કોંગ્રેસના ગઢ ગણાતા વાગડમાં ગાબડું પડે તેવી શક્યતા

0
54

મોવાણા સહિતના ગામોના કાર્યકર્તાઓ કેસરિયો ધારણ કરવાની વહેતી થઈ વાતો

ભુજ : વિધાનસભાની ચૂંટણી વેળાએ જ કચ્છ કોંગ્રેસમાં ગાબડા પડવાનું શરૂ થઈ ગયું છે. ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહના રાજીનામા બાદ એકસાથે ર૧ જેટલા કાર્યકરોએ પોતાના સભ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ અન્ય હોદ્દેદારોએ પણ રાજેન્દ્રસિંહના સમર્થનમાં કોંગ્રેસનો હાથ છોડી દીધો હતો. વાગડ વિસ્તાર કે જે કોંગ્રેસનું ગઢ ગણાય છે તેમાં ગાબડું પડવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરાઈ રહી છે.
સૂત્રો જણાવી રહ્યા છે કે, કોંગ્રેસના મોવાણા સહિતના ગામોના કાર્યકર્તાઓ ભાજપમાં જાેડાઈ શકે છે. ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. આ વખતે વાગડ વિસ્તારમાં કોંગ્રેસનો પંજાે ફરી સત્તા સ્થાને આવે તેવા તમામ પ્રયાસો બેઠકના ઉમેદવાર સહિત કાર્યકર્તાઓ કરી રહ્યા છે, પરંતુ ભાજપે મુન્દ્રા-માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને રાપરની સીટ પર ઉતારતા રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. વાગડના મોવાણા સહિતના ગામોમાંથી કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ કમળને સાથ દેશે તેવી વાતો ચર્ચાઈ રહી છે. જાે પાર્ટીના કાર્યકર્તાઓ ભગવો ધારણ કરશે તો વાગડ જે કોંગ્રેસનું ગઢ ગણાય છે તે બેઠકને જીતવા કપરા ચઢાણ ચડવા પડશે.
અત્રે નોંધનીય છે કે, કોંગ્રેસ પાર્ટી પોતાના કાર્યકર્તાઓને મનાવવા તમામ પ્રયાસો કરી રહી છે, પરંતુ ક્યાંય પક્ષમાં સર્જાતા મતભેદના લીધે કાર્યકર્તાઓમાં પણ કચવાટ ફેલાયો છે. કોંગ્રેસના ગઢ ગણાતા વાગડ વિસ્તારમાં ગાબડું પડશે તો વાગડમાં કમળ ખીલે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે.