ખાવડાના અબલારઈ તળાવમાં ડૂબી જતા ૧પ વર્ષિય તરૂણીનું કરૂણ મોત

કપડા ધોવા ગયેલી તરૂણીનો અકસ્માતે પગ લપસતા તળાવના ઉંડા પાણીમાં ઘરકાવ કરી જતા મૃત્યુ

ભુજ : તાલુકાના ખાવડા પચ્છમના કકર વિસ્તારમાં આવેલા તળાવમાં કપડા ધોવા ગયેલી તરૂણી ડૂબી જતા મોતને ભેટી હતી. ૧પ વર્ષિય તરૂણીનો પગ અકસ્માતે લપસી જતા તળાવના ઉંડા પાણીમાં ઘરકાવ થઈને ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ ખાવડા પોલીસ મથકે નિઝામ સલમ સુમરાએ અકસ્માત મોતનો ગુનો દાખલ કરાવ્યો હતો. જેના આધારે પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, ખાવડાના કકર વિસ્તારમાં આવેલા અબલારઈ તળાવમાં ડૂબી જવાથી હમીદબાઈ આમદ મોબીન સુમરા નામની ૧પ વર્ષિય તરૂણીનું મોત નિપજ્યું હતું. ગત બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં તરૂણી અબલારઈ તળાવ પર કપડા ધોવા ગઈ હતી તે દરમિયાન અકસ્માતે પગ લપસી જતા તે તળાવના ઉંડા પાણીમાં ઘરકાવ થઈ ગઈ હતી. તરૂણીનું અકાળે મોત નિપજ્તા પરીવારજનોમાં માતમ છવાયો હતો. બનાવને પગલે ખાવડા પોલીસે અકસ્માત-મોતનો મામલો દર્જ કરતા પીએસઆઈ જે.પી. સોઢાએ આગળની તપાસ હાથ ધરી છે.