કચ્છની ૭પ ગ્રામ પંચાયતોની લટકેલી ચૂંટણી હવે આવતા વર્ષે યોજાશે

0
33

ગત વર્ષે પ્રથમ તબક્કામાં ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાયા બાદ બાકી રહેલી પંચાયતની ચૂંટણી માટે ફેબ્રુઆરીમાં હાથ ધરાઈ હતી તૈયારીઓ : ૧૦ ટકા અનામતને લઈને મુલત્વી રહેલી ચૂંટણી હવે વિધાનસભા ચૂંટણી બાદ એટલે કે, સંભવતઃ જાન્યુઆરીમાં યોજાય તેવી અટકળો : ચૂંટણી ઠેલાતા હવે પંચાયતોની સંખ્યામાં પણ થશે વધારો

(બ્યુરો દ્વારા)ભુજ : કચ્છની ૭૫ સહિત રાજ્યની ર૩૦૦ ગ્રામ પંચાયતોની મુદ્‌ત પૂર્ણ થવાની અણીએ હતી ત્યારે જ ચૂંટણી ઉપર એકાએક બ્રેક લગાવી દેવાતા આવી પંચાયતોમાં મુદ્દત પૂર્ણ થયા બાદ વહીવટમાં સરળતા રહે તે માટે વહીવટદારોની નિમણૂંક કરવામાં આવી હતી. જો કે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આ પંચાયતોની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર ન થતા ચૂંટણી લડવા માંગતા મુરતિયાઓના અરમાનો પણ અંતે હવે ઠંડા પડી ગયા છે. રાજ્યમાં હાલે વિધાનસભા ચૂંટણીને લઈને તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણીની કામગીરીને આપોઆપ બ્રેક લાગી ગયો છે ત્યારે સંભવતઃ હવે વિધાનસભા ચૂંટણી બાદ આવતા વર્ષે જાન્યુઆરી માસમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાય તેવી અટકળો ચાલી રહી છે.આ અંગેની વિગતો મુજબ કચ્છ જિલ્લામાં ૬૩ર ગ્રામ પંચાયતો આવેલી છે જેમાંથી ૪૦૦ થી વધુ પંચાયતોની ગત ડિસેમ્બર માસમાં ચૂંટણી યોજાઈ હતી. જ્યારે બીજા તબક્કાની ૭પ ગ્રામ પંચાયતોની મુદ્દત પૂર્ણ થવાની અણીએ હતી તે વેળાએ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજવાની શરૂ થયેલી વાતો વચ્ચે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પર એકાએક બ્રેક લગાવી દેવામાં આવી હતી. પંચાયતોની મુદ્દત પૂર્ણ થયા બાદ તેમાં વહીવટદારો નિમાયા હતા. વહીવટદારોને પગલે ગ્રામ પંચાયતોમાં વિકાસ કામો પ્રભાવીત થઈ રહ્યા હોવાની ફરિયાદો પણ ઉઠી હતી. જે બાદ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવા માટેનો સળવળાટ ફરી થયો હતો. જો કે ૧૦ ટકા ઓબીસી અનામતને પગલે સમગ્ર પ્રક્રિયા પર બ્રેક લાગી ગઈ હતી. આ સમયગાળા દરમ્યાન ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ ઢુંકડી આવવા લાગતા રાજ્યનું ચૂંટણી પંચ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં પરોવાઈ ગયું હોઈ ગ્રામ પંચાયત ચૂંટણીનો મુદ્દો હાલ તુરંત વિસરાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે.આ બાબતે ચૂંટણી તંત્રના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ ચાલુ સાલના અંતમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની હોઈ રાજયના ચૂંટણી પંચ દ્વારા તેની તૈયારીઓ આરંભાઈ છે. ચૂંટણીની તારીખ જાહેર ભલે નથી થઈ પરંતુ પૂર્વ તૈયારીઓનો ધમધમાટ ગતિમય બની ગયો છે. હાલમાં જ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોઈ ડેટા એન્ટ્રીનો ધમધમાટ ચાલી રહ્યો છે. સમગ્ર તંત્ર વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં પરોવાઈ ગયું હોઈ ગ્રામ પંચાયતની હાલમાં યોજાય તેવી કોઈ જ શક્યતા દેખાઈ રહી નથી. કચ્છની ૭પ ગ્રામ પંચાયતોની મુદત એપ્રીલ માસમાં પૂર્ણ થઈ ગઈ હોઈ તેની સાથોસાથ અન્ય પંચાયતોની પણ આગામી સમયમાં મુદ્દત પૂર્ણ થઈ ગઈ હોઈ સંભવતઃ વિધાનસભા ચૂંટણી બાદ એટલે કે આવતા વર્ષે જાન્યુઆરીમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કચ્છની ગ્રામ પંચાયતોનો આંકડો વધી શકે તેમ છે.