શિણાયમાં યુવક સમાધાન માટે ગયો ને દંપત્તિએ ઢીમ ઢાળી દીધું

0
56

દંપત્તિએ હતભાગીને વાડામાં બોલાવ્યો : બોથડ પદાર્થનો ઘા ઝીકી દીધો : પરિવારને શંકા જતા પોલીસને જાણ કરાઈ, તપાસમાં મામલો હત્યાનો હોવાનું સામે આવ્યું

ગાંધીધામ : નવું વર્ષ કચ્છ માટે ભારી રહ્યું હોય તેમ દર બે – ચાર દિવસે એક હત્યાની ઘટના સામે આવી રહી છે, ત્યારે વધુ એક બનાવ ગાંધીધામ તાલુકાના શિણાયમાં સામે આવ્યો છે. સમાધાન માટે દંપત્તિએ ગામમાં આવેલા પોતાના વાડામાં યુવકને બોલાવ્યો હતો. તેના માથાના ભાગે બોથડ પદાર્થ ઝીકી દઈ ઢીમ ઢાળી દેવાયું હતું.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ શિણાય ગામે એક યુવાન ઈજાગ્રસ્ત હાલતમાં હોઈ સારવાર માટે લઈ જવાતા રામબાગ હોસ્પિટલના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જાે કે પરિવારજનોએ આ શંકાસ્પદ ઘટના અંગે પોલીસને જાણ કરતા છાનબીન કરવામાં આવી જેમાં આ બનાવ અપમૃત્યુનો નહીં પણ હત્યાનો હોવાનું સામે આવ્યું હતું. આદિપુર પોલીસે જણાવ્યું કે, ન્યુ શિણાઈ સોસાયટી ખાતે રહેતા ૩પ વર્ષિય અંકીત કાછડ નામના યુવાનને માથાના ભાગે અને જમણા હાથના ભાગે ઈજાઓ થઈ હોઈ રામબાગ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જયાં તબીબે તેને મૃત જાહેર કરતા આદિપુર પોલીસને જાણ કરાઈ હતી. પીએસઆઈ બી. વી. ચુડાસમાએ જણાવ્યું કે, શંકાસ્પદ ઘટના અંગે પ્રથમ જાણવા જાેગ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. જયાં હતભાગીના પરિવારજનોએ હત્યાની આશંકા વ્યકત કરતા આ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા. જેમાં શિણાય ગામે રહેતા દંપત્તિ ભાવેશ આહિર અને તેની પત્નિ સંગીતાએ ભોગ બનનારને પોતાના ગાયોના વાડા પર બોલાવી બોલાચાલી દરમ્યાન ઉશ્કેરાઈને માથાના ભાગે બોથડ પદાર્થનો ઘા ઝીકતા ગંભીર ઈજાઓના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે મરણજનારના ભાઈએ આરોપી દંપત્તિ સામે ફરિયાદ આપતા તેઓેને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. પ્રાથમિક પુછપરછમાં એવું સામે આવ્યું છે કે, મરણજનાર અંકિત આરોપીઓના વાડામાં સમાધાનની વાતચીત બાબતે ગયો હતો. જયાં આ બનાવ બન્યો હતો, પણ મુળ હકિકત શું છે તે બન્ને આરોપીઓની પુછપરછ કર્યા બાદ સામે આવશે.

૩ સપ્તાહમાં કચ્છમાં ૬ હત્યા

દિવાળીના દિવસે ભુજના વાલ્મિકીનગરમાં ભુંડ પકડવા બાબતે યુવાનને જાહેરમાં છરીના ઘા ઝીકી મોત નિપજાવવામાં આવ્યું હતું. તે બાદ લાભ પાંચમના દિવસે અબડાસાના વાગોઠ ગામે શંકાનું આળ રાખી બે સગાભાઈઓની હત્યા કરવામાં આવી  હતી. જે બાદ મુંદરાના કુંદરોડી ગામે સ્કોર્પીયોમાં નુકશાન કરવા બાબતે ત્રણ ભાઈઓએ ભેગા મળી મિત્રની હત્યા કરી હતી. તો અબડાસાના સાંધવ વાડી વિસ્તારમાં છેડતીની આશંકાએ યુવકને ઝાડ સાથે બાંધી ઢોર માર મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. આ ઘટનાઓ તાજી છે ત્યાં હવે શિણાયમાં દંપત્તિએ યુવાનને  રહેંસી નાખ્યો હોવાનું સામે આવ્યું છે.