ભુજથી શેખપીર સુધી મીઠાના ઓવરલોડ વાહનોના પૈડા થંભી ગયા

0
77

આર.ટી.ઓ. દ્વારા કડક જાપ્તો ગોઠવાતા વાહનોના રોડ પર ખડકલા : કલાકો સુધી રોડ પર વાહનો ઉભા રહ્યા બાદ અમુક ડ્રાઈવરોએ રોડ પર મીઠુ ખાલી કર્યુ

ભુજ : ખાવડાથી કંડલા જતા મીઠાના વાહનો પર તવાઈ બોલાવવા માટે શેખપીર આર.ટી.ઓ. ચેકપોઈન્ટ પર કડક બંદોબસ્ત ગોઠવાતા શેખપીરથી છેક એરપોર્ટ ચાર રસ્તા સુધી ઠેર ઠેર વાહનોના થપ્પા લાગી ગયા છે. આઠેક માસ પુર્વે ઓવરલોડ મીઠાનું ભુત ધુણયા બાદ હવે ફરીથી વાહનોના થપ્પા લાગ્યા છે.શનિવારે આર.ટી.ઓ.ના શેખપીર ચેકપોઈન્ટ પર કડક બંદોબસ્ત ગોઠવી દેવાતા એક પણ વાહન નિયમના ભંગ બદલ પસાર થઈ શકે તેમ ન હોવાથી વાહનોના થપ્પા લાગ્યા છે. બે દિવસથી શેખપીરથી છેક માધાપર હાઈવે અને નાગોર રોડ તેમજ એરપોર્ટ રોડ સુધી ઠેર ઠેર ટ્રેલરો ખડકાઈ ગયા છે. આર.ટી.ઓ. દ્વારા ચેકપોઈન્ટ પર કડક અમલવારી શરુ કરાતા ખાવડાથી આવતા મીઠાના ઓવરલોડ ટ્રેલરોના પૈડા થંભી ગયા છે. બે બે દિવસ સુધી વાહન પસાર થઈ ન શકતા અમુક વાહન ચાલકોએ મીઠાને અન્ડર લોડ કરવા માટે ભુજોડી હાઈવેના સર્વિસ રોડ પર મીઠો ફેંકી અન્ડર લોડ કરી રવાના થયા હતા. ખાવડામાં આવેલી બે કંપનીઓમાંથી બ્રોમીનની આડપેદાશમાંથી નિકળતા મીઠાને ઓવરલોડ પરીવહન કરી કંડલા પહોંચાડવાનું કામ છેલ્લા આઠેક મહિનાથી શરુ થયેલું છે, વચ્ચે ચાર મહિના વરસાદની સીઝન હોવાને કારણે પરીવહન બંધ હતું. સળસળાટ દોડતા મીઠાના ઓવરલોડ વાહનોને કારણે અવાર નવાર અકસ્માત સર્જાતા હોય છે અને મીઠુ રોડ પર ઢોળાતા વાહન સ્લીપ થઈ જવાના બનાવ પણ બને છે ત્યારે ઉચ્ચકક્ષાએથી કડક આદેશ થતા વાહનોના પૈડા થંભી ગયા છે અને લાઈનો લાગી છે.