રસીના ડોઝ ઓછા આવતા કચ્છમાં સબ સેન્ટરોમાં રસીકરણ કરાયું બંધ

દરરોજ માત્ર ૬ હજાર ડોઝ મળતા હોવાથી હવે માત્ર સરકારી પીએચસી અને સીએચસીમાં જ અપાઈ રહી છે વેક્સિન : મંગવાણા સબ સેન્ટરમાં સર્જાયેલી ગરબડ કારણભૂત હોવાની ચર્ચા

ભુજ : કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાંથી આપણે સૌ કોઈ બહાર આવી ગયા છીએ. હવે જ્યારે ત્રીજી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે સરકારે વેક્સિનેશન ફરજીયાત બનાવ્યું છે. વેપારીઓ, નોકરીયાત વર્ગ, પરીક્ષા આપતા ઉમેદવારોથી માંડી વિદ્યાર્થીઓ સૌ કોઈ માટે રસી ફરજીયાત બની ગઈ છે. કોરોના મહામરીથી બચવા માટે રસીનો ડોઝ લેવો હિતાવહ છે, જેથી લોકો પણ હવે સામે ચાલીને રસી મૂકાવવા માટે આગળ આવી રહ્યા છેે, પરંતુ રસી મળતી નથી. રાજ્યમાં રસીનો જથ્થો ખૂટી પડતા બુધવારે મમતા દિવસ અને બાદમાં ગુરૂવાર તથા શુક્રવારે રસીકરણ બંધ રાખવામાં આવ્યું હતું. બાદમાં શનિવારથી વેક્સિનેેશન ચાલુ થયું છે, પણ ઉપરથી રસીના ડોઝ ઓછા આવે છે, જેથી સબ સેન્ટરોમાં રસીકરણ બંધ કરી દેવાયું છે.આ અંગેની સહેજ વિગતે વાત કરીએ તો ર૧ જૂનથી ૩૦ જૂન સુધી વેક્સિનેશન મહાઅભિયાન યોજવામાં આવ્યું હતું, જેમાં સરકારે રસીના ડોઝ પુરતા પ્રમાણમાં આપતા દરરોજ સરેરાશ ૧ર થી ૧પ હજાર લોકો રસી મૂકાવતા હતા. જોકે, રસી ખૂટી પડતા હવે ડોઝ ઓછા મળી રહ્યા છે, તેમાં પણ વેક્સિન સંગ્રહ કરવા માટે ત્રણ દિવસ સુધી રસીકરણ બંધ કરી દેવાયું હતું. જોકે, કકળાટના મોં કાળા હોય તેમ રસીનો જથ્થો હજુ પણ અમર્યાદિત હોવાથી સેશનો ટૂંકાવવી પડી છે. અગાઉ કચ્છમાં પીએચસી, સીએચસી તેમજ ગામડાઓમાં આવેલા સબ સેન્ટરોમાં રસી આપવામાં આવતી હતી. જોકે, હવે દૈનિક માત્ર ૬ હજાર ડોઝ મળે છે, જે પહેલેથી અડધા છે, જેથી સબ સેન્ટરોમાં રસીકરણ બંધ કરી દેવાયું છે, જેથી હવે લોકોને માત્ર પીએચસી અને સીએચસીમાં જ રસી મળી રહી છે. એક તરફ સરકાર વેક્સિનનો ડોઝ લેવા માટે અપીલ કરે છે. બીજી તરફ ડોઝ મળતા નથી. પરિણામે કેન્દ્રોના ધક્કા ખાવાનો જ વારો આવે છે. રસીના ડોઝ ઉપરાંત આ નિર્ણય પાછળ મંગવાણા સબ સેન્ટરનો વિવાદ પણ કારણભૂત હોવાની ચર્ચા છે. કારણ કે, મુંબઈની મહિલા અને ભુજના વૃદ્ધે રસીનો ડોઝ ન લીધો હોવા છતાં મોબાઈલમાં એ ડોઝનું સર્ટીફિકેટ આવી ગયું હતું, જેથી ગેરરીતિ અટકાવવા આ નિર્ણય લેવાયો હોવાનું માનવામાં આવે છે.

સબ સેન્ટરોમાં રસીકરણ બંધ છે : સીડીએચઓ

ભુજ : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જનકકુમાર માઢકે જણાવ્યું હતું કે, હાલમાં દૈનિક છ હજાર ડોઝનો જથ્થો આવે છે, જેથી પીએચસી અને સીએચસીમાં જ રસી અપાઈ રહી છે. હાલમાં સબ સેન્ટરોમાં રસીકરણ ચાલુ નહીં થઈ શકે. મંગવાણામાં રસી લીધી નથી છતાં સર્ટીફિકેટ આવ્યું એ કિસ્સામાં શું પગલાં લેવાયા એ બાબતે જણાવ્યું હતું કે, સરખા નામ નામના કારણે એ ભૂલ થઈ હતી. જે કેસમાં કોઈની સામે શિક્ષાત્મક પગલાં લેવાયા નથી.