બે વર્ષ પુર્વે મોટા ભાઈનું શહેરના સ્ટેશન રોડ પરથી ચેન્નઈની પાર્ટીએ અપહરણ કર્યું હતું : દોઢ લાખની ચીટિંગ કરતા યુવકનું અપહરણ કર્યુ, એલસીબીએ ચાર કલાકમાં દબોચી લીધા

0
89

ધમધમતા હોસ્પિટલ રોડ પર ગઈકાલે સાંજે પાંચ વાગ્યે બ્લુ કલરની સ્વીફટમાં બે જણા ઉઠાવી ગયા હતા : રાત્રે એલસીબીએ પકડી બી ડિવિજન પોલીસને સોંપ્યા, હજુ ત્રણેક આરોપીના નામ ખુલશે

ભુજ : શહેરમાં સસ્તા સોનાના નામે ઠગાઈ કરતી અનેક ટોળકીઓ સક્રીય છે, જે પૈકી બે વર્ષ પુર્વે શહેરના ધમધમતા ન્યુ સ્ટેશન રોડ પરથી સેજવાળા માતામ ખાતે રહેતા એક યુવકનું અપહરણ થયું હતું, જયારે ગઈકાલે સાંજે પાંચ વાગ્યે હોસ્પિટલ રોડ પર જાહેરમાં તેના નાના ભાઈનું અપહરણ કરી જવાયું હતું, એલસીબીએ ગણતરીના કલાકોમાં રાજકોટના બે યુવકને દબોચી લઈ ત્રણેયને ભુજ બી ડિવિજન પોલીસ મથકે સોંપ્યા હતા.

ગુરુવારે સાંજે પાંચ વાગ્યે શહેરના હોસ્પિટલ રોડ પર રર વર્ષીય યુવક સકીલ મજીદ લાંગાય પોતાના મિત્ર સાથે ઉભો હતો ત્યારે બ્લુ કલરની રાજકોટ પાસિંગની સ્વીફટમાં આવેલા બે યુવકો બળજબરીથી તેને ગાડીમાં નાખી અપહરણ કરી ગયા હતા, મિત્રએ તેના ભાઈ અને પરીવારને જાણ કરતા બી ડિવિજન પોલીસ મથકે ધસી ગયા હતા. બી ડિવિજન પોલીસ અને એલસીબીની ટુકડી કામે લાગી હતી અને ભોગગ્રસ્ત યુવકને રાજકોટ તરફ લઈ ગયા હોવાની બાતમી મળતા એલસીબીની ટુકડીએ ગણતરીના કલાકોમાં ચાર કલાકમાં જ દબોચી લીધા હતા. ભોગગ્રસ્ત સકીલ લાંગાય, જીજે ૦૩ એમ.ઈ. પ૦ર૬માં અપહરણ કરી ગયેલા વિક્રમસિંહ જાેરુભા રહેવર (રહે. જામનગર રોડ, રાજકોટ) અને મનીષભાઈ ભીખુભાઈ ચૌહાણ (રહે. રાજકોટ) બે શખસોને પણ દબોચી લીધા હતા. ભોગગ્રસ્ત અને આરોપીઓને એલસીબીએ બી ડિવિજન પોલીસને સુપ્રત કરતા બી ડિવિજન પોલીસે આગળની તજવીજ હાથ ધરી હતી. આંતરીક સુત્રોએ જણાવ્યું હતું કે, સકીલ લાંગાયના મોટાભાઈ હુઝેફા લાંગાયને બે વર્ષ પુર્વે શહેરના ન્યુ સ્ટેશન રોડ પર આવેલી એક હોટેલ નજીક જાહેરમાંથી ત્રણ યુવકો અપહરણ કરી ચેન્નઈ લઈ ગયા હતા, જે તે વેળાએ એ ડિવિજન પોલીસ તાત્કાલીક ત્યાં ધસી જઈ ભોગ ગ્રસ્ત યુવક અને બે આરોપીઓને ઉઠાવી લાવી હતી, તે યુવકો સાથે પણ ઠગાઈ થઈ હોવાથી યુવકનું અપહરણ કરી ગયા હતા ત્યારે આ અપહરણ કરી જનારા બે આરોપીઓ સાથે પણ દોઢ લાખ રુપીયાનું આ યુવકે તેના મિત્ર સાથે મળીને ચીટિંગ કર્યું હોવાની વાત સામે આવતા હોસ્પિટલ રોડથી ઉઠાવી લીધો હતો. આ અંગે બી ડિવિજન પી.આઈ. કે. સી. વાઘેલા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, બે આરોપીને દબોચી લેવાયા છે જયોર અન્ય તેની સાથે ત્રણેક આરોપી છે અને અપહરણનો બનાવ દોઢ લાખ રુપીયા જેટલી રકમની ચીટિંગમાં બન્યો હોવાનુ ઉમેર્યું હતું.

ચીટરો પૈસા પરત આપે તે સાંભળ્યુ પણ હવે તો અપહરણ થવા લાગ્યા

બે વર્ષ પુર્વે મોટાભાઈનું અપહરણ થયા બાદ ગઈકાલે નાના ભાઈનું અપહરણ થઈ ગયું હતું, બંને બનાવ પાછળ સસ્તા સોનાની ચીટિંગમાં થયેલી ઠગાઈ મુળભુત કારણ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. અગાઉ ચીટરોના ઘરે ભોગ બનનાર આવીને બેસી જઈ ધામા નાખી પૈસા પરત લેવાનો પ્રયાસ કરતા હતા. આમ ચીટરો પૈસા પરત આપતા હતા તે જુની વાત થઈ ગઈ છે અને હવે ચીટરોના અપહરણ થવાનું શરુ થયું છે. મોટાભાઈ સાથે થયેલી ઘટનાનું પુનરાવર્તન થયું હતું.