લોક કલ્યાણ માટે સતત તત્પર અરજણભાઈની જીત નિશ્ચિત

0
42

ભુજ બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર અરજણ ભુડિયાએ દાખલ કર્યું નામાંકન : માધાપરથી આરંભાયેલી રેલી ભુજમાં જનસભામાં પરિવર્તિત થઈ : પાર્ટીના હોદેદારો, કાર્યકરો અને સમર્થકો બહોળી સંખ્યામાં ઉમટ્યા

ભુજ : વિધાનસભા ચૂંટણી માટે ૩ ભુજ બેઠકના ઉમેદવાર અરજણભાઈ ભુડિયાએ આજે પોતાનું ઉમેદવારી પત્રક દાખલ કર્યું હતું. સવારે માધાપર સરદાર પટેલની પ્રતિમાથી વિજયના શંખનાદ સાથે રેલી કાઢવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં સમર્થકો અને કાર્યકરો જોડાયા હતા. આ રેલી માધાપરના ગાંધી સર્કલ, મઢુલી ત્રણ રસ્તા, આરટીઓ, જ્યુબિલી ગ્રાઉન્ડ, ભુજ જુના બસ સ્ટેશન થઇ રેલી મહાત્મા ગાંધીની પ્રતિમા હમીરસર તળાવ પાસે પહોંચી હતી. ગાંધીજીની પ્રતિમાને અરજણભાઈએ હારારોપણ કર્યું હતું. ત્યારબાદ દશનામ ગોસ્વામી સમાજવાડી ખાતે કાર્યકર્તા મિલન અને જનસભા યોજાયી હતી. ત્યારબાદ સ્વામિનારાયણ મંદિર ખાતે સંતોના આશીર્વાદ કોંગ્રેસના ઉમેદવાર અરજણભાઈએ મેળવ્યા હતા.આ જનસભામાં કોંગ્રેસના દિગ્ગજ વક્તાઓએ વર્તમાન ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. આગામી ચૂંટણીમાં પરિવર્તન લાવી ભુજ બેઠક પર અરજણભાઈ ભુડિયાને જંગી બહુમતીથી વિજયી બનાવવા હાકલ કરી હતી. ઉમેદવાર અરજનભાઇ ભુડિયાએ કાર્યકર્તાઓના સહકારથી જંગી લીડ સાથે જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.કોંગ્રેસના ઉમેદવાર અરજણભાઈ ભુડિયાએ જણાવ્યું હતું કે, આ વખતે કોંગ્રેસ છએ છ બેઠકો જંગી બહુુમતિથી જીતશે, ઉમેદવારી પત્ર નોંધાવતી વખતે જે રેલીમાં લોકોનું અભિવાદન અને આવકાર મળ્યો તે પરથી સાબિત થાય છે કે, આ વખતે ભુજની બેઠક પર કોંગ્રેસનો પંજો આવશે. લોકો કાર્યકાળને ધ્યાને લઈ ભારે બહુમતીથી જીતાડશે. જે વર્ષોમાં કામો થયા નથી તે કોંગ્રેસની પાર્ટી આવ્યા બાદ જ તરત જ કરવામાં આવશે. લોકશાહીના આ પર્વમાં પ્રજામાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જે મતદાનના દિવસે પણ રહેશે. જ્યારે રેલીની શરૂઆત કરી ત્યારે લાગતું હતું કે, પ્રજા આવશે નહીં, પરંતુ રેલી શરૂ થતાની સાથે જ બહોળી સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા.જનસભાને સંબોધન બાદ અરજણભાઈ ભુડિયાએ પોતાનું નામાંકન પત્ર કલેકટર કચેરીએ ચૂંટણી અધિકારી અને મદદનીશ કલેકટર અતિરાગ ચાપલોત સમક્ષ દાખલ કર્યું હતું. આ પ્રસંગે આદમભાઈ ચાકી, ઘનશ્યામ ભાટી, રમેશ વોરા સહિત પટેલ સમાજના અગ્રણીઓ જોડાયા હતા. કિશોરદાન ગઢવી, ધવલસિંહ જાડેજા, રજાક ચાકી, દિલીપ મહેશ્વરી, હરેશ આહિર, દીપક ડાંગર, અંજલી ગોર, માનસી શાહ સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપરાંત કચ્છ જિલ્લા કોંગ્રેસના આગેવાનો, ભુજ શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.