ભુજ સુધરાઈની યોજાયેલી કારોબારી બેઠકમાં વિવિધ નિર્ણયો લેવાયા

0
32

માર્ગોના પેચવર્કના કામોના ટેન્ડર રદ્‌ કરાયા : ટાઉન હોલનું ભાડું વધારવા તથા રાજેન્દ્ર બાગને ભાડે આપવા સહિતના ઠરાવો કરાયા

ભુજ : નગરપાલિકા ખાતે કારોબારી ચેરમેન જગતભાઈ વ્યાસના અધ્યક્ષસ્થાને કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં રસ્તાના પેચવર્કના કામોના ટેન્ડરો રદ્દ કરાયા હતા. તેમજ ટાઉનહોલનું ભાડું વધારવા તથા રાજેન્દ્રબાગ ભાડે આપવા સહિતના નિર્ણય લેવામાં આવ્યા હતા.

બેઠકમાં મુખ્યત્વે કચેરી બિલ્ડિંગના આવન-જાવન માટે સરકારની ૩૬૩ ચો.મી. જમીન માંગણી, રસ્તાના ઉપયોગમાં લેવા માટેનો ઠરાવ, ઈન્દ્રાબાઈ પાર્ક તથા ટાઉન હોલ પાસેની દુકાનોના ભાડા પટ્ટાનો ઠરાવ, લેકવ્યૂ પાસે ફુડકોટ, લાઈટ, પાણી, ગટર સહિતના કામો બાબતે નિર્ણયો, ફાયર શાખામાં ફિક્સ પગારમાં કામ કરતા કામદારોની સાથે ઈજનેરની મુદ્દતમાં વધારો  કરવાનો ઠરાવ, મહેકમ શાખામાં ફરજ બજાવતા કર્મીઓ માટે ડીજીટલ હાજરી, પેચવર્કના કામોના ટેન્ડર રદ્‌ કરી રિટેન્ડરિંગ કરવાનો સહિતના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

આ બેઠકમાં અશોક પટેલ, સાત્વીકદાન ગઢવી, કિરણ ગૌરી, ધિરેન લાલન, રશ્મીબેન સોલંકી, ધર્મેશ ગોર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે નોંધનીય છે કે, આ ઉપરાંત સમસ્યાઓમાં નિષ્ફળ ગયેલા ત્રણ ઈજનરોને ફરજ મુકૂફ કરાય તેવી શક્યતાઓ પણ સેવાઈ હતી, તો નબળી કામગીરી કરતા કર્મીઓ તેમજ સુધરાઈની નુકશાન પહોંચાડતા તત્ત્વો સામે ફરિયાદ નોંધાવી રિક્વરી કરવાનો પણ નિર્ણય લેવાય તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે.