કચ્છના મતદારોનો અકળ મીજાજ ઉમેદવારો માટે બન્યો કોયડારૂપ

0
215

ભાજપના ઉમેદવાર વાસણભાઈ આહીરે ૧૯૯પમાં અંજાર બેઠક પરથી ૩૦૬૮૦ મતોની મેળવેલ જીતનો રેકોર્ડ તોડી પ્રદ્યુમનસિંહ જાડેજાએ પેટા ચૂંટણીમાં અબડાસા બેઠક પર ૩૬૭૭૮ મતોની જંગી સરસાઈનો સર્જી દીધો નવો રેકોર્ડ

સૌથી વધુ લીડ સાથે જીતનો રેકોર્ડ ભાજપના નામે જ્યારે પાતળી સરસાઈથી જીતનો રેકોર્ડ કોંગ્રેસને ફાળે : ૧૯૭પમાં રાપર બેઠક પરથી કોંગ્રેસના હરીલાલ નાનજી પટેલે માત્ર ૩૮૩ મતોની સરસાઈથી મેળવી હતી જીત

ભુજ : ભૌગોલીક દૃષ્ટીએ સરહદી કચ્છ જિલ્લો જે પ્રકારે સમગ્ર દેશમાં એક આગવી તાસીરના પગલે અલગ તરી આવે છે તેવી જ રીતે કચ્છી લોકોની પણ એક આગવી જ તાસીર છે. સામાન્ય રીતે શાંત અને સરળ સ્વભાવના કચ્છી લોકો લોકશાહીના પર્વમાં દર વખતે પોતાના અસલી મીજાજના પારખા રાજકીય પક્ષો અને તેના ઉમેદવારોને કરાવી દેતા હોય છે, ત્યારે પાછલી વિધાનસભા ચૂંટણીના કચ્છની ૬ બેઠકોના હાર-જીત પરિણામો જોતા એવું જરૂર કહી શકાય કે કચ્છના મતદારો ઉમેદવારોના બીપી વધારવામાં એક્ષપર્ટ છે.આ અંગેની વિગતો મુજબ ૧૯૬રમાં યોજાયેલ ગુજરાત વિધાનસભાની પ્રથમ ચૂંટણીમાં કચ્છમાં ભુજ, અંજાર, માંડવી, રાપર અને અબડાસા એમ પાંચ બેઠક અસ્તિત્વમાં આવી હતી. જ્યારે ૧૯૬૭માં મુન્દ્રા બેઠકનો વધારો થતા ત્યારથી જિલ્લામાં ૬ વિધાનસભા બેઠકો અસ્તિત્વમાં છે. ર૦૧રમાં થયેલ નવા સીમાંકન બાદ મુન્દ્રા બેઠક રદ્દ થતા ગાંધીધામ બેઠક અસ્તિત્વમાં આવી છે જેના લીધે બેઠકોની સંખ્યા ૬ જ રહેવા પામી છે. કચ્છ જિલ્લામાં પ્રારંભની વિધાનસભા ચૂંટણીઓને બાદ કરતા પાછલા ત્રણેક દાયકાથી ભાજપ તેમજ કોંગ્રેસ વચ્ચે જ બરાબરીનો ખેલ ખેલાતો હોય છે. જેમાં ખરો ભાગ મતદારો ભજવતા હોય છે. ચૂંટણી પૂર્વે દરેક રાજકીય પક્ષો અને તેના ઉમેદવારો મતદારો પોતાની જ સાથે હોવાનો જોરશોરથી દાવો વ્યકત કરતા હોય છે અને આ દાવો મતદાનના દિવસ સુધી યથાવત રહેતો હોય છે. પરંતુ મતદારોએ કયા પક્ષ અને કયા ઉમેદવારને મત આપ્યો હશે તે મતદારો સિવાય કોઈ જાણતું ન હોઈ મત ગણતરીના દિવસ સુધી સસ્પેનસ રહેતું હોય છે. ત્યારે કચ્છના મતદારો સસ્પેનસ સર્જાવામાં પાવરધા હોઈ ઉમેદવારોના બ્લડ પ્રેશર દર ચૂંટણીમાં હાઈ થઈ જતા હોય છે.
