કચ્છની એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરીમાં જામીન લેવા આરોપીઓનો ઘસારો

0
28

  • વિધાનસભા ચૂંટણીને પગલે ભરાયા હતા અટકાયતી પગલાં

કાયદો – વ્યવસ્થા જાળવવા ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા શખ્સોને લેવાયા હતા સાણસામાં : કેટલાક તકવાદીઓએ જામીનદાર તરીકેનો વેપાર શરૂ કર્યો : વ્યક્તિ પ્રમાણે પોલીસ સ્ટેશનની બહાર પણ જામીનદારો દ્વારા પ૦૦ થી ર૦૦૦ સુધી લેવાય છે રકમ : લાલબુકવાળા જામીન ન મળે તો કેટલાક સ્થળોએ ખુદ પોલીસવાળા જ કરાવી આપે છે ગોઠવણ

ભુજ : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા આરોપીઓ સામે અટકાયતી પગલા ભરી તેમના એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ સમક્ષ જામીન માટે રજૂ કરાતા જિલ્લાની દસેય મામલતદાર અને એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટની કચેરીમાં આરોપીઓનો ઘસારો વધી ગયો છે. જો કે મોકાનો લાભ લઈ કેટલાક તકવાદી જામીનદારોએ કચેરી કમ્પાઉન્ડમાં અડીંગો જમાવ્યો છે અને જે આરોપીના લાલબુકવાળા જામીન ન મળે તો પોતે જામીનદાર તરીકે હાજર રહી પ૦૦ થી ર૦૦૦ રૂપિયા લેતા હોય છે. ઘણીવખત પોલીસવાળા જ આવા જામીનદારો સાથે આરોપીનો પરીચય કરાવી પોતે પણ કટકી મેળવે છે. કોરોનાના સમયગાળામાં આ પ્રકારે ઘણા જામીન થયા તે બાદ હવે ચૂંટણીમાં ફરી આ પ્રકારની મોસમ ખીલી ઉઠી છે.ચૂંટણી પંચના આદેશ મુજબ વિધાનસભાની ચૂંટણી દરમ્યાન સુલેહશાંતિ જળવાઈ રહે તે માટે ગુનાહિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલા અને ટેવાયેલા તત્વો સામે અટકાયતી પગલા લઈ જામીન લેવાની કાર્યવાહી સ્થાનિક પોલીસ તરફથી હાથ ધરવામાં આવી છે. પોલીસે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી જુગારધારા, સુલેહશાંતિનો ભોગ, પ્રોહિબિશન ગુનામાં તેમજ શંકાસ્પદ હાલતમાં મળી આવેલા લોકોને જામીન માટે રજૂ કર્યા હતા. ચોંકાવનારી હકિકત તો એ છે કે, વિધાનસભાની ચૂંટણીને લઈ પોલીસે અટકાયતી પગલા લેવાની કામગીરી તેજ કરતા જિલ્લાની મામલતદાર અને એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટની કચેરીઓમાં જામીન મેળવવા આરોપીઓને ઘસારો વધી ગયો છે. સૌથી વધુ ધસારો ભુજ અને ગાંધીધામની કચેરીમાં રહે છે. કારણ કે અહીં ગુનાખોરીનું પ્રમાણ અન્ય તાલુકાઓ કરતા વધુ છે. જેના કારણે કેટલાક તકવાદીઓ જામીનદાર બનવા આરોપીઓ પાસેથી આર્થિક લાભ ખાટી રહ્યા હોવાની રાવ ઉઠવા પામી છે. જયારે કેટલાક લેભાગુઓએ તો કચેરી કમ્પાઉન્ડમાં જામીનદાર તરીકે વેપાર કરવા અડિગો જમાવ્યો છે. આ દ્રશ્યોના કારણે કલેકટરના સરકારી કચેરીઓમાં બીનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધના જાહેરનામાનો છેદ ઉડી ગયો છે.