સૂરજબારી પુલ પાસે કરૂણતા : ધણ પર એસટી ફરી વળતાં ૧૦૦થી વધુ ઘેટા બકરાના મોત

0
41

હાઈવે માર્ગ પશુઓના માસ અને લોહીથી તરબતર : નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ પણ થયો : માલધારી પર આભ ફાટી પડયું

ભચાઉ : પૂર્વ કચ્છના નેશનલ હાઈવે પર અવાર નવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે, પરંંતુ આજે સવારે જે ઘટના બની તેણે લોકોને હચમચાવી નાખ્યા છે. કારણ કે એસટી બસે પશુઓના ધણને ટક્કર મારી એક સાથે ૧૦૦થી વધુ ઘેટા બકરા પર બસના ટાયર ચડાવી દેતાં નેશનલ હાઈવે લોહી અને પશુઓના માસથી તરબતર બની ગયો હતો.
જાણવા મળતી વિગતો મુજબ આજે સવારે સૂરજબારી પુલ પાસે ઘટના બની હતી. એસટીની પાવાગઢ રૂટની ડીલક્ષ એક્સપ્રેસ બસ જાંબુઆથી દાહોદ થઈ ભુજ તરફ આવતી હતી, ત્યારે તેના ચાલકે કાબૂ ગુમાવતા પશુઓના ધણ પરથી એસટીના પૈડા ફરી વળ્યા હતા. જેના કારણે અબોલા પશુઓ મોતને ભેટ્યા હતા. એક સાથે ૧૦૦થી વધુ ઘેટા બકરાના મોત થતાં જીવદયા પ્રેમીઓમાં અરેરાટી છવાઈ જવા પામી હતી. અને રોષ પણ ફેલાયો હતો. કચ્છના પ્રવેશદ્વાર સમા સૂરજબારી પાસે બનેલી ઘટનાથી માલધારી પરિવાર પર આભ ફાટી પડ્યું છે. બનાવને પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ પણ સર્જાવા પામ્યો હતો.