પોલીસની ટુકડી વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીને સાથે રાખી વાહન ચેકિંગ કરતી થઈ

0
93

ચુંટણી આચારસંહિતા પગલે કચ્છમાં ૩૩ જગ્યાએ ચેકપોસ્ટ ઉભી કરાઈ

પૂર્વ કચ્છમાં ૧૭ અને પશ્ચિમ કચ્છમાં ૧૬ સ્થળોએ પોલીસ, આર્મી, જીઆરડી અને હોમગાર્ડ જવાનો દ્વારા કરાઈ રહ્યું છે ચેકિંગ : દશ એસ.એસ.ટી અને એફ.એસ.ટી દ્વારા કચ્છમાં સઘન તપાસ કરાશે : વાહન ચાલકો જાે વધુ રોકડ લઈને નિકળ્યા તો હિસાબ આપવો પડશે : દારુ-ડ્રગ્સ, હથિયાર, છરી-ધોકા સાથે રાખ્યા તોય ગયા…

ભુજ : વિધાનસભા-ર૦રરની ચૂંટણીને અનુસંધાને આચારસંહિતાની અમલવારી શરુ થઈ ગઈ છે જેના ભાગરુપે પોલીસ વિભાગ અને રેવન્યુ વિભાગના અધિકારીઓ જુદી જુદી પોઈન્ટ પર ચેકિંગની કામગીરી માટે તૈનાત થઈ ગયા છે. પશ્ચિમ કચ્છમાં ભુજમાં ત્રણથી ચાર જગ્યાએ તેમજ આખા જિલ્લામાં ૧૭ ચેકપોસ્ટ ઉભી કરાઈ છે, જે તમામ પર દિવસ-રાત વાહનોનું ચેકિંગ કરવામાં આવે છે. આ સિવાય પૂર્વ કચ્છમાં રણથી માંડી અંજાર સુધીના વિસ્તારમાં ૧૬ સ્થળોએ ચેકપોસ્ટ કાર્યરત કરાઈ છે. આ સિવાય મોટા પાયે નાણાંકીય ગેરકાયદેસર હેર-ફેર, દારૂ અને હથિયારોની હેર-ફેર અટકાવવા દશ એફ.એસ.ટી (ફલાઈગ સ્કોર્ડ ટીમ) અને એસ.એસ.ટી (સ્ટ્રેટ્રીક સર્વેલસ ટીમ)ને કાર્યરત કરાઈ છે. એફ.એસ.ટી.માં એક કાર્યપાલક મેજીસ્ટ્રેડ અધિકારી, ત્રણથી ચાર પોલીસ અધિકારી તેમજ આ ટીમની કામગીરીની વિડીયોગ્રાફી કરવા એક વીડીયોગ્રાફર સામેલ રહે છે. એસ.એસ.ટી.માં એક કાર્યપાલક મેજીસ્ટ્રેડ, ત્રણથી ચાર પોલીસ અધિકારી તેમજ સીઆરપીએફ જવાનો અને વીડીયોગ્રાફર સામેલ રહે છે. આ સ્કોર્ડ અલગ – અલગ સ્થળો પણ ચેકીંગની કામગીરી કરે છે.

આચારસંહિત લાગુ પડતા જ વહીવટી તંત્ર કામગીરી આરંભી દીધી છે, ચુંટણી ટાણે બેનંબરી પૈસા અને શરાબની ભારે હેરાફેરી થતી હોય છે ત્યારે પશ્ચિમ કચ્છ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા પશ્ચિમ જિલ્લામાં ૧પ જેટલી ચેકપોઈન્ટ ઉભી કરાઈ છે તો ભુજ શહેરમાં ત્રણથી ચાર જગ્યાએ જુદા જુદા અધિકારી-કર્મચારીઓને તૈનાત કરાયા છે. શહેરના કોડકી રોડ ત્રણ રસ્તા, નળવાળા સર્કલ, આર.ટી.ઓ. સર્કલ, એરપોર્ટ ચાર રસ્તા સહિતના સ્થળે ચેકપોઈન્ટ ઉભા કરાયા છે અને પોલીસની સાથે વહીવટી તંત્રના અધિકારી-કર્મચારી વાહન ચેકિંગની પારદર્શી કામગીરીમાં જાેડાયા છે, તો વાહન ચેકિંગની એક-એક ગતીવિધીનું વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવી રહ્યું છે જેથી વાહન ચેકિંગની કામગીરી પારદર્શી થઈ શકે. જિલ્લામાં ઠેર ઠેર વાહન ચેકિંગના ચેકપોઈન્ટ આધારે ગેરપ્રવૃત્તી થતા અટકી જશે અને જાે કોઈ ગેરકાયદેસર ચીજવસ્તુની હેરાફેરી કરતા હશે તો પકડાઈ જશે.

