ગૌવંશોના મૃત્યુ બાદ તબેલા બન્યા વેરાન : ગાયના દુધની આવકમાં દૈનિક પ હજાર લીટરનો ઘટાડો

0
21

  • કચ્છમાં લમ્પીની ભયાનક અસરો હજુય જારી…

સરહદ ડેરીમાં અગાઉ દરરોજ ૧ લાખ લીટર ગાયનું દુધ આવતું હતું જે હવે ઘટીને ૯પ હજાર લીટરે પહોંચ્યું : વલ્લમજીભાઈ હુંબલ (ચેરમેન, સરહદ ડેરી)

પશુપાલન અને દુધની આવક પર નભતા હજારો પશુપાલકોની આર્થિક સ્થિતિ કથળી : આ પરિવારોની તહેવારોની રોનક છીનવાઈ

(બ્યુરો દ્વારા)ભુજ : વૈશ્વિક મહામારી કોરોનાએ જે રીતે માનવ જાતિને સકંજામાં લઈ હજારો લોકોને ભરખી ગયો હતો, તેવી જ રીતે લમ્પી વાયરસ ગૌવંશ માટે ઘાતક સાબિત થઈ રહ્યો છે. કચ્છમાં એપ્રિલ મહિનામાં લમ્પીએ દસ્તક દીધા બાદ પોતાનો પંજો ધીમે ધીમે પ્રસરાવી થોડા સમયમાં જ જિલ્લામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ જીવલેણ રોગથી ગાયોના ટપોટપ મૃત્યુ થવા લાગતા એક સમયે તો ગામડાઓના સીમાડાઓમાં ઠેર ઠેર મૃતદેહો જ દ્રશ્યમાન થઈ રહ્યા હતા. લમ્પીને કાબુમાં લેવા માટે રસીના ડોઝ આપવાની કામગીરી હાથ ધરાઈ હતી. જો કે, રસીની અસર કારગત નિવડે ત્યાં સુધીમાં કચ્છમાં હજારો ગૌવંશો મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. હાલ ભલે જિલ્લામાં લમ્પી વાયરસની સ્થિતિ કાબુમાં છે પરંતુ તેની અગાઉની ભયાનક અસરોના પગલે તબેલા વેરાન બન્યા હોઈ ગાયના દુધની આવકમાં દૈનિક પ હજાર લીટરનો ઘટાડો નોંધાઈ રહ્યો છે.
આ અંગેની વિગતો મુજબ કચ્છ જિલ્લામાં ખેતી બાદ પશુપાલન ઉદ્યોગ સૌથી વિશાળ પાયા પર કાર્યરત હોઈ હજારો પરિવાર તેના પર નભી રહ્યા છે. જિલ્લામાં માનવ વસ્તી કરતા પશુધનની સંખ્યા પણ વધુ છે. ડેરી ઉદ્યોગનું માળખું સુદ્રઢ બનતા દુધના ભાવ પુરતા પ્રમાણમાં મળવા લાગતા પશુપાલન ઉદ્યોગ સમૃદ્ધ બન્યો છે. સરકારની પશુઓ ખરીદી માટે લોન, તબેલા બનાવવા માટે આર્થિક સહાય ઉપરાંત મશીનરી, શેડ, ખાણ-દાણ સહિતની યોજનાઓને પગલે ખેડૂત, પશુપાલકો સિવાયના લોકોએ પણ આ ક્ષેત્રમાં ઝંપલાવી પશુપાલનને મુખ્ય વ્યવસાય તરીકે અપનાવ્યો છે. જો કે, અવિરત પ્રગતિ કરી રહેલા આ વ્યવાસય પર લમ્પી વાયરસની પનોતી બેસતા ગણતરીના સમયમાં આખુંય ચિત્ર બદલાઈ ગયું છે. લમ્પી વાયરસે એપ્રીલ મહિનામાં પગપેસારો કર્યા બાદ જિલ્લાના તમામ તાલુકાઓને પોતાની ઝપેટમાં લઈ લેતા હજારો ગૌવંશો મોતના મુખમાં ધકેલાયા હતા. જિલ્લાના અમુક વિસ્તારોમાં તબેલા બનાવીને દુધનો વ્યવસાય કરતા પશુપાલકો – માલધારીઓની મોટા ભાગની દુધાળી ગાયો મૃત્યુ પામતા તેઓ માથે આભ તુટવા સમાન સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત લમ્પીનો શિકાર બન્યા બાદ મોતના મુખમાંથી બચી ગયેલા ગૌવંશોની શારીરિક ક્ષમતા નબળી બનતા દુધ ઉત્પાદન ક્ષમતા ઘટાડો નોંધાયો હોઈ એકંદરે પશુપાલન ઉદ્યોગના પાયા હચમચી ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હાલ લમ્પી વાયરસનો કહેર ભલે હળવો થઈ ગયો હોય પરંતુ ઘાતક અસરો હજુય જારી રહેવા પામી છે.આ બાબતે સરહદ ડેરીના ચેરમેન વલ્લમજીભાઈ હુંબલે કચ્છઉદયને વિગતો આપતા જણાવ્યું હતું કે, લમ્પી વાયરસના લીધે ગૌવંશોના મૃત્યુ થવાની સાથોસાથ જે પશુઓ લમ્પીગ્રસ્ત બન્યા હતા તેની દુધ ઉત્પાદન ક્ષમતામાં ઘટાડો થયો છે. ડેરીમાં અગાઉ દરરોજ ૧ લાખ લીટર જેટલું ગાયનું દુધ આવતું હતું તેની સામે હવે ૯પ હજાર લીટર દુધની જ દૈનિક આવક થઈ રહી છે. લમ્પીના કારણે સરહદ ડેરીમાં ગાયના દુધની આવકમાં દૈનિક પાંચ હજાર લીટરનો ઘટાડો થયો હોવાનું તેમણે ઉમેર્યું હતું.