યુવાનોમાં મતદાતા જાગૃતિ અંતર્ગત મતદાર યાદી અંગે ડિજિટલ કાર્યવાહીની સમજ અપાઈ

0
34

કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા કચ્છ યુનિ.માં ત્રિ દિવસીય પ્રદર્શનમાં મતદાર જાગૃતિ, ગુજરાતના સ્વાતંત્ર્યસેનાનીઓ, સ્વચ્છતા અભિયાન વિશે જાણકારી અપાઈ

ભુજ :આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકારના કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા કચ્છ યુનિવર્સિટી મધ્યે આયોજિત ત્રિ દિવસીય પ્રદર્શન કુલપતિ ડો. જયરાજસિંહ જાડેજાના હસ્તે ખુલ્લું મુકાયું હતું. મતદાતા જાગૃતિ અભિયાન, આઝાદીની લડાઈમાં ભાગ લેનાર ઓછા જાણીતા રહેલા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સ્વચ્છતા જાગૃતિને સાંકળતા આ પ્રદર્શનને ખુલ્લું મૂકતા કુલપતિ ડો. જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અનેક લોકોએ પોતાનું સર્વસ્વ હોમી દીધું ત્યારે દેશને આઝાદી મળી છે. આવા પ્રદર્શન થકી દેશ માટે બલિદાન આપનારા અનેક ઓછા જાણીતા સ્વાતંત્ર્યવીરો વિશે આજની પેઢી જાણી શકે છે. કચ્છ યુનિવર્સિટીએ ઓછા જાણીતા એવા ૧૭ સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે સંશોધન કર્યું છે. કેન્દ્રીય હસ્તકલા વિભાગના આસિસ્ટન્ટ ડાયરેકટર રવિવીર ચૌધરીએ જણાવ્યું હતું કે, આજે યુવા પેઢી ઉપર દેશના સમૃદ્ધ અને ઉજ્જવળ ભવિષ્યની જવાબદારી છે. મતદાર નોંધણી અધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સામતભાઈ વસરાએ ડિજિટલ યુગમાં યુવાનો ઓન લાઈન મતદાર ફોર્મ ભરી અને મતદાર તરીકે જાતે નોંધણી કરાવે એ વિશે લાઈવ ડેમોસ્ટ્રેશન દ્વારા સરળતા સાથે સમજ આપી હતી. આ ઉપરાંત આધારકાર્ડ, રાશનકાર્ડ સહિતના કામો રૂબરૂ સરકારી ઓફિસમાં ગયા વગર ઓન લાઈન સરળતા સાથે થઈ શકે એ વિશે માર્ગદર્શન આપ્યું હતું. કેન્દ્રીય સંચાર બ્યુરો વતી સ્થાનિક અધિકારી કમલેશ મહેશ્વરીએ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ચુંટણી પંચ દ્વારા મતદાર નોંધણી અને જાગૃતિ અભિયાન માટે આદરેલ ઝુંબેશ, સ્વાતંત્ર્ય સંગ્રામના ઓછા જાણીતા ગુજરાતના લડવૈયાઓ ઉપરાંત સ્વચ્છતા અભિયાન એમ બહુહેતુક આયામ સાથે યુવા વર્ગને જાણકારી આપવા આ ત્રિ દિવસીય કાર્યક્રમ યોજ્યો હોવાનું જણાવ્યું હતું. શેરી નાટકના માધ્યમથી સાબર મિત્ર મંડળના કલાકારોએ યુવા વર્ગને જાગૃતિનો સંદેશ આપ્યો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.પી. પ્રજાપતિ અને ભુજ શહેર મામલતદાર કલ્પનાબેન ગોડીંયા, તાલુકા સ્વચ્છતા અભિયાન ક્લસ્ટર કોઓર્ડીનેટર સ્મિતાબેન કટ્ટા, હંસાબેન ગોસ્વામીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. સૌ એ સ્વચ્છતા માટે શપથ લીધા હતા. કાર્યક્રમમાં એમએસડબલ્યુ વિભાગના વડા ડો. ચિરાગ પટેલ, ગ્રંથપાલ ડો. હર્ષદ નિર્મલ, હસ્તકલા પ્રમોશન ઓફિસર શેખર ઉપરાંત એનએસએસના છાત્રો ઉપસ્થિત રહ્યા હતા.  સંચાલન સિનિયર પત્રકાર વિનોદ ગાલાએ કર્યું હતું. ઓફિસ આસી. ભાવિક સુતરીયા અને મહેશ ગુંસાઇએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.