વડોદરાની અઢી કરોડની દાગીના ચોરીમાં :ભુજ કનેકશનમાં નવા ઘટસ્ફોટ

  • પશ્ચિમ કચ્છ એલસીબીની સતર્કતા સરાહનીય

વોન્ટેડ આરોપીએ ભુજમાં એક સોનીને ચોરાઉ સોનું વેચ્યું હતું, આરોપીનો કબ્જો ફતેગંજ પોલીસને સોંપાયા બાદ તપાસનીશ દ્વારા આ દિશામાં કરાશે કાર્યવાહી : એચ.એમ. ગોહિલ (પીએસઆઈ એલસીબી)

ભુજની બજારમાં ચોરાઉ સોનું વેચવા આવેલો અમદાવાદનો ગુંડો ઝડપાતા સમગ્ર કાંડમાં થશે સનસની ખેજ વધુ ખુલાશા : ચોરાઉ સોનુ ખરીદતા ભુજ સહિતના કચ્છના ચીટર તત્ત્વોમાં ફેલાયો ફફડાટ : છારાનગરનો કુખ્યાત ગુંડો ભુજમાંથી ચોરાઉ સોના સાથે ઝડપાતા હવે થશે કંઈક ખુલાસા

ભુજ : તાજેતરમાં વડોદરામાં રાજકોટના સોની વેપારીની પાર્ક કરેલી કારમાંથી ર.પ૩ કરોડ રૂપિયાના સોનાના આભૂષણો ચોરાયા હતા. જે પ્રકરણમાં અમદાવાદના છારાનગરની ટૂકડી સંડોવાયેલી હોવાની માહિતી સામે આવી હતી. જે કેસની તપાસમાં ચોરાયેલું સોનું ભુજની બજારમાં વેચાયું હોવાનું સામે આવતા એલસીબીએ ભુજમાં ચોરાઉ આભૂષણો વેચવા આવેલા ઈસમને દબોચી લઈ કુખ્યાત આરોપીને કાયદાના સકંજામાં લેતા આ કેસમાં હવે નવા ઘટસ્ફોટ થવા પામી રહ્યા છે, તો ભુજમાં ચોરાઉ સોનુ ખરીદતા ચિટર તત્ત્વોમાં પણ ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
આ અંગેની વિગતો મુજબ વડોદરા શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા છાણી જકાત નાકા પાસે રાજકોટના સોની વેપારીની કારનો કાચ તોડી તેની ડેકીમાં રહેલી બે બેગોમાંથી સોનાના અંદાજે બેથી અઢી કિલો દાગીનાની ચોરી કરવામાં આવી હતી, જે અનુસંધાને એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એસ.જે. રાણા અને પીએસઆઈ એચ.એમ. ગોહિલના માર્ગદર્શનમાં ટીમ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમીના આધારે ન્યુ સ્ટેશન રોડ પર આવેલ સંકલ્પ હોટલ પાસે ફોર-વ્હીલર કારમાં બેઠેલ ઈસમ સોનાના શંકાસ્પદ દાગીના વેચવાની ફિરાકમાં હોવાની હકિકત મળતાં એલસીબીએ આ ઈસમને દબોચી લીધો હતો. અમદાવાદના કુબેરનગરમાં આવેલા છારાનગરમાં રહેતો કુખ્યાત આરોપી મનીષ ઉર્ફે મનોજ કનૈયાલાલ સેવાણી (સિંધી)ની ધરપકડ કરાઈ હતી. જેની પુછપરછ અને અંગ ઝડતી કરતાં તેની પાસેથી સોનાના દાગીના મળી આવ્યા હતા, પરંતુ તેની પાસે કોઈ આધાર પુરાવા ન હતા. બાદમાં તેના કબ્જાની હ્યુન્ડાઈ કંપનીની એસેન્ટ કાર નંબર જી. જે. ૧ ડબલ્યુઆર ૬૦૯૮ તપાસ કરતા કારમાંથી રોકડા ૩.૮પ લાખ મળી આવ્યા હતા. આરોપીએ કબૂલાત આપી કે વડોદરામાં જે ચોરી થઈ હતી, તેમાં ભાગબટાઈ પેટે પોતાના હિસ્સામાં ૯૦૦ ગ્રામ દાગીના આવ્યા હતા, જે દાગીના ભુજમાં છુટક છુટક વેચ્યા હતા. જેથી આરોપી પાસેથી ૩.૯પ લાખ રોકડા, ૩ મોબાઈલ, સોનાના ૪,૧૩,૬૦૦ની કિંમતના ૮૮ ગ્રામ દાગીના, ૩ લાખની કાર, ઈલેકટ્રીક વજન કાંટો સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. એલસીબીને આ એક મહત્વની સફળતા હાથ લાગી છે.આ વોન્ટેડ ઈસમે ભુજમાં કોને કોને આ ચોરાઉ સોનું વેચ્યું છે, તેની પણ તપાસ થાય તો અનેક લોકોની સંડોવણી ખુલ્લે તેમ છે. આ બાબતે એલસીબીના પીએસઆઈ એચ.એમ. ગોહિલને પુછતા તેઓએ કહ્યું કે, અત્યાર સુધીની તપાસમાં આરોપીએ ભુજમાં એક સોનીને આ ચોરાઉ સોનું વેચ્યું હોવાનું સામે આવ્યું છે. આરોપીનો કબ્જો ફતેગંજ પોલીસને સોંપવામાં આવશે, જેથી તપાસનીશ દ્વારા આ દિશામાં કાર્યવાહી કરવામાં આવશે.