પશ્ચિમ કચ્છના માધાપર ખાતે બે, કોઠારા ખાતે ત્રણ, નરા ખાતે એક, નખત્રાણા ખાતે બે, જખૌ ખાતે એક, નલિયા ખાતે ત્રણ, પ્રાગપર ખાતે બે અને માંડવી ખાતે બે ચેકપોઈન્ટ ઉભા કરાયા છે. આ તમામ ચેકપોઈન્ટ પર પોલીસ વિભાગની સાથે કલેકટર કચેરી ના આદેશ મુજબ રેવન્યુ વિભાગના અધિકારીઓ પણ જાેડાયા છે. વાહન ચાલક જાે ચેકિંગ દરમીયાન વધુ રોકડ સાથે પકડાઈ ગયા તો તેને હિસાબ આપવો પડશે તેમજ છરી-ધોકા, હથિયાર, દારુ-ડ્‌ગ્સ સાથે લઈને નિકળ્યા તોય ઝપટે ચડી જશે અને સળીયા પાછળ ધકેલાઈ જશે.

પૂર્વ કચ્છની જાે વાત કરીએ તો પ્રથમ પ્રવેશદ્વાર સૂરજબારી તેમજ ભચાઉ- ખારોઈ, મોમાયમોરા- આડેસર, નાડા ગામ રણ તેમજ દુધઈ, અંજાર, મોરગર, અંજાર – ભુજ હાઈવે, અંજાર – આદિપુર હાઈવે, મુંદરા રોડ, રાજવી ફાટક, એરપોર્ટ ચાર રસ્તા, જવાહરનગરથી એરપોર્ટ ચાર રસ્તા, અંજાર – ગાંધીધામ હાઈવે, કંડલા – ખારીરોહર, કંડલા – ગાંધીધામ હાઈવે, આદિપુર – તુણા વિસ્તારમાં ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય બાબત છે કે, જિલ્લામાં ૩૬ સ્થળોએ ચૂંટણીની આચારસંહિતાના પગલે ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે. પણ એક બાબતે એ પણ સામે આવી છે કે, દરેક સ્થળોએ નિયમિત ધોરણે ચેકિંગ કરવામાં આવી રહ્યું નથી. દિવસ દરમિયાન અમુક કલાકો અને કયારેક કોઈ અધિકારી નિકળવાના હોય તેની ભનક પડે ત્યારે જ ચેકિંગ થતું હોય છે. જેના કારણે રોકડ કે, નશીલા પદાર્થ અને હથિયારો સાથે વાહનો નિકળી જાય છે. જેના અનેક તાજા દાખલાઓ સામે આવી ચુકયા છે.

તટસ્થ અને પારદર્શક ચૂંટણી માટે પોલીસ તંંત્ર કટિબદ્ધ : ડીવાયએસપી એ.આર. ઝણકાત

દારૂ, હથિયાર અને મોટા પ્રમાણમાં નાણાકીય હેરફેર પર રહેશે ખાસ નજર : કચ્છની તમામ ચેકપોસ્ટ પર સઘન ચેકીંગ : એસએસટી અને એફએસટીની ૧૦ ફ્લાઈગ સ્કવોર્ડ થઈ છે કાર્યરત

ભુજ : કચ્છ જિલ્લામાં તટસ્થ અને પારદર્શક ચૂંટણી માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા બોર્ડર રેન્જ આઈજી જે.આર. મોથાલીયા, પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસવડા સૌરભસિંઘના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પશ્ચિમ કચ્છ ડીવાયએસપી અને નોડેલ ચૂંટણી અધિકારી એ.આર. જણકાતે જણાવ્યું હતું કે, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતા આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે. જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયું છે. ૩૩ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા ૨૪ કલાક વાહનોનું સઘન ચેકીંગ કરવામાં આવે છે. ઉપરાંત એફએસટી અને એસએસટીની ૧૦ મુવીંગ ટીમો દ્વારા પણ અલગ અલગ સ્થળો પર વાહનોની તપાસ કરવામાં આવે છે. સરકારના અન્ય વિભાગો દ્વારા બનાવવામાં આવેલ ટીમો સાથે રહી પોલીસ તંત્ર દ્વારા રાઉન્ડ ધ ક્લોક મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને દારૂ, ડ્રગ્સ, હથિયારોની હેરફેર તેમજ મોટા પ્રમાણમાં રોકડની હેરફેર પર પોલીસ તંત્રની ખાસ નજર રહેશે. વિધાનસભા ચૂંટણીઓ તટસ્થ અને પારદર્શક રીતે યોજાય તે હેતુથી અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે. ભયમુક્ત માહોલમાં મતદારો પોતાની પવિત્ર ફરજ અદા કરી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા શ્રેણીબદ્ધથી પગલાઓ લેવાઈ રહ્યા છે.