હરોડાની યુવતીનો ફોટો એડીટ કરી બે શખ્સોએ ફેસબુકમાં અપલોડ કર્યો

યુવતિના પિતાએ બન્ને શખ્સોને ફોટો અપલોડ કર્યા બાબતે પુછતા ઉશ્કેરાયેલા આરોપીઓએ જાનથી મારી નાખવાની આપી ધમકી

(ક્રાઈમ પ્રતિનિધિ)દયાપર : લખપત તાલુકાના હરોડામાં રહેતી યુવતીના ફોટાને એડિટ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો. યુવતિના પિતાએ આ અંગે આરોપી યુવકોને પુછતા ઉશ્કેરાયેલા બન્ને શખ્સોએ ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવને પગલે નરા પોલીસ મથકે ફોજદારી ફરિયાદ નોંધાઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ભોગગ્રસ્ત યુવતીના પિતાએ આરોપી શરીફ દીનમામદ મંધરા અને અનવર મામદ મંધરા વિરૂદ્ધ આઈટી એકટ સહિતની કલમો તળે નરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે નરા પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓએ ફરિયાદીની દિકરીના ફોટોને એડિટ કરીને પોતાના ફોટો સાથે ફરિયાદીની દિકરીનો ફોટો જોડી ફેસબુક
એકાઉન્ટની વોલ અને સ્ટેટસ પર અપલોડ કરાયો હતો. આરોપી શરીફે યુવતી સાથે પોતાનો ફોટો એડીટ કરીને સેટ કર્યો હતો અને તે ફોટો બન્ને આરોપીઓએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ બાબતે ફરિયાદીએ આરોપીઓને આ ફોટો કેમ અપલોડ કર્યો છે તે બાબતે પુછતા બન્ને આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ ભૂંડી ગાળો આપી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવને પગલે નરા પોલીસ મથકે ગુનો નોંધાતા નખત્રાણાના સીપીઆઈ દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ છે.