પાલારા જેલમાં પાકા કામના બે કેદી બાખડયા : એક ઘવાયો

0
39

મોબાઈલ, તમાકુ પકડાયા બાદ હવે મારામારીની ઘટના સામે આવી

ભુજ : પાલારા જેલ ખાતે ડીજી સ્કવોડની ટુકડી દ્વારા આકસ્મિક ચેકિંગ દરમિયાન અવાર નવાર મોબાઈલ, સીમકાર્ડ પકડવામાં આવતા હોય છે ત્યારે હવે જેલમાં બે પાકા કામના કેદી ઝઘડયા હોવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં રસોઈ ઘરના વોર્ડર તરીકે કામ કરતા કેદીને સ્ટોરની ચાવી આપવા બાબતે મારામારી થતા એક કેદીને ઈજાઓ થતા સારવાર માટે ભુજની હોસ્પિટલમાં ખસેડાયો હતો. ગઈકાલે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં પાકા કામના કેદી અને રસોઈ ઘરના વોર્ડર તાજમામદ શકુરભાઈ સમા (ઉ.વ.પ૮)ની અન્ય પાકા કામના કેદી મેહુલ જગદીશભાઈ નાયકા સાથે બોલાચાલી થઈ હતી. રસોઈ ઘરના સ્ટોરમાં રાખેલા ચા-પતી અને ખાંડ માટે સ્ટોરની ચાવી આપવા બાબતે બોલાચાલી થતા મેહુલે તેની પાસે રહેલો ચમચો જમણા હાથના ભાગમાં મારતા ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચી હતી, જેથી સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે બી ડિવિજન પોલીસે ગુનો નોંધ્યો હતો. નોંધનીય છે કે, પાલારા જેલ મોબાઈલ, સીમકાર્ડ સહિતના મુદ્દે અવાર નવાર ચર્ચામાં રહેતી હોય છે ત્યારે હવે બે પાકા કામના કેદીઓ વચ્ચે ઝઘડો થયાનો બનાવ સામે આવતા ફરી ચર્ચામાં આવી છે.