વિધાનસભાના પ્રિસાઈડીંગ અને પોલિંગ ઓફિસરોને અપાઈ તાલીમ

0
54

કચ્છના ૬ મત વિસ્તારમાં ચૂંટણી ફરજના અધિકારીઓને થીયરી અને પ્રેક્ટિકલ તાલીમ અપાઈ : આવતીકાલે મહિલાકર્મીઓને અપાશે માર્ગદર્શન

ગાંધીધામ:  કચ્છની ૬ વિધાનસભા બેઠકો પર આગામી તા.૧લી ડિસેમ્બરના મતદાન થશે. ચૂંટણી પ્રક્રિયા માટે જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જેના ભાગરૂપે આજે અને આવતીકાલે મતદાનની કામદારી સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે.

વિધાનસભા ચૂંટણી માટે કચ્છની ૬ બેઠકો માટે ૧૦,પ૦૦ કર્મીઓને ફરજના આદેશ અપાઈ ગયા છે. પોલિંગ સ્ટાફ માટે બે દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રિસાઈડીંગ ઓફિસરો અને પોલિંગ સ્ટાફને ચૂંટણીલક્ષી કામગીરી માટે તમામ મટીરીયલ અને સિસ્ટમને ઓપરેટ કરવાની તાલીમ આપવામાં આવી છે. તાલીમમાં પ્રથમ થીયરીકલ માર્ગદર્શન બાદ પ્રેક્ટિકલ માર્ગદર્શન પણ આપવામાં આવશે. ભુજમાં આજે આર.ડી.વરસાણી હાઈસ્કૂલ ખાતે ૪પ૦ પ્રિસાઈડીંગ અને પોલીંગ ઓફિસરોને તાલીમ અપાઈ હતી. જ્યારે આવતીકાલે મહિલા પોલીંગ સ્ટાફને તાલીમબદ્ધ કરવામાં આવશે. મદદનીશ કલેક્ટર અતીરાગ ચાપલોત, કલ્પનાબેન, વી.આર.બારટ વગેરે વહીવટી અધિકારીઓએ પોલીંગ સ્ટાફને માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

ગાંધીધામમાં બાબા સાહેબ આંબેડક્ટર કન્વેસન હોલ ખાતે તાલીમ અપાઈ હતી. ચૂંટણી અધિકારી ડો. મેહુલકુમાર બરાસરા, મદદનીશ ચૂંટણી અધિકારી ભગીરથસિંહ ઝાલા સહિત વહીવટી અધિકારીઓએ ઈવીએમ અને પોલીંગ પ્રક્રિયાની સમજ આપી હતી.

અબડાસા મત વિસ્તાર માટે નલિયા-માંડવી રોડ પર હોથીવાંઢ ખાતે આવેલા મરીન કમાન્ડો સેન્ટર, અંજારમાં કે.કે.એમ.એસ. ગર્લ્સ હાઈસ્કૂલ, માંડવીમાં સરકારી વિજ્ઞાન કોલેજ અને રાપરમાં ટાઉન હોલમાં તાલીમ આપવામાં આવી હતી.