કચ્છીજનોએ લાખોના જલેબી – ગાંઠીયા આરોગી દશેરાની કરી ઉજવણી

0
34

ભુજ સહિતના શહેરોમાં તાજા ફાફડા અને ઘીથી લથપથ જલેબી ખાવા માટે શહેરીજનો લાઈનમાં ઉભા રહ્યા : અહંકારરૂપી અંધકાર પર પ્રકાશના વિજય પર્વ દશેરાની ઉજવણી

ભુજ : નવરાત્રિના છેલ્લા નોરતા સુધી ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમતા હોય છે, અને ભલે રાત્રે મોડે સુધી ગરબા ગાયા હોય પરંતુ બીજા દિવસે વહેલા ઉઠીને ફાફડા-જલેબી ખાવાનો અનેરો જ ઉત્સાહ રહેતો હોય છે. વહેલી સવારથી જ તો કેટલાક આગલી રાતથી જ ફરસાણની દુકાન પહોંચી જતા હોય છે. તાજા ફાફડા, તીખું તમતમતું પપૈયાનું છીણ, સાથે લાલ મરચા અને ઘીથી લથબથ જલેબી ખાવા માટે લોકો લાંબી લાઈનમાં ઉભા રહી જાય છે. અહંકારરૂપી અંધકાર પર પ્રકાશના વિજય પર્વ દશેરાની આજે દેશભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે કચ્છીઓ ફાફડા-જલેબીની જ્યાફત ઉડાવી રહ્યા છે.

આ અંગેની વિગતો મુજબ વિજયા દશમીની ઉજવણીની સાથે કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં જલેબી – ગાંઠીયા આરોગવાની પણ અનેરી પરંપરા છે. દશેરા નિમિત્તે આજ વહેલી સવારથી જ કચ્છમાં જલેબી – ગાંઠીયાની દુકાનો, રેકડીઓ પર ગ્રાહકોની લાંબી કતારો જાેવા મળી હતી. ભારે રોનક દેખાતા વેપારીઓમાં પણ ખુશી જાેવા મળી હતી. દશેરા નિમિત્તે ગ્રાહકોની માંગને પહોંચી વળવા વેપારીઓએ ગત રાત્રીથી જ તૈયારીઓ આરંભી દીધી હતી. આજ વહેલી સવારથી ભુજ, ગાંધીધામ સહિતના શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જલેબી – ગાંઠીયા લેવા ગ્રાહકોની ભારે ભીડ જાેવા મળી હતી. આજે જિલ્લા મથક ભુજ શહેરમાં દશેરા પર્વની ઉજવણી પર ફાફડા જલેબી ખરીદવા સ્વાદ રસિયાઓ ઉમટી પડયા હતા. ફરસાણના વેપારીઓને ત્યાં ફાફડા જલેબી ખરીદવા લાંબી લાઈન જાેવી મળી હતી. દશેરાના દિવસે ફાફડા જલેબીનું સૌથી વધુ વેચાણ થાય છે. આજના દિવસમાં કચ્છીજનો લાખો રૂપિયાના ફાફડા જલેબીની જયાફત માણી હતી. આજે અનેક વિસ્તારોમાં સ્ટોલો પર દશેરા નિમિત્તે ફાફડા જલેબી ખરીદવા લોકોની લાંબી લાઈન લાગી હતી. એક કલાક લાઈનમાં ઊભા રહી લોકો ફાફડા જલેબી નસીબ થયા હતા. ફાફડાના એક કિલોનો ભાવ રૂા. ૪૦૦ જ્યારે જલેબીના ભાવ ૪૧૦ થી ૪૩૦ ની આસપાસ રહ્યા હતા.

જિલ્લા મથક ભુજમાં વહેલી સવારથી જલારામ સ્વીટ હોમ એન્ડ નમકીન્સ – ભુજ (બચુમાલી), ખાવડા સ્વીટ માર્ટ – ભુજ, બજરંગ સ્વીટ એન્ડ નમકીન્સ – માધાપર, એસએસએન સમરાથલ સ્વીટ એન્ડ નમકીન – ભુજ સહિતના વેપારીઓ પાસે ગ્રાહકોની ભારે ભીડ જાેવા મળી હતી. આ ઉપરાંત મુન્દ્રા, માંડવી, અંજાર, રાપર, ભચાઉ સહિત કચ્છભરમાં ગાંઠીયા, જલેબી આરોગી દશેરાની ઉજવણી કરાઈ હતી.