USમાં ‘ચંપલ ચોર પાકિસ્તાન’ના નારા : જાધવ ફેમિલીના અપમાનથી નારાજ

પાકિસ્તાનની મંજૂરી બાદ ૨૫ ડિસેમ્બરના રોજ કુલભૂષણ જાધવની પત્ની ચેતના અને માં અવંતિકા તેમને મળવા ઇસ્લામાબાદ ગઇ હતી

ઇન્ટરનેશનલ ડેસ્કઃ વોશિંગ્ટનમાં સોમવારે પાકિસ્તાન એમ્બેસીની સામે અજીબ નજારો જોવા મળ્યો. અહીં કેટલાંક લોકો હાથમાં જૂતાં અને ચંપલ લઇને પહોંચ્યાં. આ લોકોએ હ્યુમન ચેઇન બનાવી. ત્યારબાદ ચંપલ ચોરની નારેબાજી કરવા લાગ્યા. હકીકતમાં આ મામલો  પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ સાથે જોડાયેલો છે. જાધવની પત્ની અને માં ગયા મહિને તેને મળવા માટે  પાકિસ્તાન ગઇ હતી. અહીં  પાકિસ્તાનની ફોરેન મિનિસ્ટ્રીના ઓફિસરોએ જાધવની પત્ની ચેતનાના સેન્ડલ ઉતારી લીધા હતા. ઓફિસરોએ શંકા વ્યક્ત કરી હતી કે, ચેતનાનાં સેન્ડલમાં જાસૂસીની કોઇ ચીજ લાગેલી હોઇ શકે છે.
પાકિસ્તાનને જૂતાંનું દાન – પાકિસ્તાનની એમ્બેસીની બહાર જે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તેમાં હાથમાં અનેક બેનર અને પ્લેકાડ્‌ર્સ હતા. જેની ઉપર લખ્યું હતું, ચંપલ ચોર પાકિસ્તાન અને પાકિસ્તાનને જૂતાના દાનની જરૂર છે. વિરોધ પ્રદર્શન કરનારાઓએ શૂઝ અને સ્લીપર્સની અનેક પૅર પાકિસ્તાનની એમ્બેસીની બહાર એક બોર્ડ લગાવીને મુકી દીધા. આ લોકોનું કહેવું હતું કે, પાકિસ્તાનને હવે માત્ર જૂતાં અને ચંપલની જ જરૂર રહી ગઇ છે.
અમે જાધવની ફેમિલીની સાથે – વિરોધ પ્રદર્શનમાં સામેલ એક વ્યક્તિએ કહ્યું, જો તેઓ દુઃખી મહિલાના ચંપલ પણ ચોરી શકે છે, તો શું નથી કરી શકતા. તેથી અમે તેમના માટે ચંપલ અને જૂતાં લઇને આવ્યા છીએ. આશા છએ કે, તેમની જરૂરિયાત પુરી થઇ જશે. વધુ એક વ્યક્તિએ કહ્યું, પાકિસ્તાન ખૂબ જ હલકાં અને નાના વિચારોવાળો દેશ છે.
શું થયું હતું પાકિસ્તાનમાં જાધવની ફેમિલીની સાથે? –
પાકિસ્તાનની મંજૂરી બાદ ૨૫ ડિસેમ્બરના રોજ જાધવની
પત્ની ચેતના અને માં અવંતિકા તેમને મળવા ઇસ્લામાબાદ ગઇ. મુલાકાત પહેલાં તેમની તપાસ કરવામાં આવી. બિંદી, મંગળસૂત્ર, ચૂડીઓ સિવાય ચેતનાના સેન્ડલ સુદ્ધાં ઓફિસરોએ ઉતરાવી દીધા હતા. આ મુલાકાત અંદાજિત ૪૪ મિનિટ ચાલી. ત્યારબાદ ફેમિલીને સેન્ડલ છોડીને બાકી બધો જ સામાન પરત કર્યો. પાકિસ્તાન સરકારે કહ્યું, અમને શંકા છે કે ચેતનાના સેન્ડલમાં જાસૂસીની મદદ આવતો કોઇ સામાન (જેમ કે, કેમેરા અથવા ઓડીયો ચિપ) લાગેલી હોઇ શકે છે.