હનીટ્રેપ કેસમાં આરોપી મહિલાના બે દિવસના રિમાન્ડ મંજૂર

0
55

ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવા સાથે આરોપીઓની સંડોવણી સહિતની ભૂમિકાઓ ઓકાવાશે : કુલ્લ ૮ આરોપીઓ સામે થયેલી ફરિયાદમાં એક માત્ર બિલ્ડર બાદ મહિલા ઝડપાઈ અન્ય છ ઈસમો કયાં નાસ્તા ફરે છે તેની કડી પણ મેળવાશે : મહિલાના રિમાન્ડ દરમ્યાન અન્ય નામો ખુલે તેવી વકી

ભુજ : આદિપુરના ફાયનાન્સરને હનીટ્રેપની જાળમાં ફસાવીને રૂા. ૧૦ કરોડની ખંડણી માંગવાના ચકચારી કેસમાં સર્વ પ્રથમ ભુજના બીલ્ડર વિનય રેલોનની ધરપકડ બાદ પાલારા જેલમાં ધકેલી દેવાયો અને તેણે ભુજ સેશન્સ કોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટે અન્ય આરોપીઓ હજુય ફરાર હોઈ તેના જામીન ફગાવી દીધા હતા, ત્યારે સુરતથી ઝડપાયેલી મુખ્ય સુત્રધાર મહિલા આશા ઘોરીને આજે રિમાન્ડની માંગ સાથે ભુજની કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેના બે દિવસના રિમાન્ડ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે.આ અંગેની વિગતો મુજબ ચકચારી હનીટ્રેપ કેસમાં ભુજ એલસીબીએ સુરતથી આ ગુનામાં મુખ્ય આરોપી તરીકે દર્શાવેલ આશા ઘોરીની અટકાયત કરી હતી. ગુનો દાખલ થયા બાદ આરોપી મહિલા અલગ અલગ સ્થળોએ નાસતી ફરતી હતી, જેને મહા મહેનતે પકડી લીધા બાદ સત્તાવાર રીતે અટક કરવામાં આવી અને આજે સવારે અગીયાર વાગ્યે ભુજની કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કરવામાં આવી હતી. જયાં કોર્ટે ગુનાની ગંભીરતા તેમજ હજુ પણ અન્ય આરોપીઓ ફરાર છે તેની ભૂમિકા સ્પષ્ટ કરવા અને આ કેસમાં મહિલાએ જ સામેથી મેસેજ કરીને ફાયનાન્સરને હોટલમાં બોલાવી વીડિયો ઉતાર્યો હોઈ પ્રથમ દ્રષ્ટિએ તેની સંડોવણી વધુ જણાતી હોવાથી તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, જે દરમ્યાન ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવા સાથે આ કેસમાં દર્શાવેલા હજુય છ આરોપીઓ કયાં નાસતા ફરે છે. હનીટ્રેપમાં ફસાવવા માટે કોણે કહેલું ? કેટલા રૂપિયાની લાલચ અપાઈ હતી ? પ્રથમ સંપર્ક કોણે કર્યો ? અગાઉ કોઈને હનીટ્રેપમાં ફસાવ્યો છે કે કેમ ? તે સહિતની બાબતો અંગે એલસીબી દ્વારા તપાસ કરવામાં આવશે. સુત્રો જણાવે છે કે, જો તટસ્થ તપાસ થશે તો અનેક મોટા માથાઓના પગ તળે રેલો આવવાની સંપૂર્ણ સંભાવના છે પણ આ શક્યતા જો અને તો ના સિદ્ધાંત પર આધારીત છે.