ભારતનો યુવાન જાેબસિકર નહીં પરંતુ જાેબગીવર બને

0
39

કચ્છ યુનિવર્સિટી ખાતે સ્ટાર્ટઅપ ચર્ચા કાર્યક્રમ યોજાયો : સરકારની યોજના અંગે વિદ્યાર્થીઓને અપાઈ માહિતી

ભુજ :  ભારત દેશ વિશ્વનો સૌથી યુવાઓનો દેશ છે. ત્યારે હાલ યુવાનો નવા નવા સ્ટાર્ટઅપ શરૂ કરીને લોકોને રોજગારી પુરી પાડી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ઈન્ડિયા શરૂ કરવામાં આવ્યું છે. જેના થકી દેશના યુવાનો માત્ર જાેબસિકર નહીં પરંતુ જાેબગીવર બનીને યુવાધનને પ્રોત્સાહન આપી રહ્યું છે. ભારતમાં ધીમે ધીમે સ્ટાર્ટઅપમાં પણ વધારો થઈ રહ્યો છે અને ભારત સૌથી મોટું સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ બની ગયું છે. કચ્છ યુનિવર્સિટી ખાતે સ્ટાર્ટઅપ ચર્ચા પર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને રાજ્ય સરકારની સ્ટાર્ટઅપ પોલિસી અંગે માહિતી આપવામાં આવી હતી.

આ અંગે કચ્છ યુનિવર્સિટીના બિનુ પિલ્લઈએ જણાવ્યું કે, ગુજરાત સરકારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્ટાર્ટઅપના આહવાનને આવકારીને સ્ટાર્ટઅપ પોલિસી બનાવી, સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાની શરૂઆત કરી છે. કચ્છમાં પણ વિવિધ સ્ટાર્ટઅપો યુવાન શરૂ કરે અને કચ્છની સમસ્યાઓનો નિરાકરણ લાવે તેવા આશ્રય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છમાંથી ત્રણ ઉદ્યોગકારોએ પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરીને લોકોને રોજગારી આપી છે. કચ્છ યુનિવર્સિટી દ્વારા અત્યાર સુધી રૂ. ૨ લાખ જેટલું ફંડ નવું સાહસ કરનાર લોકોને આપવામાં આવ્યંુ છે. રાજ્ય સરકારે યુનિવર્સિટીને દોઢ  કરોડનું ફંડ આપ્યું છે. જે આવનારા સમયમાં લાયકાત ધરાવતા સ્ટાર્ટઅપોને આપવામાં આવશે. કચ્છ યુનિવર્સિટીની વેબસાઈટ પર સોમવારથી સ્ટાર્ટઅપ શરૂ કરનાર લોકો માટે લિન્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના થકી તેઓ પોતાના વિચારો સબમીટ કરી શકશે. અને કમિટીને તેમના આઈડિયા ગમશે તો તેમને પ્રેજેન્ટેશન આપવાનો પણ મોકો મળશે. તેમજ સ્ટાર્ટઅપ માટે ફંડ પણ આપવામાં આવશે.

કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, કચ્છ યુનિવર્સિટી ખાતે સ્ટાર્ટઅપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એસએસઆઈપી ઉદેશ્ય સાથે રાજ્યભરની તમામ યુનિવર્સિટીઓમાં યુવા લોકોને સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે ફંડિંગ આપવામાં આવી રહ્યું છે. આ યોજનાનો અત્યાર સુધી અનેક યુવાનો લાભ લઈ ચુક્યા છે.

નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કરે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા સ્ટુડન્સ સ્ટાર્ટઅપસ એન્ડ ઈનોવેશન પોલિસી ૨.૦ શરૂ કરવામાં આવી છે. જેના થકી ઘણાબધા વિદ્યાર્થીઓને આ યોજનામાં આવરી લેવાયા છે. યુવાનોને કોઈપણ ક્ષેત્રમાં પ્રગતિ મેળવવી હશે તો નિષ્ઠાવાન થવું પડશે તેની શીખ તેમણે આપી હતી. આ કાર્યક્રમમાં ૮૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કચ્છ યુનિવર્સિટીના ડો. કનક શાહ, ડો. શિતલ બાટી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.