કચ્છમાં મતદારો ૧ર.૬૮ ટકા વધ્યા તેમ છતાં મતદાનમાં ૪.પ૪ ટકાનો ઘટાડો

0
115

 

ર૦૧રમાં ૬૮.ર૦ ટકા થયું હતુું, ર૦૧૭ માં ઘટીને ૬૪.૩૪ ટકા થયું અને આ વર્ષે તો માત્ર પ૯.૮૦ ટકા જ મતો પડ્યા : વીતેલા એક દાયકામાં કચ્છના મતદારોના મિજાજમાં પરિવર્તન આવ્યાનો અણસાર : મતદાનની ઘટેલ ટકાવારી પછવાડેના પરિબળો ચકાસવા બન્યા જરૂરી

ભુજ : કચ્છ જિલ્લાની ૬ વિધાનસભા બેઠકોની ચૂંટણી સંપન્ન થઈ ગઈ હોઈ ૮ ડિસેમ્બરેે જાહેર થનાર પરિણામો પર સૌની મીટ મંડાઈ છે. પરિણામોને આડે હજુ સમય હોઈ હાલે જિલ્લામાં પરિણામો પુર્વેની અટકળોએ ભારે ઉત્તેજના સભર માહોલ ઉભો કર્યો છે. જો કે, મતદાનની ટકાવારી પરથી કચ્છના મતદારોના મિજાજમાં પરિવર્તન આવ્યાનું પણ સ્પષ્ટ પણે જણાઈ આવે છે. ર૦૧૭ની તુલનાએ મતદારો જિલ્લામાં ર લાખથી વધુ મતદારો વધ્યા છે પણ સામે ટકાવારીમાં ૪.પ૪ ટકા મતદાન ઘટયું છે, જે ગણી ચિંતાજનક બાબત છે. સૌથી વધુ યુવા મતદારો હોવા છતાં ઓછું મતદાન રાજકીય પક્ષો માટે સુચક ગણી શકાય તેમ છે.આ અંગેની વિગતો મુજબ વિધાનસભાની ચૂંટણી દરમ્યાન જિલ્લામાં છએ છ બેઠકોના ઉમેદવારો દ્વારા પ્રચાર ઝુંબેશમાં એડીચોટીનું જોર લગાવાયું હતું, પરંતુ આ પ્રચાર ઝુંબેશ દરમ્યાન ઉમેદવારો મતદારોને આકર્ષવામાં નિષ્ફળ નિવડ્યા છે જેમાં કોઈ બે મત નથી. કચ્છમાં સ્થાનિકથી લઈને રાજ્ય કક્ષાના નેતાઓ ઉપરાંત ભાજપ- કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ, વડાપ્રધાને પણ સભાઓ ગજવી હોવા છતાં રાજકીય નેતાઓ કચ્છી મતદારો મૂડ પારખવામાં સફળ થયા નથી.ર૦૧૭ વિધાનસભા ચૂંટણી વેળાએ જિલ્લામાં નોંધાયેલ કુલ ૧૪,ર૮,૦૦૬ મતદારો પૈકી ૯,૧૩,૧૯ર મતદારોએ જ મતદાન કરતા મતદાનની ટકાવારી ૬૩.૯પ ટકા રહી હતી. ર૦૧૭ની તુલનાએ પાંચ વર્ષ દરમ્યાન કચ્છમાં મતદારો વધીને ૧૬,૩પ,૩૭૪ થઈ ગયા છે. ર૦૧૭ની તુલનાએ કચ્છમાં મતદારોની સંખ્યામાં ૧ર.૬૮ ટકાનો વધારો થયો હોવા છતાં મતદાનની ટકાવારી પ૯.૮૦ એ અટકી જતા ગત વખતની સરખામણીએ મતદાનમાં ૪.પ૩ ટકાનો ઘટાડો થયો છે. જિલ્લામાં મતદાનની ટકાવારી નીચે રહેતા હાલે ઉમેદવારોના જીવ તાડવે ચોટયા છે તેમજ ૮મીએ પરિણામો શું આવશે તેની ચિંતામાં તેઓ મુકાયા છે. ચૂંટણીના પરિણામો જે આવે તે પરંતુ મતદાનની ઘટેલ ટકાવારી પછવાડેના પરિબળો ચકાસવા અત્યંત જરૂરી બની જવા પામ્યા છે. પાછલા એક દાયકા દરમ્યાન મતદાનની ટકાવારી સતત ચિંતાજનક રીતે ઘટી રહી હોવાથી લોકોને પણ જાણે ચૂંટણી અને રાજકારણમાંથી વિશ્વાસ ઉઠી ગયાનો ચિત્ર જોવા મળી રહ્યો છે.

મતદાન શું કામ ઘટ્યું ?

• ઉમેદવારો ફરક્યા ન હોવાથી નારાજગી • મોંઘવારી અને બેરોજગારી પણ કારણભૂત • સ્થાનિક મુદ્દાઓ પ્રચારમાં ભૂલાતા રોષ • લગ્નસરાની સીઝન • સમાજોની અવગણના કારણભૂત • માંગણીઓ ન સંતોષાતા નારાજગી • ઘણા યુવાનોના નામ મતદાર યાદીમાં ન દેખાયા • ઉમેદવારો સાથે સબંધ હોવાથી શરમાશરમી • વિવાદથી દૂર રહેવા મતદાન ટાળ્યું • લાઈનો લાગતા અમુક મતદારો કંટાળી ગયા • મતદાન મથક દૂર હોતા આળસ • પક્ષ ગમે છે ત્યાં ઉમેદવાર અણગમો, ઉમેદવાર ગમે ત્યાં પક્ષ સામે નારાજગી.