ડેન્ગ્યુના અટકાયત માટે ધ્યાનમાં લેવાની બાબતો

0
53

વરસાદ બંધ થયા બાદ છોડના કુંડામાં જમા રહેતું પાણી ખાલી કરવું અત્યંત આવશ્યક

ડેન્ગ્યુ એ વાઇરસથી થતો અને મચ્છરથી ફેલાતો રોગ છે. ડેન્ગ્યુના મચ્છર (એડિસ) ચોખ્ખા પાણીમાં ઘરની અંદર રહેલા નાના નાના પાત્રોમાં ઇંડાં મૂકે છે. જે ૭થી ૧૦ દિવસમાં મચ્છર બને છે અને જો કરડે તો ડેન્ગ્યુ થાય છે. તેથી ઘરમાં કે કાર્ય સ્થળે દુકાન/કારખાના/ઓફિસમાં તેમજ આસપાસમાં ચોખ્ખું પાણી ભરાતું હોય તો તે અટકાવવું જોઇએ. એડિસ મચ્છર ચોખ્ખા પાણીમાં ઇંડા મુક્યા બાદ તેના પોરા પાણીમાં ખૂણો બનાવીને જાણે ઊંધે માથે લટકતી સ્થિતિમાં તરે છે. તેને નરી આખે જોઇ શકાય છે. આ મચ્છર “ટાઇગર મચ્છર” તરીકે જાણીતો છે. રંગ કાળો અને શરીરના પૃષ્ઠ ભાગ પર સફેદ અને કાળા રંગના ચટપટા ધરાવે છે. અને એ જો મચ્છર ચેપી હોય તો ડેન્ગ્યુનો રોગ ફેલાવે છે. જ્યાં ઉત્પન્ન થાય છે. ત્યાં જ રોગ ફેલાવે છે. તેની ઉડયન ક્ષમતા ઓછી, ૧૦૦ મીટર જેટલી જ હોવાથી આ મચ્છર ઘર કે કાર્ય સ્થળે પાણીના સંગ્રહસ્થાનોમાં ઈંડા મુકતા જોવા મળે છે. મચ્છર કરડયા બાદ વાઇરસ દાખલ થયા પછી સાતથી દસ દિવસમાં ડેન્ગ્યુના લક્ષણો દેખાય છે.

સિમેન્ટની ટાંકી, સીડી નીચેની ટાંકી, સિન્ટેક્સ ટાંકી, બેરલ, પીપ, ટાયર, ડબ્બા ડુબ્લી વગેરે ભંગાર, પક્ષીકુંજ, છોડના કુંડા તેની નીચે રાખેલી પ્લેટ, ફ્રીઝની પાછળની ટ્રે, માટલા, સુશોભન માટેના ફુવારા,અગાસી, છજ્જામાં જમા થતું વરસાદી પાણી,વરસાદ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડીસ મચ્છર ઈંડા મુકે છે. આવી જગ્યાએ મચ્છર પેદા થઇ શકે છે.

પાણી સંગ્રહ કરવાના તમામ પાત્રો હવાચુસ્ત બંધ રાખવા જોઇએ. નળની કુંડીમાં પાણી ગયા બાદ સાવ કોરી કરી સાફ કરવી જોઇએ. ફ્રીઝની પાછળની ટ્રે ,વોટર કુલર,એર કુલર દર ત્રીજા દી’એ સાફ કરવા. વરસાદ બંધ થયા બાદ છોડના કુંડા/ તેની નીચે રાખેલી પ્લેટમાં રહેતું પાણી ખાલી કરવું. બિનજરૂરી પક્ષીકુંજ ભરવા નહીં, અંદરથી ઘસીને સાફ કરવા. અગાસી, છજ્જામાં પાણી ન ભરાય તેની તકેદારી રાખવી જેના લીધે ડેન્ગ્યુનો ફેલાવો અટકાવી શકાય.

જો આપના રહેણાંક કે ધંધાકીય વિસ્તારમાં વરસાદી/અન્યરીતે પાણી ભરાઈ રહેતું હોય તેવા પાત્રોને અઠવાડિયામાં એક વખત ખાલી કરી, સૂકા કરવા, શકય હોય તો તેવા પાત્રોનો નાશ/નિકાલ કરશો. તેવું મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી કચ્છ ભુજની અખબારી યાદીમાં જણાવાયું છે.