ગૌમાતા પોષણ યોજનાની અમલવારી હેતુ રાતાતળાવ ખાતે રસ્તા રોકી ચક્કાજામ

0
30

મામલતદાર અને નલિયા ફોજદારે અપીલ કરતા મનજીબાપુ દ્વારા જાહેર જનતાના હિતમાં રસ્તા ખુલ્લા કરાયા : આગામી કાર્યક્રમો નલિયા ખાતે આપવાની જાહેરાત

નલિયા : મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની બજેટમાં જોગવાઈ છતા અમલવારી નહીં કરતા મનજીબાપુ દ્વારા અબડાસાની ગૌશાળાના પ્રતિનિધિઓ સાથે આજે સવારે રાતાતળાવ ખાતે રસ્તા રોકી ચક્કાજામ કરાતા ભુજથી નલિયા અને નલિયાથી ભુજ બાજુનો વાહન વ્યવહાર થંભી ગયો હતો.ગૌમાતા યોજનાની અમલવારી માટે મનજીબાપુના ભુજ ખાતે ઉપવાસ આંદોલજ સમયે રાજ્યના મંત્રી અને સ્થાનિક રાજકીય નેતાઓ દ્વારા તાત્કાલીક અમલવારી કરવાની ખાતરી અપાઈ હતી.જેનું પાલન ન થતા આજે સવારે ભુજ-નલીયા હાઈ-વે પર બેનરો સાથે મનજીબાપુની આગેવાનીમાં અબડાસાની પાંજરાપોળના સંચાલકોએ રસ્તા રોકી ગાયો સાથે ચક્કાજામ કરી દીધો હતો. એકાદ કલાક નલીયાથી ભુજ અને ભુજથી નલીયા તરફનો રસ્તો સદંતર બંધ થઈ જતા રસ્તા પર ટ્રકો અને પેસેન્જર વાહનોની લાંબી કતાર થઈ ગઈ હતી. નલિયા એક્જીક્યુટીવ મેજીસ્ટ્રેટ અશ્વિનભાઈ વ્યાસ અને પીએસઆઈ વી.આર. ઉલવા સ્થળ પર પહોંચી મનજીબાપુને જાહેર જનતાને વધુ તકલીફ ન પડે તે હેતુ રસ્તો ચાલુ કરાવવા અપીલ કરી હતી, જેને મનજીબાપુએ સ્વીકારી જનતાને તકલીફ ન થાય તે તમામની જવાબદારી છે તેમ જણાવી અમારી માંગણી સરકારમાં ઉચ્ચ કક્ષાએ પહોંચાડવાનો હેતુ છે તમ જણાવ્યું હતું.પત્રકારો સાથેની વાતચીતમાં મનજીબાપુએ તેમની સાથે વિશ્વાસઘાત થયો છે તેમ જણાવી રાજ્ય સરકારના મંત્રીની ખાતરી છતા ગૌમાતાની યોજનાની અમલવારી ન થતા ગાંધીનગર સાથે કચ્છ અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ હવે આંદોલન જલદ થઈ રહ્યું છે. અને સમાજના વિવિધ વર્ગના લોકોનુ સમર્થન મળી રહ્યું હોવાની માહીતી આપી હતી. ભાજપ સરકાર હિંદુત્વના અને ગાયોના નામે મત મેળવી ચુંટાયા બાદ તેંત્રીસ કરોડ દેવતાનો જેમાં વાસ છે, તેવી ગૌમાતાને ભુલી ગઈ છે અને તે તેના પતનની નિશાની મનજીબાપુએ ગણાવી હતી.આંદોલનમાં માજી ધારાસભ્ય ઈબ્રાહીમભાઈ મંધરા, કિશોરસિંહ વખતસિંહજી જાડેજા, રાતાતળાના શ્રી કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળના ટ્રસ્ટી ઉંમરશીભાઈ ભાનુશાલી, તા.પં. સામાજીક ન્યાય સમીતી ચેરમેન શીવજી કાનજી મહેશ્વરી, કાંતીભાઈ પટેલ, નાનજીભાઈ ભાનુશાલી, લાલજીભાઈ, વસંતભાઈ, નવીનભાઈ, પ્રેમજીભાઈ, કનુભાઈ બાવાજી સાથે અબડાસાની તેરા, નલીયા, સુથરી સહિત સમગ્ર તાલુકાની પાંજરાપોળોના સંચાલકો જોડાયા હતા.એકાદ કલાકના ચક્કાજામ બાદ ધીમે-ધીમે ટ્રાફીક ઓછો થતા રસ્તો પુનઃ ધમધમી ઉઠયો હતો.