ભચાઉના વસટવામાં બે પક્ષો વચ્ચે હથિયારો સાથે હિંસક મારામારી : ૭ ઘવાયા

0
49

અગાઉના ઝઘડામાં થયેલા સમાધાનનું મનદુઃખ રાખીને બનાવને અપાયો અંજામ : સામસામે થયેલા હુમલાથી ગામમાં મચી ચકચાર

ભચાઉ : તાલુકાના વસટવા ગામે બે પક્ષો વચ્ચે હથિયારો સાથે મારામારી થતા એક પક્ષના ચાર લોકો ઘવાયા હતા. જેમાં ૭ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.ભચાઉના વસટવા ગામે આવેલા દરબારવાસમાં રહેતા ઈન્દ્રજીતસિંહ સ્વરૂપસિંહ જાડેજાએ લાકડિયા પોલીસમાં ગુનો દાખલ કરાવતા જણાવ્યું કે, ગામમાં રહેતા બહાદુરસિંહ બળુભા પરમારનો ભત્રીજો જનકસિંહ રામુજી પરમાર ગામમાં આવતો ત્યારે ખરાબ વર્તન કરતો હોઈ તેને ઠપકો અપાયો હતો અને બાદમાં સમાધાન કરાયું હતું. જે વાતનું મનદુઃખ રાખીને આ મારામારી કરવામાં આવી હતી. ફરિયાદીન મોટાબાપુ મેઘરાજજીના દીકરા બહાદુરસિંહ દુધ આપવા માટે ગયા ત્યારે બહાદુરસિંહ બળુભા પરમારે ફરિયાદીના ભાઈ સાથે બોલાચાલી કરી હતી અને ફોન કરીને કહ્યું કે, તમે બધા બહાદુરના દીકરા થઈ ગયા છો અને દુકાને આવીને મારકૂટ કરો છો, તેમ કહી બોલાવ્યા હતા. જેથી સ્વબચાવ માટે ફરિયાદી અને તેમના ભાઈઓ જુવાનસિંહ, હેમંતસિંહ, પિતા સ્વરૂપસિંહ, બહાદુરસિંહ, ખાનુભા વીરમજી જાડેજા, વીરમજી રણમલજી જાડેજા વગેરે લાકડિયા અને ધોકા સાથે દુકાને ગયા હતા, જ્યાં બહાદુરસિંહ બળુભા પરમાર, ઝાલુભા બળુભા પરમાર, જીતુભા અરજણજી જાડેજા, રણજીતસિંહ રામસંગજી જાડેજા, રાસુભા બનેસંગ જાડેજા, સ્વરૂપસિંહ જેઠુભા જાડેજા અને જાલમસિંહ મમુજી જાડેજાએ લાકડીઓ અને કૂહાડી જેવા હથિયારો વડે ફરિયાદી અને સાહેદો પર હુમલો કરી દીધો હતો. સામ સામે થયેલા ઝઘડામાં ગામ લોકો આવી જતા છોડાવ્યા હતા. આ ઝઘડામાં ફરિયાદીને હાથમાં અને માથાના ભાગે લાકડી વાગતા બે ટાંકા આવ્યા હતા, જુવાનસિંહને આંગડીમાં જ્યારે ખાનુભાને માથાના માગે ચાર ટાંકા આવ્યા હતા. તેમજ બહાદુરસિંહ મેઘરાજજીને નાકથી હોટ સુધી તિક્ષ્ણ હથિયારનો ઘા થતા ઉંડો ચીરો પડી ગયો હતો. જેથી તમામ આરોપીઓ સામે લાકડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા આગળની તપાસ પીએસઆઈ આર.આર.વસાવાએ હાથ ધરી છે.

સામા પક્ષે પણ ત્રણ વ્યક્તિઓ ઘવાયા
જી.કે. જનરલ હોસ્પિટલ ચોકીમાંથી જાણવા મળતી વિગતો મુજબ આ બનાવમાં સામે પક્ષે પણ ત્રણ લોકો ઘવાયા હતા. મહેન્દ્રસિંહ વાઘજી સોઢાએ જી.કે.માં જણાવ્યું કે, અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખીને બહાદુરસિંહ મેઘરાજજી જાડેજા, સ્વરૂપસંગ રણમલજી જાડેજા અને ૮થી ૧૦ માણસો ધારિયા-લોખંડના પાઈપ અને ધોકા લઈને આવ્યા અને ફરિયાદીના મામા સ્વરૂપસિંહ જેઠુભા જાડેજાને મારમારતા માથાના અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તો જાલમસિંહ મમુજી જાડેજાને હાથમાં ગંભીર ઈજાઓ થઈ હતી તથા રણજીતસિંહ રામસંગજી જાડેજાને પણ કૂહાડીનો ઘા વાગતા ઈજાઓ થઈ હતી. અન્ય સાહેદોને સામાન્ય ઈજા પહોંચી હતી. જેથી સરકારી હોસ્પિટલ ભચાઉમાં સારવાર લીધા બાદ વધુ સારવાર માટે જી.કે.માં ખસેડવામાં આવ્યા હતા.