વિજયાદશમી પર્વ : પશ્ચિમ કચ્છમાં પોલીસદળ દ્વારા કરાયું શસ્ત્રપૂજન

0
37

હેડ કવાર્ટર ખાતે પોલીસવડાએ હથિયાર અને અશ્વનું પૂજન કરાયું : વિવિધ થાણાઓમાં ઈન્ચાર્જ દ્વારા કરાઈ વિધિ :  નલિયા સહિતના પોલીસ મથકે શાસ્ત્રોક્તવિધિથી પૂજન કરાયું

ભુજ : આજે અસત્ય પર સત્યના વિજયનું પર્વ એટલે કે, વિજયાદશમી નિમિત્તે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ હેડ કવાર્ટર સહિત વિવિધ પોલીસ મથકોએ શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું.

શસ્ત્રપૂજનની વાત કરીએ તો એવી માન્યતા છે કે, આસુરી શક્તિ પર દૈવી શક્તિનો વિજય થયો તે દિવસને દશેરા તરીકે ઉજવવામાં આવે છે. જ્યારે રજવાડાઓ હતા ત્યારે શસ્ત્રપૂજનની ધામધૂમપૂર્વક ઉજવણી કરાતી, જાે કે હવે રજવાડાઓ નથી રહ્યા પરંતુ પરંપરા યથાવત છે. આ દિવસે સ્વરક્ષણ માટે ઉપયોગમાં લેવાતા શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. શસ્ત્રોની સફાઈ બાદ શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શત્રુઓ પર જીત મેળવવા માટે આ દિવસે શસ્ત્રની પૂજા કરવી જાેઈએ જેનાથી શુભ ફળ મળે છે. જેથી વર્ષમાં એકવાર આ દિવસે હથિયારોની પૂજા કરવામાં આવતી હોય છે. ગુજરાતના મુખ્યમંત્રી પદે નરેન્દ્રભાઈ મોદી આરૂઢ હતા ત્યારે વિજયાદશમીના અવસરે રાજ્યના પોલીસ મથકોએ શસ્ત્રપૂજન કરવાની પ્રથા પુનઃ અમલી બનાવી હતી.

આજે સવારે ભુજ હેડ કવાર્ટર ખાતે આવેલા કષ્ટભંજન હનુમાન મંદિર પરિસરમાં પશ્ચિમ કચ્છ પોલીસવડા સૌરભસિંઘ અને ડીવાયએસપી એ. આર. ઝણકાર અને ઋષિરાજસિંહ જાડેજાએ શાસ્ત્રોક્તવિધિ સાથે શસ્ત્રપૂજન કર્યું હતું. બાદમાં પોલીસદળ દ્વારા ઉપયોગમાં લેવાતા અશ્વને તિલક કરી હાર પહેરાવી, ગોળ ખવડાવી પૂજન કરાયું હતું.

આ પ્રસંગે પશ્ચિમ કચ્છ પોલીસવડા સૌરભસિંઘે જણાવ્યું હતું કે, પોલીસ વિભાગની વાર્ષિક પરંપરા અનુસાર ભુજના હેડ કવાર્ટર ખાતે દશેરા નિમિત્તે શસ્ત્રપૂજન અને અશ્વપૂજનનું આયોજન કરાયું હતું. પોલીસ તંત્ર પ્રજાની સેવા માટે સદાય તત્પર રહે છે. શસ્ત્ર અને અશ્વ પોલીસની કામગીરી માટે ખુબ મહત્વપૂર્ણ અંગ છે. લોકોની સુરક્ષા અને સામાજીક શાંતિ માટે પોલીસ તંત્ર કટિબદ્ધ છે, ત્યારે દશેરાના પાવન દિવસે શસ્ત્ર અને અશ્વોની શાસ્ત્રોક્ત વિધિ પુજા કર્યા બાદ શાંતિ સલામતી અને સુરક્ષા માટે પ્રાર્થના કરવામાં આવી હતી. શસ્ત્રપૂજન વખતે એલસીબી પીઆઈ સંદિપસિંહ, પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઈ હાર્દિકસિંહ ગોહિલ, હેડ કવાર્ટર પીએસઆઈ એલ. બી. મકવાણા, એ. એન. વીજાપરા સહિત હેડ કવાર્ટર સ્ટાફના પોલીસદળના જવાનો હાજર રહ્યા હતા.

તો આ તરફ જિલ્લાના વિવિધ થાણાઓમાં ઈન્ચાર્જ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું જે અનુસાર પશ્ચિમ કચ્છના નલીયા પોલીસ મથકે પરંપરા મુજબ વિજયદશમી નિમિત્તે શસ્ત્રપુજન કરવામાં આવ્યું હતું.

પ્રજાની રક્ષણ માટે સદૈવ તૈનાત પોલીસ વિભાગ દ્વારા તેમના હસ્તકના શસ્ત્રોનું પુજન દર દશેરાના કરવામાં આવે છે જે અંતર્ગત નલીયા પોલીસ મથકે પી.એસ.આઈ. વી.આર.ઉલવાના હસ્તે શસ્ત્રપુજન કરવામાં આવ્યું હતું. ભુદેવ દ્વારા શાસ્ત્રોક્ત વિધી કરવામાં આવી હતી. પી.એસ.આઈ. સાથે નલીયા પોલીસના જવાનો તથા મહિલા પોલીસ કર્મીઓ પુજનવિધીમાં જાેડાયા હતા.