નખત્રાણા સીમની ૧૧.૩ર લાખની ત્રણ કેબલ ચોરી મહિનાઓ પછી પોલીસ ચોપડે ચડી

0
27

રામપર રોહા ગામે ૧લી જૂનના તેમજ બેરૂ રોડ અને સણોસરામાંથી ૧૧ કેવી લાઈનમાંથી ઓગસ્ટ માસમાં ચોરી થઈ

નખત્રાણા : તાલુકાના સીમાડામાં અવાર નવાર કેબલ ચોરીના બનાવ સામે આવતા હોય છે ત્યારે જૂન અને ઓગસ્ટ માસની કેબલ ચોરીના બનાવ ચાર માસ બાદ હવે પોલીસ ચોપડે નોંધાયા છે. ૧૧.૩ર લાખની કેબલ ચોરીના ત્રણ બનાવ એક જ દિવસે પોલીસ મથકે નોંધાયા હતા.

નખત્રાણા તાલુકાના બેરૂ ગામેથી વ્યાર જતા રોડ પર વ્યાર સીમમાં આવેલા ગત ચાર ઓગસ્ટથી પાંચ ઓગસ્ટના એક દિવસના સમયગાળામાં વીવીયાના કંપનીના રર૦ કેવી વીજ લાઈનના થાંભલા નંબર ત્રણ-ચાર વચ્ચેના એલ્યુમિનિયમ વાયર આઠ ટન કિંમત રૂપીયા આઠ લાખના કેબલ કોઈ અજાણયા ઈસમો કોઈ સાધન વડે કાપીની ચોરી ગયા હતા. જે અંગે કંપનીના મેનેજર નિતેશસીંગ સંજયસીંગ (ઉ.વ.ર૩, રહે. મણીનગર, નખત્રાણા)વાળાએ નખત્રાણા પોલીસ મથકે અજાણયા ઈસમો સામે આઠ લાખના કેબલ વાયર કાપીને ચોરી ગયાની ફોજદારી નોંધાવી હતી.

બીજીતરફ નખત્રાણાના રામપર રોહાથી વ્યાર જતા રોડ પર સીમમાંથી ગત ૧ જુનના રોજ વિન્સોલ કંપનીના એલ્યુમિનિયમના ચાર કિલોમીટરના વાયર ચોરાઈ ગયા હતા. ચેતનભાઈ રામજીભાઈ શીંગડીયા (રહે. વીરાણી)વાળાએ અજાણયા ઈસમો સામે કંપની દ્વારા ઉભા કરાયેલા વીજ પોલમાંથી ૩૩ કેવી વીજલાઈન ચાર કિમી આશરે ત્રણ ટન વજન કિંમત ત્રણ લાખ રુપીયાના વાયર કોઈ અજાણયા ઈસમ ચોરી ગયા હતા.

તો દેશલવર વાંઢાય પીજીવીસીએલ સબ સ્ટેશનમાં છેલ્લા ૧૧ વર્ષથી નોકરી કરતા કૈલાશકુમાર મરતાજી ડામોર (ઉ.વ.૪૬)એ નોંધાવેલી ફરિયાદ મુજબ ગંગોણ ગામની ઉગમણી બાજુએ પીજીવીસીએલના ૧૧ કેવી વાયર પસાર થાય છે. ગત ૧લી ઓગસ્ટના રોજ બોલેરો ગાડીથી પેટ્રોલીંગમાં હતા ત્યારે નાની ગંગોણ ગામે આવતા સણોસરા લાઈનના થાંભલાઓ પર વાયર જોવામાં આવ્યા ન હતા. આમ ૧૧ કેવી ૧૧૩ મીટર કેબલ વાયર કિંમત ૩ર૮૪ર રુપીયાના એલ્યુમિનિયમના વાયર કોઈ અજાણયા ઈસમ ચોરી જતા ફોજદારી નોંધાવી હતી.