અંજારના વ્યાજખોરે ર૦ ટકા વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરી

0
32

વ્યાજ સાથે માત્ર ર૧,પ૦૦ ચૂકવવાના થાય છે, પરંતુ વ્યાજખોરે બે કોરા ચેકમાં લાખ-લાખ રૂપિયા ભરી બેંકમાં જમા કરી દેવાની આપી ધમકી

અંજાર : શહેરમાં રહેતા વ્યાાજખોરે ફ્રૂટના વેપારીની મજબૂરીનો લાભ ઉઠાવી તેને ર૦ ટકા વ્યાજે રૂપિયા આપ્યા હતા, પરંતુ તેની સતત પઠાણી ઉઘરાણી કરી મારકૂટ કરવામાં આવતા આખરે ફરિયાદ કરવામાં આવી છે.અંજારના પ્રભાતનગરમાં રહેતા અને ફ્રૂટનો વેપાર કરતા જગદીશ અણદા દેવીપુજકે જણાવ્યું કે, એક વર્ષ પહેલા રૂપિયાની જરૂરત હોતા તે અને તેની પત્ની ગંગાનાકા પાસે મનીષ હીરા સોરઠીયાની ઓફિસે ગયા જે ખોડિયાર એન્ટરપ્રાઈઝના નામે વ્યાજે રૂપિયા આપવાનો ધંધો કરે છે. તેણે કહ્યું કે, વ્યાજે રૂપિયા જોઈએ તો રૂપિયા ૩૦૦નો સ્ટેમ્પ પેપર અને કોરો ચેક લઈ આવવા જણાવ્યું હતું. જેથી તે આપી ર૦ ટકા વ્યાજે રૂા.પ૦ હજાર ઉછીના લીધા હતા. જેમાં તેણે ૧૦ હજાર વ્યાજ કાપી લઈ ૪૦ હજાર આપ્યા હતા. જે પેટે ૪૬ હજાર રૂપિયા પાછા આપી દીધા બાદ રૂપિયાની ફરી જરૂર પડતા રૂા.ર૦ હજાર ર૦ ટકા વ્યાજે લીધા હતા. જેમાં પ હજાર કાપી ૧પ હજાર રૂપિયા અપાયા હતા. તેમાંથી ર હજાર આપી દીધા બાદ બાકીના ૧૮ હજાર મનીષને આપવાના થાય છે. ગત ૬ તારીખે ફરિયાદી અને તેની પત્ની કંચન ઘરે હતા ત્યારે મનીષ સોરઠિયા તેમના ઘરે આવ્યો અને રૂપિયાની ઉઘરાણી કરવા લાગ્યો હતો અને ગાળો આપી માર માર્યો હતો. મારા રૂપિયા આપી દેજો નહીં તો મજા નહીં આવે જો મારા વ્યાજે આપેલા રૂપિયા વ્યાજ સાથે નહીં મળે તો મારી પાસે તારા બે કોરા ચેક પડ્યા છે જે બન્ને ચેકમાં ૧-૧ લાખની રકમ ભરી તારા પર કેસ કરી દઈશ તેવી ધમકી આપી હતી. મનીષ સોરઠિયા સતત રૂપિયાની ઉઘરાણી કરતો હોઈ તેની સામે ફરિયાદ કરવામાં આવી હતી.