હાજીપીર દાદાના લાખો શ્રદ્ધાળુ અને આસપાસના ગામો તેમજ મીઠા ઉદ્યોગ માટે આ માર્ગ બહુ ઉપયોગી બનશે – વિધાનસભા અધ્યક્ષાશ્રી ડૉ.નીમાબેન આચાર્ય

0
34

રુ. ૩૧.૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા હાજીપીર-દેશલપર રોડનું ખાતમુર્હત કરાયું.

પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ હાજીપીરના શ્રદ્ધાધામ હાજીપીર ગામે વિધાનસભા અધ્યક્ષાશ્રી ડૉ.નીમાબેન આચાર્યે રુ. ૩૧.૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા ૧૬ કિલોમીટરના દેશલપર-હાજીપીર રોડનું આજરોજ ખાતમુર્હત ખાતે કર્યું હતું.

ભુજ તાલુકાના ઢોરોથી હાજીપીર ગામ વચ્ચે હયાત ૩.૭૫ મીટર માંથી સાત મીટર પહોળા અને રીસર્ફેસિંગ થનાર આ માર્ગથી પવિત્ર હાજીપીર યાત્રાધામમાં રાજ્યભરમાંથી આવનારા લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે ત્યારે આ માર્ગ શ્રદ્ધાળુઓ માટે તેમજ ઢોર,લુડબાઈ હાજીપીર ગામના ૩૦૦૦ ઉપરાંત રહેવાસી લોકોને ઉપયોગી બનશે. આ માર્ગ નિર્માણથી આ માર્ગ પર આવેલી મીઠાની કંપનીઓના અંદાજે ૫૦૦ થી ૬૦૦ ભારે વાહનોની વહનક્ષમતાને ખમી શકે તેવો માર્ગ નિર્માણ થતાં પરિવહન સરળ બનશે, એમ વિધાનસભા અધ્યક્ષાશ્રી ડૉ.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું.

બન્નીને રેવન્યુ વિલેજ અપાવવા માટે સરકારના પ્રયાસો ચાલી રહ્યા છે. સ્થાનિકોના જીવનમાં સુખ સુવિધાઓ વધે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. આજે હોડકો ખાતે રુ.૩૫૮.૩૧ લાખના ખર્ચે આ વિસ્તારના વિવિધ રસ્તાના ખાતમુહૂત પણ કરાયું છે એમ વિધાનસભા અધ્યક્ષાશ્રી ડૉ. નીમાબેન આચાર્યએ વધુમાં જણાવ્યું હતું.

વિધાનસભા અધ્યક્ષાશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારના વિકાસ સાથે સરકાર અહીંના લોકો માટે પ્રાથમિક સુખ- સુવિધાઓ વધે તે માટે પણ સતત પ્રયત્નશીલ છે. નર્મદાના પાણી અહીં સુધી પહોંચાડવા સરકાર પ્રયત્નો કરે છે જે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દૂરદ્રષ્ટિ આભારી છે.

આ પ્રસંગે અબડાસાના ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દાદા હાજીપીરના આર્શિવાદ અને દુવાઓથી લાખો શ્રદ્ધાળુઓ સુખી થાય છે. સ્થાનિકો અને સરકાર સુધીના તમામ સ્તરે જન કલ્યાણના કામો થઈ રહ્યાં છે. જેના ભાગરૂપે આજે થયેલાં માર્ગ ખાતમુહૂર્તથી હાજીપીર, નરા, લુડબાય ગ્રામજનોને તેમજ દાદાનાં શ્રદ્ધાળુઓની સુગમતા વધશે. અહીંના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો વિકાસ થઈ રહ્યો છે. મીઠાના વ્યવસાયની સાથે અહીં પ્રવાસન સરળતા વધતા રોજગારીમાં પણ વધારો થવા માટે રોડ કનેક્ટિવિટી ખૂબ જરૂરીયાત છે, જે અંતર્ગત સરકાર અહીં કરોડો રૂપિયા ફાળવીને રસ્તાઓ બનાવવા માટે કામગીરી કરી રહી છે.

આ પ્રસંગે અધ્યક્ષાશ્રી તેમજ ઉપસ્થિત મહેમાનોનું ગ્રામજનો તથા વિવિધ સમાજના આગેવાનશ્રીઓ દ્વારા ભાવભેર શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન અગ્રણીશ્રી રાજુભાઇ સરદારે તેમજ આભારવિધિ ફકીર મામદ ચુનરાએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન ડૉ. ઉમેશ આચાર્યે કર્યું હતું.

આ કાર્યક્રમમાં આગેવાન સર્વશ્રી જીલ્લા પંચાયત સદસ્યશ્રી દામજીભાઈ ચાડ, તાલુકા પંચાયત સદસ્યશ્રી અબ્દુલ્લાભાઈ, સરપંચશ્રી હાજી ઇસ્માઈલ, હાજી અબ્બાસ, હાજીયાની કુલસમ, જેનાબાઈ ભચાયા, ફકીર મામદ, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી કે. બી.નાઈ, રતિફ મુંજાવર, જયેશભાઈ ભાનુશાલી, ફકીર મામદ, રમજાનભાઇ , ગ્રામજનો, માછીમાર અને માલધારી સહિતના અગ્રણીઓ, ગ્રામજનો હાજર રહ્યા હતા.