આદિપુરના કોન્ટ્રાક્ટરને ધમકી, પૈસા આપ નહીંતર મારી નાખશું

0
269

પોતાને અંજારનો ડોન લેખાવતા શખ્સે રિવોલ્વર સાથે રાખીને ડરાવવાનો કર્યો પ્રયાસ : છેલ્લા ત્રણ મહિનાથી ફોન કરી પીછો કરી કરવામાં આવતી હતી પજવણી

ગાંધીધામ : હું અંજારનો ડોન છું અને મને રૂપિયા આપો નહીં તો તમને જાનથી મારી નાખશું તેવી ધમકીઓ આપીને આદિપુરના કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા પડાવવાનો કારસો રચતા અંજારના બે શખ્સો સામે ફોજદારી ફરિયાદ નોંધવામાં આવી છે. આદિપુરમાં રહેતા અને કન્ટ્રકશનનો વ્યવસાય કરતા યોગેશ ભીમજીભાઈ વાણિયાએ જણાવ્યું હતું કે, તેઓ સરસ્વતી કન્ટ્રકશનના નામે સરકારી કામો જેવા કે, રોડ અને કેનાલ બાંધકામનું કામ કરે છે. આજથી ત્રણ મહિના પહેલાં સમાજના અંજારના કૌશલ જગદીશ વાણિયા (સોરઠિયા) અને જગદીશ ધનજી બલદાણીયાએ પિતા ભીમજીભાઈને ફોન કરીને ગેરકાયદે રીતે રૂપિયાની માંગણી કરી હતી. પણ રૂપિયા અપાયા ન હતા. જેથી અવાર-નવાર આ બે જણા ફોન કરીને ગાળાગાળી કરી રૂપિયા ન આપો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં ફરિયાદી અંતરજાળ-શિણાય સીમ વિસ્તારમાં આવેલા કુળદેવતા જેમલ દાદાના સ્થાનકે પરિવાર સાથે ગયા ત્યારે કૌશલે ભીમજીભાઈને ફરી કહ્યું કે, મેં ફોન કરીને રૂપિયા માંગ્યા છતા કેમ આપ્યા નથી અને ગાળો આપી હાથાપાઈ કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન આરોપી કૌશલે ફરિયાદીના સસરા વાલજીભાઈ રામજીભાઈ વાઘમશી કે જેઓ યોગેશ્વર ચાર રસ્તા પાસે રહે છે તેમના ઘરે જઈને દીકરા ભાવિક સાથે ગાળા ગાળી કરી ભીમજીભાઈને કહે જો કોઈપણ ભોગે મને રૂપિયા આપે નહીંતર તમને પણ હું હેરાન કરીશ નાખીશ તેવી ધમકી આપી હતી. ર૬/૧૦ના ફરિયાદી સસરાના ઘરે પોતાની મર્સિડીઝ કાર લઈને ગયા એ દરમિયાન પાછળ કૌશલ સોરઠિયા પોતાની હ્યુન્ડાઈ ક્રેટા કાર લઈને પીછો કરતો હતો અને ફરિયાદીને ભયમાં મુક્યા હતા. કૌશલે ફરિયાદીના પિતા સાથેતેના ભાઈને પણ ફોન કરીને કહ્યું કે, હું અંજારનું ડોન છું તેમને જોઈ લઈશ. જેથી આરોપીએ ગેરકાયદે પૈસા ઉઘરાવવા માટે વારંવાર ફોન કરી ધાકધમકી કરી ગાડીનો પીછો કરી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. વધુમાં જણાવાયું કે, આ કૌશલ સોરઠિયા રિવોલ્વર સાથે લટકાવીને ફરતો હતો. જેથી બન્ને શખ્સો સામે ફરિયાદ દાખલ થતા પીએસઆઈ બી.વી. ચૂડાસમાએ આગળની તપાસ હાથ ધરી છે.