રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવથી બાજરીની સીધી ખરીદી કરશે

0
158

રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ખરીફ  માર્કેટિંગ સિઝન ૨૦૨૨-૨૩ માં ડાંગર,મકાઈ, બાજરીની ખરીદી આગામી તા.૧૭-૧0-૨૦૨૨ થી તા.૩૧-૧૨-૨૦૨૨ દરમિયાન ડાંગર માટે ૯૮, મકાઈ માટે ૬૭, અને બાજરી માટે ૮૯ જેટલા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી.ના ખરીદ કેન્દ્રો ખાતે કરવામાં આવનાર છે.

ભારત સરકાર દ્રારા લઘુત્તમ ટેકાના ભાવ ડાંગર (કોમન) માટે રૂ.૨૦૪૦/- પ્રતિ ક્વિન્ટલ, ડાંગર (ગ્રેડ-એ) માટે રૂ. ૨૦૬૦/- પ્રતિ ક્વિન્ટલ, મકાઈ માટે રૂ.૧૯૬૨/- પ્રતિ ક્વિન્ટલ અને બાજરી માટે રૂ.૨૩૫૦/- પ્રતિ ક્વિન્ટલ નિયત કરેલ છે. લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઈ. ધ્વારા/ગોડાઉન કક્ષાએ તા. ૦૧-૧૦-૨૨ થી ૩૧-૧૦-૨૨ સુધી ચાલુ રહેશે. જે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને જાણ કરવામાં આવે છે. નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધારકાર્ડની કોપી, બેંક પાસબુકની કોપી અથવા કેન્સલ ચેક (IFSC CODE સહિતનો) જેમાં ખેડૂતના નામ, એકાઉન્ટ નંબરનો ઉલ્લેખ હોવો જોઈએ, અધતન ગામ નમૂનો ૭/૧૨ અને ૮-અની ઓનલાઈન પ્રમાણિત નકલ, ગામ નમૂના ૧૨માં પાકની  વાવણી અંગેનો તલાટીનો દાખલો (સહી સિક્કા સાથે) રજુ કરવાનો રહેશે. ખેડૂતોને તેમનો જથ્થો સાફસુફ તથા ચારણો કરી તેમજ તેમાં ભેજનું પ્રમાણ નિયત મર્યાદામાં રહે તે માટે જરૂરી જણાયે તડકામાં સુકવી ખરીદ કેન્દ્ર ખાતે લાવવાનો રહેશે. જેથી ખેડૂતોનો જથ્થો અસ્વીકૃત ન થાય. નોંધણી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પ લાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે. તેમજ ખરીદ કેન્દ્ર ખાતે બારદાન અંગેનો કોઈ ખર્ચ ખેડૂતે ભોગવવાનો રહેતો નથી તેવું નાયબ જિલ્લા મેનેજર (ગ્રેડ-૨) ગુ.રા.ના.પુ.નિ.લી, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.