રસલીયાની સીમમાં ઘાસમાં આગ લાગતા ભાગદોડ મચી

0
27

નખત્રાણા : તાલુકાના રસલીયા ગામની સીમમાં અંદાજિત પાંચથી છ એકર જમીનમાં ઉગેલું કુદરતી ઘાસ આગ લાગવાના કારણે બળીને ખાખ થઈ જવા પામ્યું હતું. આગની ઘટના પવનચક્કી નિર્માણ કરતી સુઝલોન અને વિન્ડો વર્લ્ડ કંપનીની પસાર થતી વિજ લાઈનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાની આશંકા લોકોએ વ્યક્ત કરી હતી. આગની જાણ સ્થાનિકોને થતા હાથ વગા સાધનો વડે લોકોએ આગને કાબુમાં લેવા પાણીનો મારો ચાલાવ્યો હતો. જેના કારણે ભારે દોડધામ મચી ગઇ હતી. પ્રાપ્ત માહિતી મુજબ પવનચક્કીની વિજ લાઈનમાં ફોલ્ટ થતાં શોર્ટ સર્કિટ થવાથી ઘસમાં આગ લાગી ગઈ હતી. આગને કાબુમાં લેવા લોકોને ભારે જહેમત ઉઠાવી પડી હતી. બાદમાં ઘટનાની જાણ સંબધિત કંપનીને કરવામાં આવતા બંને કંપનીના કર્મચારીઓએ બનાવ સ્થળે પહોંચી જવાબદારી સ્વીકારવાની મનાઈ કરી હતી. જોકે, કાયમી આ પ્રકારે આગ લાગવાથી જમીનમાં ઉગેલું મહામુલું ઘાસ નાશ પામતું રહે છે. ગ્રામજનોએ આગથી થતા નુકશાન માટે જવાબદાર પવન ચક્કીની કંપનીઓ દ્વારા ભોગ બનનારને વળતર ચુકવવામાં આવે એવી માંગ સામાજિક કાર્યકર જુવાનસિંહ જાડેજાએ કરી હતી.