતા જણાવ્યું કે, મતદાનના દિવસે તમામ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે રજા જાહેર કરવામાં આવી છે. રોજગારી અર્થે અન્ય વિસ્તારોમાં સ્થાયી થયેલા લોકો પણ મતદાન કરી શકે તે માટે વિવિધ એસોસીઓશન સાથે બેઠક કરવામાં આવી રહી છે. આગામી સમયમાં હોટેલ એસો. સાથે પણ બેઠક કરી આ ક્ષેત્રે કામ કરતા લોકો મતદાન કરી શકે તે માટે તેઓને સુવિધા આપવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા કરવા માટે સબંધીતોને સુચના આપવામાં આવશે.