હોટલમાં જુગાર રમતા ૧૩ શખ્સો લાખેણી ગાડીઓ સાથે પોલીસ પાંજરે પુરાયા

શેખપીર-ભચાઉ હાઈવે પર આવેલી નિલકંઠ હોટલમાં રૂમ ભાડે રાખી ખેલીઓ અજમાવતા હતા નસીબ : શિક્ષક, દલાલો, વેપારીઓ સહિતના જુગારીઓ ૬.૬૧ લાખની રોકડ સાથે રંગેહાથ ઝડપાયા : ભુજ-અંજાર અને ગાંધીધામ તાલુકામાંથી આવેલા ખેલીઓનું રાતોરાત લખપતિ બનવાનું સ્વપ્ન રોળાયું : ગ્રીન અને બ્લૂ ટોકન આપી રમાતો હતો ખેલ

ભુજ : હજી તો શ્રાવણ મહિનો આવ્યો નથી ત્યાં કચ્છમાં ઠેર-ઠેર જુગારના પડ જામી ચૂક્યા છે. જુગારના નાના-નાના દરોડા તો ઠીક રહ્યા, પરંતુ હવે મોટી જુગાર કલબો પણ પકડાઈ રહી છે. ભૂતકાળમાં પધ્ધર પોલીસ સ્ટેશનના શેખપીર વિસ્તારમાં હરતી-ફરતી જુગાર ક્લબો ઝડપાઈ ચૂકી છે. ત્યારે એલસીબીને વધુ એક સફળતા મળી છે. કારણ કે, ફરી એક વખત પધ્ધર પોલીસ સ્ટેશનના જ વિસ્તારમાંથી જુગાર કલબ ઝડપાઈ છે. આ વખતે એલસીબીએ શેખપીર ભચાઉ હાઈવે પર આવેલી નીલકંઠ હોટલમાંથી ૧૩ ખેલીઓને લાખેણી ગાડીઓ સહિત ૩૧ લાખના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે.લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઈન્ચાર્જ પીઆઈ એસ.જે.રાણા અને પીએસઆઈ એચ.એમ.ગોહિલને બાતમી મળી હતી કે, ભુજ તાલુકાના મમુઆરા ગામ ખાતે રહેતો રમેશ વાલજી જાટીયા (આહિર) શેખપર-ભચાઉ હાઈવે પર આવેલી નીલકંઠ હોટલમાં રૂમો ભાડે રાખી રૂમમાં બહારથી ખેલીઓ બોલાવી નાલ ઉઘરાવી પૈસાની હારજીતનો જુગાર રમાડે છે. જેથી એલસીબીએ વર્કઆઉટ કરી હોટલમાં આવેલા રૂમ નં.૧૦૪મા દરોડો પાડી ખેલીઓને હાર જીતનો જુગાર રમતા પકડી પાડ્યા હતા. જમીન લે-વેચ, આરટીઓ એજન્ટ, વાહનોના એજન્ટ, શિક્ષક, ખેડૂત, વેપારીઓ તેમજ પ્રાઈવેટ નોકરી કરતા ખેલીઓ જુગાર રમતા પકડાઈ ગયા હતા. ખેલીઓ પાસેથી કુલ રોકડા રૂા.૬,૬૧,પ૦૦ રોકડા કબજે કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ર૩.પ૦ લાખની કિંમતના ફોર વ્હીલર અને ટુવ્હીલર મળી ૭ વાહનો કબજે કરાયા હતા. તેમજ ગ્રીન અને બ્લૂ કલરના ૩૯૯ ટોકન, ૮૧ હજારની કિંમતના ૧પ મોબાઈલ, ગંજીપાના, હિસાબ માટેની નોટબૂક સહિત કુલ રૂા.૩૦,૯ર,પ૦૦નું મુદ્દામાલ એલસીબીએ કબજે કરી આરોપીઓ વિરૂદ્ધ પધ્ધર પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો. જુગાર રમતા ખેલીઓએ કોવિડની એસઓપીનું પાલન ન કર્યું હોવાથી અલગથી ડિજાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ પણ ગુનો નોંધાવાયો હતો.