સસ્તા ભાવે કે નકલી સોનાના ખરીદ વેચાણમાં અવાર નવાર ભુજનું નામ મોખરે

ભુજ : સસ્તા ભાવે સોનું લેવું હોય કે કોઈને સસ્તા ભાવે સોનાની લાલચ આપી શીશામાં ઉતારવા હોય, નકલી સોનું કોઈને પધરાવવું હોય, સોનાના નામે છેતરપિંડી કરી લાખો અને કરોડો રૂપિયા પડાવી લેવાના રાજ્ય ભરના ચકચારી બનાવોમાં અવાર નવાર ભુજના ઈસમોની સંડોવણી ખુલતી હોય છે. ભુજના ચીટરો અવાર નવાર સસ્તા સોનાની લાલચ આપી લોકોને મુર્ખ બનાવી રૂપિયા પડાવતા હોય છે. જેના ઢગલા બંધ બનાવો એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. જેનો ભેદ એલસીબી ઉકેલતી હોય છે. તો તાજેતરમાં વિસનગરમાં ખેડૂતને સસ્તા સોનાના નામે પ લાખની ઠગાઈ કરાઈ તેમાં પણ આરોપીઓ ભુજના હતા. ને હવે વડોદરામાં અમદાવાદની ટોળકીએ ચોરેલું સોનું આરોપી ભુજમાં વેચ્યું હોવાની હકિકત સામે આવી છે. જેથી અવાર નવાર ભુજની બદનામી થાય છે.

આરોપી પાલારા સહિત ૬ જેલોમાં પાસાની કાપી ચુકયો છે સજા

ભુજ : ઝડપાયેલ આરોપી મનોજના ગુનાહિત ઈતિહાસની જો વાત કરીએ તો આરોપી સામે પ્રોહિબીશનના ર૧, મિલકત સંબંધીના ૩, શરીર સબંધીના ૧, ફરજમાં રૂકાવટનો ૧ ગુનો અત્યાર સુધી નોંધાઈ ચુકયો છે. તેમજ પાસા હેઠળ આરોપી ૩ વખત પાલારા જેલ, એક -એક વખત રાજકોટ, વડોદરા અને જામનગર જેલમાં સજા કાપી ચુકયો છે. તેમજ આરોપી અમદાવાદ અને ગાંધીનગરના રખિયાલ, એરપોર્ટ, નિકોલ, ચિલોડા પોલીસ સ્ટેશનના અલગ અલગ પાંચ ગુનાઓમાં નાસ્તો ફરતો હતો.

ચોરાઉ સોનુ ખરીદનાર ભુજના વેપારી હિરેનને ઉપાડી પોલીસ કડક રિમાન્ડ લે

ચોરાઉ સોના સાથે ઝડપાયેલ શખ્સે ભુજના જે યુવાનને સોનુ વેચ્યું તેના નિવેદનો – પુછતાછ કરાય તો બાકીના ચોરાઉ સોનુ ખરીદનાર વેપારીઓ સુધી સમગ્ર પ્રકરણનો રેલો પહોંચે

ભુજ : વડોદરાની સનસનીખેજ અઢી કરોડની દાગીના ચોરીના પ્રકરણનો રેલો ભુજ સુધી લંબાયો છે. પશ્ચિમ કચ્છ એલસીબીએ આ લૂંટમાં સંડોવાયેલ આરોપીઓ પૈકીના એકને ભુજના ન્યુ સ્ટેશન રોડ પરથી ઝડપી પાડયો છે, ત્યારે જે નવા ખુલાસાઓ થયા છે તેમાં તપાસનીશો દ્વારા દર્શાવાયેલ માહિતી અનુસાર ઝડપાયેલા કુખ્યાત શખ્સ ભુજના એક વેપારીને સોનુ વેચ્યું હતું. ત્યારે જો પોલીસ આ એક વેપારીને ઉપાડે – અટક કરે અને તેની કડક પુછતાછ કરે તો લાખોના ચોરાઉ સોનુ ખરીદનાર ભુજ સહિતના અન્ય વેપારીઓના પણ નામ આ પ્રકરણમાં ખુલી શકે તેમ છે.

ર૧ લાખનો હવાલો બાપુનગરના આંગડિયાથી થયો

પશ્ચિમ કચ્છ એલસીબીના ઈન્ચાર્જ પી.આઈ. એચ. જે. રાણા તથા પીએસઆઈ એચ. એમ. ગોહિલની ટીમની સમય સતર્કતા અભિનંદનને પાત્ર

ભુજ : શહેરમાંથી એલસીબીએ ચોરાઉ સોના સાથે ઝડપેલ શખ્સના કારનામામાં ગણતરીના સમયમાં મહત્વની કડીબદ્ધ અનેક વિગતો અંકે કરી લીધી છે, જે હવે પછી વડોદરાના ફતેહગંજ પોલીસને ઘણી મદદરૂપ પુરવાર થવા પામી શકે તેમ છે.ભુજમાં ઝડપાયેલ શખ્સ અને તેનાથી ખરીદનારાઓ સહિતના ખુલાસા સાથોસાથ જ નવી વાત એ પણ સામે આવી છે કે, આ પ્રકરણમાં અમદાવાદના બાપુનગરમાં એક આંગડીયા પેઢી મારફતે ર૧ લાખનો હવાલો પણ થવા પામ્યો છે. પોલીસે આ બાબતેની હવાલા કરનાર શખ્સ સહિતનાઓની તસ્વીરી માહિતીઓ પણ અંકે કરી લીધી છે.