કચ્છ જિલ્લાના ભૂતકાળના ચૂંટણી પરિણામો પર નજર નાખીએ તો ૧૯૭પમાં રાપર વિધાનસભા બેઠક પરથી મેદાને ઉતરનાર કોંગ્રેસના હરીલાલ નાનજી પટેલ અને સ્વતંત્ર પક્ષના બાબુલાલ મેઘજી શાહ વચ્ચે કટોકટી ભર્યો જંગ હતો જેમાં અંતિમ સમય સુધી બન્ને ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર રહી હતી જેમાં કોંગ્રેસના હરીલાલ નાનજી પટેલે ર૪૭પ૧ મત મેળવી બાબુભાઈ મેઘજી શાહને માત્ર ૩૮૩ મતોએ પરાસ્ત કર્યા હતા. બાબુભાઈ મેઘજી શાહને ર૪૩૬૮ મતો મળ્યા હતા. તો ૧૯૯પમાં અંજાર બેઠક પર સતત બે ટર્મથી ચૂંટાઈ આવતા કોંગ્રેસના ધારાસભ્ય નવીનભાઈ શાસ્ત્રી સામે ભાજપે વાસણભાઈ આહીરને મેદાને ઉતાર્યા હતા જેમાં વાસણભાઈ આહીરે પર૩૪પ મત મેળવી ૩૦૬૮૦ મતોની જંગી સરસાઈથી જીત પ્રાપ્ત કરી અપસેટ સર્જી દીધો હતો. તે સમયે કોંગ્રેસના નવીનભાઈ શાસ્ત્રીને ર૧૬૬પ મતો મળ્યા હતા.તો ર૦૦રની સાલમાં ગુજરાતના પૂર્વ મુખ્મંત્રી સુરેશભાઈ મહેતાની માંડવી બેઠક પર ૧૯૮પથી ચાલી રહેલી જીતની પરંપરાને કોંગ્રેસના છબીલભાઈ પટેલે તોડી હતી. છબીલભાઈ પટેલે ૪૦પર૯ મત મેળવી પ૯૮ મતે સુરેશભાઈ મહેતાને પરાસ્ત કરી રાજ્યભરમાં ખળભળાટી મચાવી દીધી હતી. તો ર૦૧૪માં અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે ૬૭૮૬૩ મત મેળવી માત્ર ૭૬૪ મતોથી ભાજપના છબીલભાઈ પટેલને પરાસ્ત કર્યો હતો. છબીલભાઈ પટેલને મતદારોએ ૬૭૦૯૯ મતો આપ્યા હતા.ર૦૧૭ની વિધાનસભા ચૂંટણી પર નજર કરીએ તો અબડાસામાં કોંગ્રેસ વતી ઉમેદવારી કરનાર પ્રધ્યુમનસિંહ જાડેજાએ ભાજપના છબીલ પટેલને હરાવ્યા હતા, ત્યારબાદ ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ જતાં કોરોના સમયગાળા દરમ્યાન નવેમ્બર ર૦ર૦માં પેટાચૂંટણીની ફરજ પડી હતી.પેટાચૂંટણીમાં અબડાસા બેઠક પર ૩૬૭૭૮ મતોની જંગી સરસાઈની જીત મેળવી ૧૯૯પના વાસણભાઈના જીતના રેકોર્ડને તોડી નવો કીર્તિમાન સ્થાપીત દીધો હતો. ઐતિહાસિક મતોથી વિજય મેળવી પ્રધ્યુમનસિંહ જાડેજાએ અબડાસા બેઠકની એક પરંપરાને પણ તોડી હતી. ૧૯૬ર થી ર૦ર૦ સુધી કોઈપણ ઉમેદવારને રિપિટ ન કરવાની પરંપરા અબડાસાના મતદારોએ બનાવી હતી. પેટાચૂંટણીમાં ભાજપવતી મેદાને ઉતરેલા પ્રધ્યુમનસિંહ જાડેજાએ કોંગ્રેસમાં ઉમેદવાર ડો. શાંતિલાલ સેંઘાણીને પછાડી ઈતિહાસ રચ્યો હતો. આ ચૂંટણીમાં ત્રીજું પરીબળ બની ઉતરેલા અપક્ષ ઉમેદવાર હનિફ બાવાએ ર૬ હજારથી વધુ મતો મેળવ્યા હતા. ભાજપના પ્રધ્યુમનસિંહ જાડેજાને ૭૧૮૪૮ મતો મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવારને ૩પ૦૭૦ મત મળ્યા હતા.