માતાનામઢમાં સસલાનો શિકાર કરતા બે આરોપીઓ ઝડપાયા

0
73

દયાપર : લખપત તાલુકાના માતાના મઢમાં ફરી એકવાર સસલાના શિકારની પ્રવૃતિ ઝડપાઈ હતી. રેવન્યૂ વિસ્તારમાં સસલાનો શિકાર કરતા બે આરોપીઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.આરોપીઓ વિરૂદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. મુખ્ય વનસંરક્ષક તેમજ પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વનસંરક્ષક દ્વારા વન્યજીવ શિકારની પ્રવૃતિ અટકાવવા સુચના આપવામાં આવી છે. જે અન્વયે લખપત તાલુકામાં વન્યપ્રાણીઓના શિકાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિને અટકાવવા દયાપર રેન્જના અધિકારી તેમજ સ્થાનિક સ્ટાફ દ્વારા જંગલ વિસ્તારમાં ફેરણાની કામગીરી કરવામાં આવી હતી. જે દરમિયાન બાતમીના આધારે સ્થાનિક વનપાલ તેમજ વનરક્ષક દ્વારા માતાના મઢ વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. જેમાં રેવન્યૂ વિસ્તારમાં સેન્સર તળાવ નજીક એક સસલાનો શિકાર કરતા આરોપી નજીર ઈસ્માઈલ માંજોઠી તેમજ અનીશ મામદ ચાકીને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમના વિરૂદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમજ ૫ હજાર રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. સાથે જ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ સાધનો તેમજ બાઈક સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, અગાઉ પણ આ વિસ્તારમાં પોલીસ અને લોકો દ્વારા સસલાના શિકારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પવિત્ર સ્થાનક માતાનામઢમાં ફરી આવી પ્રવૃતિ ન થાય તે માટે કડક પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.