અંજાર હાઈવેની હોટલ પાસે કન્ટેનર સ્વિફ્ટ કાર પર પડતા બે યુવાનોના મોત

0
53

ભુજ : દિવાળીના સપરમાં તહેવારો નજીક આવી રહ્યા છે. આ વચ્ચે અકસ્માતોની ઘટના ઓચિંતી વધી રહી છે.ગઈકાલે રાત્રે અંજાર-મુન્દ્રા હાઈવે રોડ પર બી.એસ. મિન્ટુ હોટલના પાર્કિંગમાં ટ્રેઈલરનું કન્ટેનર ફંગોળાઈને સ્વિફટ કાર પર પડતા તેમાં સવાર બે યુવકોનું દબાઈ જવાથી મોત થયું હોવાની કરૂણ ઘટના સામે આવી છે.આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે મોડી રાત્રે પોણા બે વાગ્યાના અરસામાં આ બનાવ બનવા પામ્યો હતો. અંજાર-મુન્દ્રા હાઈવે રોડ પર બી.એસ.મિન્ટુ હોટલના પાર્કિંગમાં ટ્રેઈલર અને સ્વિફટ કાર એક સાથે નીકળી રહ્યા હતા ત્યારે ટ્રેઈલરના ચાલકે ટર્ન મારતા એ દરમિયાન કન્ટેનર બાજુમાંથી પસાર થતી સ્વિફટ કાર નં.જીજે૧ર-સીપી-૭૩૩૯ પર પડતા આખી ગાડીનો ખુરદો બોલી ગયો હતો. સેન્ડવીચની જેમ આખી ગાડી દબાઈ ગઈ હતી. તેમાં અંજારના બે આશાસ્પદ યુવાનો રોહિતગિરિ રાજેન્દ્રગિરિ ગોસ્વામી અને નિલેશ રમેશ ગઢવી સવાર હતા. જેઓનું દબાઈ જવાથી સારવાર મળે એ પહેલાં જ મોત આંબી ગયું હતું. બનાવ સંદર્ભે આ લખાય છે ત્યારે બે વાગ્યા સુધી પોલીસ ફરિયાદ થઈ ન હતી, પરંતુ અંજાર પીઆઈ શૈલેન્દ્રસિંહ સિસોદિયા સહિતના સ્ટાફે ઘટનાસ્થળે જઈ પંચનામા સહિતની કાર્યવાહી કરી હતી.