માંડવી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને સ્થાનિક અગ્રણી હરિભાઈ સામળાભાઈ ગઢવીએ વ્યક્ત કર્યો વિશ્વાસ : પ્લાન્ટના આગમનથી સ્થાનિકે રોજગારીની તકો વધશે : ખેતી, પશુપાલન કે માછીમારોને કોઈ નુકશાન થવાના આક્ષેપો પાયાવિહોણા : વિરોધ કરનારાઓ ૩૮ વર્ષથી કાર્યરત સુત્રપાડા પ્લાન્ટની લે મુલાકાત
માંડવી : તાલુકાના બાડા નજીક જીએચસીએલના સૂચિત પ્લાન્ટથી માત્ર માંડવી પંથક જ નહી સમગ્ર કચ્છને અનેકવિધ લાભ થશે તેવું માંડવી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને સ્થાનિક રાજકીય અગ્રણી હરિભાઈ સામળાભાઈ ગઢવીએ જણાવ્યું હતું. સૂચિત પ્લાન્ટ સામે ઉઠી રહેલા વિરોધના સૂર સત્યથી દૂર હોવાનું તેમણે જણાવ્યું હતું. જીએચસીએલનો સોડા એસ પ્લાન્ટ છેલ્લા ૩૮ વર્ષથી સુત્રપાડા ખાતે કાર્યરત છે તે વિસ્તારમાં પ્રદુષણને લગતા કોઈ પ્રશ્નો નથી. સ્થાનિક લોકોના પરંપરાગત વ્યવસાય ખેતી, માછીમારીને કોઈ નુકશાન થયું નથી. ઉલ્ટું પ્લાન્ટના કારણે સ્થાનિકોને રોજગાર મળ્યું છે અને પ્લાન્ટ આસપાસ અન્ય નાના – મોટા ધંધા – રોજગારને પણ આર્થિક લાભ થયો છે.
બાડાના વિપશ્યના ધ્યાન કેન્દ્રના કેટલાક સાધકો વિરોધ કરી રહ્યા છે ત્યારે આ વિરોધમાં કંઈ તથ્ય ન હોવાનું જણાવતા શ્રી ગઢવી કહે છે કે ધ્યાન કેન્દ્રમાં મોટા ભાગે દેશ વિદેશના લોકો શાંતિ પ્રાપ્તિ માટે આવે છે. આ ધ્યાન કેન્દ્રમાં શાંતિ મેળવવા સ્થાનિકો જતા નથી. કારણ કે, સ્થાનિકે માહોલ શાંત છે. સત્યની રાહે ચાલવું એ એક જાહેર જીવનના વ્યક્તિ તરીકે મારો ધર્મ છે ત્યારે સચ્ચાઈની પડખે રહેવાનો નિર્ધાર તેમણે વ્યકત કર્યો હતો.
આત્મ નિર્ભર ભારતની પરિકલ્પનાને સાકાર કરે તેવા સૂચિત પ્લાન્ટથી સ્થાનિક લોકોને લાભ થશે. પ્લાન્ટમાં કુશળ અને અર્ધ કુળ કારીગરોની મોટી જ રૂરીયાત ઉભી થશે ત્યારે સ્થાનિકોને રોજગાર પણ મળશે. પ્લાન્ટની આસપાસ અન્ય નાના મોટા વ્યવસાયોને પણ લાભ થશે. વિરોધ કરી રહેલા લોકોએ કંપનીના સુત્રપાડા પ્લાન્ટની મુલાકાત લેવી જોઈએ. તેવો અનુરોધ તેમણે કર્યો હતો. અમુક લોકો જ આ પ્લાન્ટનો વિરોધ કરી રહ્યા છે, જે પ્રજાહિતમાં નથી તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું.